થાણેના એક વેપારી પાસે ગણેશોત્સવ માટે ૫૦,૦૦૦ રૂપિયા માગનારને ટ્રૅપ ગોઠવીને પકડી લેવામાં આવ્યો, જો તમારી પાસેથી પણ તહેવારના ડોનેશનના નામે પૈસા પડાવવામાં આવતા હોયતો પોલીસ પાસે જાઓ
પ્રતીકાત્મક તસવીર
થાણેના ઘોડબંદર રોડ પર હોટેલ ચલાવતા ૪૮ વર્ષના કરણ ચંદવાણી પાસેથી ગણેશોત્સવ માટે જબરદસ્તીથી ધમકાવીને ૫૦,૦૦૦ રૂપિયાની વર્ગણી માગનાર વિશાલ ઉર્ફે બાળાસાહેબ ભોસલે સહિત અન્ય એક વ્યક્તિની કોપરી પોલીસે ટ્રૅપ ગોઠવીને રવિવારે ધરપકડ કરી હતી. કરણ ચંદવાણીએ ફરિયાદમાં આરોપ કર્યો છે કે વિશાલે પોતાની ઓળખ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના નેતા તરીકે આપીને લોકસભાના ઇલેક્શન વખતે ૫૦,૦૦૦ રૂપિયા જબરદસ્તીથી પડાવ્યા હતા અને હવે ફરી પાછા ગણેશોત્સવ માટે વધુ ૫૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી, પણ એ આપવાનો મેં ઇનકાર કર્યો એટલે મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
કોપરીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૯માં કરણ પાસેથી પહેલી વાર ૨૫,૦૦૦ રૂપિયાની વર્ગણી આબેડકર જયંતી માટે વિશાલે લીધી હતી. એ પછી તેની લાલચ વધતાં દર વર્ષે ૫૦,૦૦૦ રૂપિયા પડાવ્યા હતા. જોકે આ વર્ષે પહેલાં આંબેડકર જયંતી માટે રૂપિયા લીધા બાદ હવે ગણેશોત્સવ માટે પૈસાની માગણી કરતાં કરણ કંટાળી ગયો અને તેણે અમારો સંપર્ક કર્યો હતો. એપ્રિલમાં વિશાલે કરણ પાસેથી ઇલેક્શન નિમિત્તે ૫૦,૦૦૦ રૂપિયા લીધા હતા અને એના બદલામાં જો સરકાર અમારી બનશે તો તમારાં મોટાં કામ કરાવી આપીશ એવું આશ્વાસન તેણે આપ્યું હતું. ત્યાર બાદ હવે ૬ સપ્ટેમ્બરે ફરી વિશાલે કરણને ફોન કર્યા હતા, પણ એ ફોન પૈસા માટે હોવાનો અંદાજ આવી જતાં કરણે ફોન ઉપાડ્યા નહોતા. એનાથી ઉશ્કેરાઈને વિશાલે અલગ નંબરથી કરણને ફોન કર્યો એટલે કરણે ફોન ઉપાડ્યો હતો. એ વખતે તેણે ફોન પર જણાવ્યું કે તારા બધા ધંધા બંધ કરાવી દઈશ, તને કિડનૅપ કરીશ એવી ધમકી આપી હતી એટલું જ નહીં પૈસા નહીં આપે તો ગવર્નમેન્ટ ઑફિસમાં તારા ધંધાની ફરિયાદ કરીશ એવી ધમકી આપીને ૫૦,૦૦૦ રૂપિયાની માગણી કરતાં કરણે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
કોપરીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રણજિત ડેરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિશાલ ઉર્ફે બાળાસાહેબ ભોસલે વિરુદ્ધ અમને ફરિયાદ મળતાં અમે વેપારીને કહ્યું કે તું તેને પૈસા લેવા માટે બોલાવ. એ પછી અમે વેપારીની દુકાન નજીક છટકું ગોઠવીને વિશાલ સાથે કડુબા તેલુરે નામની વ્યક્તિની ધરપકડ કરી છે. કોર્ટમાં હાજર કરતાં તેમને સાત દિવસની પોલીસ-કસ્ટડી મળી છે. આ કેસ સાથે અમે લોકો અને વેપારીઓને અપીલ કરીએ છીએ કે જો આવા કોઈ ખંડણીખોર તમારી પાસે પૈસાની માગણી કરે તો તાત્કાલિક એની માહિતી અમને આપો. અમે તેમના પર કાર્યવાહી કરીશું.’