લોઅર પરેલના વેપારીઓની જાગરૂકતાને કારણે બનાવટી માથાડી કામદાર રંગેહાથ પકડાયો
Mumbai News
ખંડણી માગી રહેલા દેવરાજ નાગુલ્લાની એન. એમ. જોશી માર્ગ પોલીસે ધરપકડ કરી હતી.
મુંબઈમાં કાપડબજાર હજી કોરાનાકાળની મંદીમાંથી બહાર આવી નથી. આ બજારના વેપારીઓ અને દુકાનદારો આજે પણ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી માથાડી કામગાર યુનિયનના નામે અમુક યુનિયનના વર્કરોએ આ વેપારીઓ પાસેથી તેમના અકાઉન્ટ્સની અને અન્ય બિઝનેસની માહિતીની માગીને ખંડણી વસૂલ કરવાની શરૂઆત કરી છે. ગયા મહિને આ બાબતની ફરિયાદ ભુલેશ્વરમાં આવેલા માથાડી બોર્ડનાં ચૅરમૅન સુનીતા મ્હેસકરને ભારત મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી કરવામાં આવી હતી. આમ છતાં માથાડીના નામે વેપારીઓ પાસેથી ખંડણી માગવાનું બંધ થયું નથી. ગઈ કાલે આવો જ એક બનાવ લોઅર પરેલમાં બન્યો હતો. જોકે લોઅર પરેલના વેપારીઓની જાગરૂકતાને કારણે બનાવટી માથાડી કામદારને વેપારીઓએ સાથે મળી રંગેહાથ પકડીને એન. એમ. જોશી માર્ગ પોલીસને સોંપી દીધો હતો.
આ બાબતની માહિતી આપતાં લોઅર પરેલ વ્યાપારી અસોસિએશનના અધ્યક્ષ નીલેશ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડકાળ પછી મુંબઈમાં માથાડી કામદારોના નામે દુકાનદારો અને વેપારીઓ પાસેથી ખંડણી માગવાના બનાવો વધી રહ્યા છે. અમારા જ અસોસિએશનના સભ્ય મેહુલ ગાલાની મેન્સવેરની પ્લસ પૉઇન્ટ નામની દુકાન છે. છેલ્લા ત્રણ દિવસથી તેની દુકાનમાં ફર્નિચરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. એ સમયે મહારાષ્ટ્ર સાઈસેવક માથાડી આણિ જનરલ કામગાર યુનિયન-વરલીની દેવરાજ નાગુલ્લા નામની વ્યક્તિ અને તેના સાથીદારે આવીને મેહુલને તેની ઓળખાણ માથાડી કામગારના અધ્યક્ષ તરીકે આપીને તેનું કામ બંધ કરાવ્યું હતું. મેહુલને દેવરાજ નાગુલ્લાએ કહ્યું કે તારી દુકાનમાં મરાઠી સ્થાનિક માણસો સિવાય બીજા કોઈ પાસે કામ કરાવે છે, તું અમારી પરવાનગી સિવાય બીજા કોઈ પાસે કામ કરાવી શકે નહીં. આમ કહીને તેણે મેહુલની સાથે ઝઘડો કર્યો હતો અને ધાકધમકીની ભાષામાં તેની સાથે વાત કરીને તેનું ફર્નિચરનું કામ રોકવી દીધું હતું.’
આ પણ વાંચો:મની લોન્ડરિંગ કેસ: હાઈકોર્ટે અનિલ દેશમુખના ભૂતપૂર્વ ખાનગી સચિવને જામીન આપ્યા
ADVERTISEMENT
આ બાબતમાં વધુ માહિતી આપતાં મેહુલ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માથાડી કામદારોના નામે રોજ અલગ-અલગ લોકો આવીને મને ધમકી આપતા હતા. ત્યાર પછી આ લોકોએ મને આ મુદ્દે સેટલમેન્ટ કરવા કહ્યું હતું. આની ફરિયાદ તરત જ મેં અમારા અસોસિએશનના અધ્યક્ષ નીલેશ સાવલાને કરી હતી. નીલેશ સાવલાએ બધા વેપારીઓને એકઠા કરીને ગઈ કાલે મારી સાથે સેટલમેન્ટ કરવા આવેલા બનાવટી માથાડી કામદારોને ટ્રૅપમાં લીધા હતા અને તેમની પાસે તેઓ બનાવટી માથાડી કામદાર હોવાનું કબૂલ કરાવ્યું હતું અને લેખિતમાં માફી પણ મગાવી હતી. ત્યાર બાદ એન. એમ. જોશી માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરીને બનાવટી માથાડી કામદારોની ધરપકડ કરાવી હતી. આ કાર્યમાં અમને ભારતીય કામગાર સેનાના સેક્રેટરી નિશિકાંત શિંદેનો પણ સાથ મળ્યો હતો.’
આ અગાઉ બનાવટી કામદારોની માહિતી આપતાં ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડના સમયથી કાપડબજારના ગુજરાતી અને મારવાડી વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. માર્ચ ૨૦૨૦થી દિવાળી સુધી કોવિડના કારણે કાપડના હોલસેલ અને રીટેલ વેપારીઓના બિઝનેસને તાળાં લાગી ગયાં હતાં. એને લીધે માલનું વેચાણ બંધ થઈ જતાં વેપારીઓ આર્થિક મુસીબતમાંથી પસાર થઈ રહ્યા હતા. આનાથી ટ્રાન્સપોર્ટના બિઝનેસ પર પણ ગંભીર અસર પડી હતી. આ જગજાહેર વાત છે. આમ છતાં માથાડી યુનિયનના નામે અમુક કાર્યકરોએ કાપડબજારના વેપારીઓ પાસેથી તેમણે એક વર્ષમાં કેટલો બિઝનેસ કર્યો છે અને કેટલો માલ વેચાયો છે જેવી તપાસ કરીને વેપારીઓને હેરાનપરેશાન કરી નાખ્યા છે. તેઓ આડીઅવળી માગણી કરીને આખરે વેપારીઓ પાસેથી ખંડણી માગી રહ્યા છે. તેઓ વેપારીઓને જઈને પૂછે છે કે તમે આ વર્ષમાં ધંધો ઓછો કેમ કર્યો છે? અમારા બોર્ડમાં તમે રજિસ્ટર્ડ છો કે નહીં? તમારો બોર્ડને આટલો ઓછો ચેક કેમ ગયો છે? આવી પૂછપરછ કરીને તેઓ વેપારીઓને તંગ કરી રહ્યા છે. ગુજરાતી અને મારવાડી વેપારીઓની એક નબળાઈ છે કે તેઓ ભાગ્યે જ માર્કેટમાં વિવાદ સર્જતા હોય છે. તેઓ માથાડી કામગાર યુનિયનના કાર્યકરો દ્વારા આગળ જતાં તેમના બિઝનેસને કોઈ સમસ્યા નડે નહીં અને તેમનો કારોબર સ્મૂથલી ચાલુ રહે એના માટે તેમની માગણી સંતોષી રહ્યા છે અને સાથોસાથ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી અંદરખાને ફફડી પણ રહ્યા છે.’
આ પણ વાંચો:૬૦ વર્ષ જૂના વિવાદનું સમાધાન એક કલાકમાં લાવવું શક્ય નથી : ફડણવીસ
માથાડી યુનિયનને કોઈ પણ વેપારીનાં અકાઉન્ટ્સ તપાસવાનો કોઈ અધિકાર જ નથી અને તેમને આવી કોઈ સત્તા આપવામાં આવી નથી એમ જણાવીને રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘આ વાતની વેપારીઓને પણ પૂરી જાણકારી છે. આમ છતાં તેઓ યુનિયનથી ડરીને ૫૦,૦૦૦ રૂપિયાથી લઈને લાખ રૂપિયાની ખંડણી આપી રહ્યા છે. એની અમારી પાસે અમુક પીડિત અને અસરગ્રસ્ત વેપારીઓએ ફરિયાદ કરતાં અમે ચોંકી ઊઠ્યા હતા. આથી અમે વેપારીઓની ફરિયાદ લઈને મંગળવારે ભુલેશ્વરમાં આવેલા માથાડી કામગાર બોર્ડનાં ચૅરમૅનને મળવા ગયા હતા.’
અમારી વ્યથા સાંભળીને બોર્ડનાં ચૅરમૅન સુનીતા મ્હેસકરે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘તમારી આ ફરિયાદ નવાઈ પમાડે તેવી છે. વેપારીઓ શા માટે આવા ખંડણીખોરોની દાદાગીરી સહન કરે છે? મારી કાપડબજારના વેપારીઓને વિનંતી છે કે તમારી દુકાને કે ઑફિસે આવા ખંડણીખોર આવે ત્યારે તેમના ફોટો પાડતા અચકાશો નહીં. તેમનાથી ડરવાની જરૂર નથી. તમે તરત જ પોલીસ-કન્ટ્રોલમાં ફોન કરીને આ બાબતની જાણકારી આપી ફરિયાદ કરો. બોર્ડ તરફથી તમને પૂરતો સાથસહકાર આપવામાં આવશે અને આવાં અસામાજિક તત્ત્વો પર કાયદાકીય ઍક્શન લેવામાં બોર્ડ પણ વેપારીઓની સાથે જ છે.’