અંધેરીના ડી. એન. નગરના રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં પાંચ ફ્લૅટ બુક કરાવનાર ગોરેગામના હોટેલિયરે એ માટે ૩.૩૬ કરોડ રૂપિયા આપ્યા હતા. જોકે જયેશ તન્નાએ તેને ફ્લૅટ કે પૈસા ન આપતાં હોટેલિયરે ઈઓડબ્લ્યુમાં ફરિયાદ કરી હતી
જયેશ તન્ના
મુંબઈ : કાંદિવલીમાં અનેક પ્રોજેક્ટ્સ કરનાર બિલ્ડર જયેશ તન્નાની મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ઇકૉનોમિક ઑફેન્સિસ વિંગે (ઈઓડબ્લ્યુ) છેતરપિંડીના કેસમાં બુધવારે ધરપકડ કરી હતી. અંધેરીના ડી. એન. નગરના એક રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં પાંચ ફ્લૅટ બુક કરાવનાર ગોરેગામના હોટેલિયર બેલુર શેટ્ટીએ તેને એ માટે ૩.૩૬ કરોડ રૂપિયા આપ્યા હતા. જોકે જયેશ તન્નાએ તેને ફ્લૅટ પણ આપ્યા નહોતા અને તેના પૈસા પણ પાછા ન મળતાં બેલુર શેટ્ટીએ ઈઓડબ્લ્યુમાં ફરિયાદ કરતાં જયેશ તન્નાની બુધવારે તેના કાંદિવલીના ઘરેથી ધરપકડ કરાઈ હતી. જયેશ તન્નાને કોર્ટમાં હાજર કરતાં તેને ૨૨ મે સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.
અંધેરી-વેસ્ટના ડી. એન. નગરમાં જયેશ તન્નાએ ૨૦૧૨માં તેની કંપની સાંઈ સિદ્ધાંત ડેવલપર દ્વારા સૂર્યકિરણ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. હોટેલિયર બેલુર શેટ્ટી એક કૉમન ફ્રેન્ડની ઓળખાણને કારણે જયેશ તન્નાના સંપર્કમાં આવ્યો હતો. જયેશ તન્નાએ તેને એ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવા જણાવ્યું હતું. પ્રોજેક્ટ પસંદ પડતાં બેલુર શેટ્ટીએ એમાં પાંચ ફ્લૅટ બુક કરાવ્યા હતા. એ માટે તેણે ૨૦૧૨માં ઍગ્રીમેન્ટ પણ કર્યું હતું અને ૩૦ લાખ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી પણ ચૂકવી હતી. એ પાંચ ફ્લૅટ માટે તેણે ઑગસ્ટ ૨૦૧૨ સુધીમાં જયેશ તન્નાને ૩.૬૩ કરોડ રૂપિયા ટુકડે-ટુકડે ચૂકવ્યા હતા, જેમાં કેટલીક રકમ કૅશમાં પણ હતી. જયેશ તન્નાએ તેને એ પાંચ ફ્લૅટનું પઝેશન ૨૦૧૫ સુધીમાં આપશે એમ જણાવ્યું હતું. જોકે ત્યાર બાદ તેણે એ ડેડલાઇન કોઈ ને કોઈ કારણ દર્શાવીને લંબાવ્યે રાખી હતી. હાલમાં તપાસ કરતાં બેલુર શેટ્ટીને જાણ થઈ હતી કે તેને અલૉટ કરવામાં આવેલા પાંચ ફ્લૅટમાંથી ત્રણ ફ્લૅટ જયેશ તન્નાએ તેની જાણ બહાર અન્યોને વેચી દીધા છે. ફ્લૅટનું પઝેશન ન મળતાં બેલુર શેટ્ટીએ તેના ઇન્વેસ્ટ કરેલા પૈસા જયેશ તન્ના પાસે માગ્યા ત્યારે જયેશ તન્નાએ તેને એ પણ આપ્યા નહોતા. એથી પોતાની સાથે છેતરપિંડી થઈ છે એવું જણાઈ આવતાં બેલુર શેટ્ટીએ આ સંદર્ભે ઈઓડબ્લ્યુમાં ફરિયાદ કરી હતી. જયેશ તન્નાની ધરપકડ કરનાર ઈઓડબ્લ્યુના હાઉસિંગ ફ્રૉડ યુનિટ-૧ના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સ્વપ્નાલી નિકમે કહ્યું હતું કે ‘બેલુર શેટ્ટીએ કરેલી ફરિયાદના આધારે અમે જયેશ તન્નાની બુધવારે ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેની ૨૨ મે સુધીની પોલીસ-કસ્ટડી આપી છે. હાલ આ કેસમાં એક જ આરોપી છે. જો તપાસમાં અને પૂછપરછમાં અન્ય લોકોનાં નામ બહાર આવશે તો અમે એ બાબતે જરૂરી કાર્યવાહી કરીશું. અમે કેસની વધુ તપાસ કરી રહ્યા છીએ.’

