મુંબઈ-ગુજરાત વચ્ચે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરોના મોબાઇલ અને દાગીના જેવી કીમતી વસ્તુઓ તે ચોરતો હતો
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના અંકલેશ્વરથી ચોરી કરવા મુંબઈ આવતા ૨૧ વર્ષના સૂરજ શુક્લાની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ મુંબઈ સેન્ટ્રલ રેલવે ટર્મિનસ પરથી શુક્રવારે ધરપકડ કરીને તેની પાસેથી ચોરાયેલો મોબાઇલ રિકવર કર્યો છે. સૂરજ મુંબઈ-ગુજરાત વચ્ચે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસ કરીને મુસાફરોના મોબાઇલ અને દાગીના જેવી કીમતી વસ્તુઓ ચોરતો હોવાનો આરોપ તેની સામે કરવામાં આવ્યો છે.
મુંબઈ સેન્ટ્રલ GRPને મુંબઈ સેન્ટ્રલ રેલવે ટર્મિનસના બે નંબરના પ્લૅટફૉર્મ પર પૅટ્રોલિંગ દરમ્યાન એક માણસ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં તેને રોકવામાં આવ્યો હતો અને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ સૂરજ શુક્લા કહ્યું હતું એમ જણાવતાં મુંબઈ સેન્ટ્રલ GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૂરજ પાસે ટ્રેનની ટિકિટ માગતાં તેની પાસે એ નહોતી. વધુ તપાસ કરવા તેને GRP ચોકીમાં લાવવામાં આવ્યો ત્યારે તેની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. એ મોબાઇલની માહિતી લેતાં જાણવા મળ્યું હતું કે તેણે આ મોબાઇલ સૌરાષ્ટ્ર મેલમાંથી સંતોષ કુશવાહા નામના મુસાફરનો ચોરી કર્યો હતો. સૂરજ અંકલેશ્વરનો રહેવાસી છે. તે માત્ર ચોરી કરવાના ઇરાદે મુંબઈ આવતો હતો એમ જાણવા મળ્યું છે. તેની સામે આ પહેલાં પણ કેસો નોંધાયા હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે.’