પહેલાં જર્મનીની એક કોર્ટે અરિહાની કસ્ટડી બાયોલૉજિકલ પેરન્ટ્સને સોંપવાનો ઇનકાર કર્યો અને હવે ચાઇલ્ડ સેન્ટરમાં મળવા દેવા પર પણ પ્રતિબંધ મૂક્યો : તેમણે આપેલી ભારતીય ભેટો પણ પાછી આપવામાં આવી
ગઈ કાલે દિલ્હીના જંતરમંતર મેદાનમાં અરિહાને ૧૫ ઑગસ્ટની બર્લિનમાં અન્ય ભારતીયો સાથે ઉજવણી કરવાની પરવાનગી આપવામાં આવે એવી માગણી કરી રહેલી અરિહાની મમ્મી ધારા શાહ અને અન્ય જૈન સમાજના લોકો.
મુંબઈ : જર્મનીના પેનકોવમાં એક જિલ્લા અદાલતે ૧૩ જૂને બે ચુકાદામાં ૨૮ મહિનાની અરિહા શાહની કસ્ટડી તેના બાયોલૉજિકલ પેરન્ટ્સને આપવાનો ઇનકાર કર્યો હતો અને આ બાળકી બાળકોના કલ્યાણ માટેની એજન્સીને સોંપી દીધી હતી. અરિહાનાં માતા-પિતાએ કરેલા દાવા પ્રમાણે આ એજન્સીએ અરિહાને માનસિક રીતે અક્ષમ બાળકોની વચ્ચે મૂકીને તેના પર અત્યાચાર કર્યો છે. એટલે અરિહાની માતા ધારા અને તેના પિતા ભાવેશ શાહ તેમની દીકરીને પાછી મેળવવા સતત લડી રહ્યાં છે. આવા સમયે ગુરુવારે અરિહાનાં માતા-પિતાને જર્મન સરકારે વધુ જોરદાર આંચકો આપ્યો હતો. જર્મનીની જુગેન્ડમેટે અરિહાની માતા-પિતા સાથેની તમામ મુલાકાતો રદ કરી દીધી હતી. એનાથી પણ વધારે મોટો આંચકો અરિહાને તેનાં માતા-પિતા તરફથી આપવામાં આવેલાં કપડાંથી લઈને રમકડાં સુધીની બધી જ વસ્તુઓ પાછી આપીને આપવામાં આવ્યો હતી. જુગેન્ડમેટે આનું કારણ આપતાં કહ્યું હતું કે અરિહાને માતા-પિતા સાથેની મુલાકાતથી અને તેમને આપેલી વસ્તુઓથી માનસિક તાણ આવે છે.
આ બાબતની માહિતી આપતાં અરિહાના પિતા ભાવેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી મુલાકાતો તો રદ કરી, પણ અરિહા સાથે વિડિયો કૉલથી વાત કરવા પર પણ જુગેન્ડમેટે મનાઈ ફરમાવી દીધી હતી. અરિહા સાથે અમારી મુલાકાત ન થાય તો પણ વિડિયો કૉલ પર વાત કરીને તે ખૂબ ખુશ રહેતી હતી. હવે તો જર્મન સરકારે અમને અરિહાના જીવનમાંથી સંપૂર્ણપણે દૂર કરવાની યોજના અંતર્ગત અમારી બધી જ મુલાકાતો રદ કરી દીધી હતી અને અરિહાને અમે આપેલી ભેટો બિનઉપયોગી છે એમ કહીને અમને પાછી આપી દેવામાં આવી હતી.’
અમને જર્મનીની કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધાં છે ત્યારે નવાઈ લાગે છે કે જર્મન સરકારે અમારી દીકરીને કેમ અમારાથી છીનવીને ચાઇલ્ડ સેન્ટરમાં મૂકી દીધી છે એમ જણાવીને અરિહાની માતા ધારા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં તો અમારી બાળકી પર અમે અત્યાચાર કરીએ છીએ એવો આક્ષેપ કરીને અમારી પુત્રી અરિહાને નાની ઉંમરમાં જ અમારાથી દૂર કરીને ચાઇલ્ડ સેન્ટરમાં મૂકી દેવામાં આવી હતી. નવાઈની વાત તો એ છે કે હવે અમને જર્મનીની કોર્ટે બધા જ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી દીધા છે છતાં અમારી અરિહાને પાછી સોંપવામાં આવી નથી. એનાથી પણ વધારે દુખદ તો હવે જર્મન સરકારે લીધેલો નિર્ણય છે. એમાં અમને અરિહાને મળવા દેવાનો પણ ઇનકાર કરી દેવામાં આવ્યો છે. તેમણે અમે આપેલાં તમામ ભારતીય કપડાં, રમકડાં, પાણીની બૉટલ પાછાં આપી દીધાં છે. આવું શા માટે?’
ADVERTISEMENT
જર્મન સરકારે આપેલા વચન મુજબ અરિહાની સલામતી માટે કૉન્સ્યુલર ઍક્સેસ હોવું સરકાર માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે એમ જણાવતાં ભાવેશ શાહે કહ્યું હતું કે ‘અત્યારે તો જર્મનીની જુગેન્ટમેટ અરિહા સંબંધિત એની પોતાની સરકારના જ શબ્દોનો અનાદર કરી રહી છે. અરિહા માટે એકમાત્ર વિકલ્પ એ છે કે અમદાવાદની બાળકલ્યાણ સમિતિની સંભાળમાં તેને ભારત પાછી મોકલવામાં આવે. અમે તેના માટે પહેલેથી જ એક પાલક પરિવાર શોધી કાઢ્યો છે.’
દરમિયાન ગઈ કાલે અરિહાની માતા અને અન્ય જૈન સમાજના લોકો અરિહા ભારતીય સંસ્કૃતિથી પરિચિત રહે એ માટે જર્મનીમાં અન્ય ભારતીયોની સાથે અરિહાને પણ ૧૫ ઑગસ્ટની ઉજવણીમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવે એવી માગણી સાથેનું આવેદનપત્ર દિલ્હીની જર્મન ઍમ્બેસીમાં આપવા ગયાં હતાં. આ જાણકારી આપતાં ધારા શાહે કહ્યું હતું કે ‘અમે જર્મન ઍમ્બેસીની ઑફિસમાં ગયાં ત્યારે ત્યાં કોઈ જ અધિકારીઓ હાજર નહોતા. આથી અમારે નાછૂટકે ત્યાંના સિક્યૉરિટી ગાર્ડને આવેદનપત્ર આપીને સંતોષ માનવો પડ્યો હતો. ખબર નથી કે સિક્યૉરિટી ગાર્ડને આપવામાં આવેલું અમારું આવેદનપત્ર અધિકારીઓ સુધી પહોંચે છે કે નહીં.’

