ડેપ્યુટી કમિશનર ઑફ સેલ્સ ટૅક્સ દ્વારા ૨૦૧૨થી ૨૦૧૬ દરમ્યાનનાં વર્ષો માટેની ટૅક્સની માગણી કરતા ઑર્ડરને ઍક્ટ્રેસ અનુષ્કાએ પડકાર્યો હતો
અનુષ્કા શર્મા
બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ રજૂઆત કરતાં સેલ્સ ટૅક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે અવૉર્ડ ફંક્શન કે સ્ટેજ-શો દરમ્યાન કરેલા પ્રદર્શનના કૉપીરાઇટ ઍક્ટ્રેસ અનુષ્કા શર્મા પાસે છે. એથી જો એના થકી તેને કોઈ આવક થાય તો તેણે જ ટૅક્સ ચૂકવવો પડશે, કારણ કે તેણે એક ચોક્કસ ફી લઈને આવી ઇવેન્ટના પ્રોડ્યુસરોને આ કૉપીરાઇટ ટ્રાન્સફર કર્યો છે. ડેપ્યુટી કમિશનર ઑફ સેલ્સ ટૅક્સ દ્વારા ૨૦૧૨થી ૨૦૧૬ દરમ્યાનનાં વર્ષો માટેની ટૅક્સની માગણી કરતા ઑર્ડરને ઍક્ટ્રેસ અનુષ્કાએ પડકાર્યો હતો. અનુષ્કા શર્માએ એવી દલીલ કરી હતી કે ફિલ્મ, સ્ટેજ કે ટીવી-શોમાં પર્ફોર્મ કરનારને ક્રીએટર કે પ્રોડ્યુસર કહી શકાય નહીં એટલે તેની પાસે એના કોઈ કૉપીરાઇટ નથી. જોકે સેલ્સ ટૅક્સ દ્વારા અનુષ્કાની આ દલીલને પડકારતાં કહેવાયું હતું કે ‘એના પ્રદર્શનના કૉપીરાઇટની તે પ્રથમ માલિક છે. તેના આ કૉપીરાઇટને વિવિધ ક્લાયન્ટ-કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવે છે એથી એને વેચાણની વ્યાખ્યામાં આવરી લઈ શકાય.’