દિગંબરો અને શ્વેતાંબરો વચ્ચેના વિવાદનો આવ્યો અંત : ગઈ કાલે બંને સમુદાયના ટ્રસ્ટીઓ અને વકીલોએ લીધો નિર્ણય
દિગંબર સાધુ સિદ્ધાંતસાગર મહારાજસાહેબ અને શ્વેતાંમ્બર સાધુ પંન્યાસ પરમહંસવિજયજી મહારાજસાહેબ સાથે બંને સમુદાયના અગ્રણીઓ
મહારાષ્ટ્રના આકોલા પાસેના શિરપુર ગામમાં આવેલા જૈનોના અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થમાં શ્વેતાંબર અને દિગંબર જૈન સમુદાયો વચ્ચે લેપની પ્રક્રિયા સંદર્ભમાં શનિવારથી શરૂ થયેલા વિવાદનો ગઈ કાલે અંત આવ્યો હતો. એને પરિણામે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે શ્વેતાંબર સમુદાય તરફથી અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પર લેપ એટલે કે પ્લાસ્ટર ગુરુવારે શુભ મુહૂર્તે શરૂ કરવામાં આવશે. લેપ દરમિયાન મૂર્તિના દેખાવમાં કે કૅરૅક્ટરમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં નહીં આવે તેમ જ ભગવાનનાં દર્શન માટે દેરાસરના દરવાજા ખુલ્લા રાખવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના ૨૨ ફેબ્રુઆરીના આદેશ પછી સરકારી પ્રોસેસ પૂરી કરીને શ્વેતાંબર સમુદાયે શનિવાર, ૧૧ માર્ચે સરકારી તાળાં દૂર કરીને લેપની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. જોકે દિગંબર જૈન સમુદાયે લેપની પ્રક્રિયામાં ભગવાનના દેખાવમાં શ્વેતાંબરો ફેરફાર કરશે એવો ભય વ્યક્ત કરીને અંતરીક્ષના વાતાવરણમાં ગરમાવો લાવી દીધો હતો. એટલે શ્વેતાંબર સાધુભગવંતો તરફથી ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ બધા બનાવો છતાં શિરપુર પોલીસ હાથ જોડીને બેઠી હતી. આથી શ્વેતાંબર સમુદાય તરફથી પોલીસ સુરક્ષા માટે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. એને પગલે ગઈ કાલે સવારે મહારાષ્ટ્ર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ ફોર્સ સાથે અંતરીક્ષજી પહોંચ્યા હતા અને મામલાને શાંત કર્યો હતા. ત્યાર બાદ બંને સમુદાયો વચ્ચે બપોરે ૩.૩૦ વાગ્યે સમાધાનની મીટિંગ શરૂ કરવામાં આવી હતી. એમાં કોર્ટના આદેશ પ્રમાણે મૂર્તિના દેખાવમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર લેપની શરૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ બાબતની માહિતી આપતાં અંતરીક્ષજી તીર્થમાં બિરાજમાન પંન્યાસ પરમહંસવિજયજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બંને સમુદાયોની આ મીટિંગમાં કોર્ટના આદેશ પ્રમાણે ભગવાનની મૂર્તિને લેપની અને દેરાસરના શુદ્ધીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે બંને સમુદાયના અગ્રણીઓ તૈયાર થયા હતા. આ લેપ દરમિયાન મૂર્તિના દેખાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે એની શ્વેતાંબર સમુદાય તરફથી ખાતરી આપવામાં આવી હતી. એને પરિણામે ગુરુવાર, ૨૩ માર્ચથી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પર લેપ શરૂ કરવા માટે બંને પક્ષો સહમત થયા હતા. આ સાથે અત્યારે લેપના મુદ્દે શરૂ થયેલા વિવાદનો અંત આવ્યો છે.’