Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માટુંગાના વેપારીએ અટલ સેતુ પરથી કૂદીને જીવ આપી દીધો, કચ્છી જૈન સમાજ સ્તબ્ધ

માટુંગાના વેપારીએ અટલ સેતુ પરથી કૂદીને જીવ આપી દીધો, કચ્છી જૈન સમાજ સ્તબ્ધ

Published : 03 October, 2024 07:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનમાં હોવાને લીધે ફિલિપ શાહે અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસને આશંકા: અનેક સંસ્થાઓ સાથે જોડાયેલી બાહોશ અને ઍક્ટિવ વ્યક્તિ આત્મહત્યા કઈ રીતે કરી શકે એ મિત્રોને સમજાતું નથી

ફિલિપ શાહ

ફિલિપ શાહ


હું ઑફિસની મીટિંગ માટે બહાર જાઉં છું એમ કહીને ગઈ કાલે સવારે ૮.૩૦ વાગ્યે માટુંગા (સેન્ટ્રલ)ના નિવાસસ્થાન રાજ નિકેતનમાંથી પોતાની કારમાં બહાર જવા નીકળેલા ૫૧ વર્ષના કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના ફિલિપ શાહે અટલ સેતુ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. સામાજિક સ્તરે ખૂબ ઍક્ટિવ અને સુખી પરિવારના ફિલિપની આત્મહત્યાના સમાચારથી શાહ પરિવારમાં જ નહીં, કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસને સુસાઇડ-નોટ મળી ન હોવાથી ફિલિપની આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થયું નહોતું, પરંતુ તેમના પરિવારજનોના કહેવા પ્રમાણે ફિલિપ છેલ્લા થોડા મહિનાથી ડિપ્રેશનમાં રહેતો હતો અને એ જ કદાચ તેની આત્મહત્યાનું કારણ  હોઈ શકે.


અટલ સેતુ પર કારમાં જઈને આત્મહત્યા કરવાનો ત્રણ દિવસમાં આ બીજો બનાવ છે. આ પહેલાં સોમવારે સુશાંત ચક્રવર્તી નામના એક બૅન્ક-મૅનેજરે આત્મહત્યા કરી હતી. તેનો મૃતદેહ પોલીસને મંગળવારે મળ્યો હતો. સુશાંત અને ફિલિપ બન્ને પોતાની જ કારમાં અટલ સેતુ પહોંચ્યા હતા અને તેમની કારને લૉક કરીને અટલ સેતુ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. નવાઈની વાત એ છે કે અત્યાર સુધી અટલ સેતુ પર જેટલાં સુસાઇડ થયાં છે એમાં મોટા ભાગે એજ્યુકેટેડ લોકોએ જ ત્યાં આત્મહત્યા કરી છે.



મૂળ કચ્છના નાની ખાખર ગામના ડેટા-ઍનલિસ્ટ અને સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવતા ફિલિપ શાહ કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજન અંતર્ગત પાલાગલી ઑર્કિડ ઇન્ટરનૅશનલ સ્કૂલના ટ્રસ્ટી હતા. આ માહિતી આપતાં ફિલિપ શાહના નજીકના મિત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફિલિપ તેના બિઝનેસ સાથે અનેક સામાજિક સંસ્થાઓને સેવા આપતો હતો. પહેલાં માટુંગાની શિશુવનમાં પણ તે કમિટીમાં હતો. લાયન્સ કલબ ઑફ કિંગ્સ સર્કલમાં તે હોદ્દા પર હતો. આવી અનેક સંસ્થાઓમાં ફિલિપ સેવા આપતો હતો. તેને બે દીકરા છે. ફિલિપના પપ્પા હિતેન શાહના સમયથી તેમનો ચેમ્બુરમાં રેડીમેડ ગાર્મેન્ટ્સનો બિઝનેસ છે. એમાં પહેલાં તેના પપ્પા અને ત્યાર પછી ફિલિપ અને તેનો ભાઈ નયન જોડાયા હતા. પહેલાં અલંકાર અને ત્યાર પછી બન્ને ભાઈઓ ચેમ્બુરમાં જ નાઇન ટુ સેવન ફૅશન્સના નામે રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાન ચલાવતા હતા. એ દરમ્યાન ફિલિપને એક સ્ટાર્ટઅપમાં જોડાવાની તેના એક મિત્રએ ઑફર કરી હતી એના પરિણામે છેલ્લા દોઢ-બે વર્ષથી ફિલિપ રેડીમેડ ગાર્મેન્ટ્સનો બિઝનેસ છોડીને સ્ટાર્ટઅપમાં જોડાયો હતો. અમને ક્યારેય એવું લાગ્યું નથી કે તે કોઈ માનસિક સ્ટ્રેસમાં છે. તે સદા હસતો રહેતો હતો. ખૂબ જ ઍક્ટિવ હતો અને બાહોશ પણ હતો. તેની ઍક્ટિવિટી જોઈને ક્યારેય એવું લાગે નહીં કે ફિલિપ એક દિવસ આ રીતે જીવ આપી દેશે. અમે બધા ખૂબ શૉકમાં છીએ. અમને એવું લાગે છે કે તેણે પોતાના દિલની વાત કોઈની સાથે શૅર ન કરી અને એમાં ડિપ્રેશનમાં સરી જઈને આવું અંતિમ પગલું ભર્યું હોવું જોઈએ.’


ગઈ કાલે ફિલિપની ડેડ-બૉડી મળી ત્યારે પોલીસને તેના ખિસ્સામાંથી કારની ચાવી અને તેની કંપનીનું વિઝિટિંગ કાર્ડ મળ્યું હતું એમ જણાવતાં ન્હાવા શેવાના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અંજુમ બાગવાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને સવારે ૯ વાગ્યે માહિતી મળી હતી કે અટલ સેતુ પર કોઈક માણસ કાર રોકીને દરિયામાં કૂદી પડ્યો છે. અમે તરત અમારી રેસ્ક્યુ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં અમને ફિલિપ શાહની ડેડ-બૉડી મળી હતી. તેના ખિસ્સામાં રહેલા વિઝિટિંગ કાર્ડમાંથી નંબર મેળવીને અમે તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. તેના પરિવારના સભ્યોએ જણાવ્યા પ્રમાણે ફિલિપ છેલ્લા થોડા મહિનાથી ડિપ્રેશનમાં હતો. અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોં‍ધીને તેના પરિવારને અંતિમ સંસ્કાર માટે ફિલિપની ડેડ-બૉડી સોંપી દીધી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2024 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK