રાજ્ય કક્ષાનાં પ્રધાન અદિતિ તટકરેએ રાળેગણ સિદ્ધિ જઈને અન્નાને મનાવવાની કોશિશ કરી
અન્ના હઝારે
સોશ્યલ ઍક્ટિવિસ્ટ અન્ના હઝારેએ રાજ્યમાં મંદિરો ન ખોલવાના રાજ્ય સરકારના વલણ સામે પ્રશ્નાર્થ કરતાં જણાવ્યું હતું કે જો મંદિરો પરનાં નિયંત્રણો ઉઠાવવા માટે આંદોલન થાય, તો તેઓ એનું સમર્થન કરશે.
અહમદનગર જિલ્લાના રાળેગણ સિદ્ધિ ગામમાં હઝારેએ જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકાર શા માટે મંદિરો નથી ખોલી રહી? લોકો માટે મંદિરો ખોલવામાં રાજ્ય સરકારને કયું જોખમ દેખાય છે? જો એનું કારણ કોરોના હોય તો શરાબની દુકાનો બહાર તો લાંબી કતાર લાગે છે.’
ADVERTISEMENT
૮૪ વર્ષના હઝારેએ જણાવ્યું હતું કે મંદિરો પુનઃ ખોલવાની માગણી ધરાવતું પ્રતિનિધિ મંડળ તેમને મળ્યું હતું અને હઝારેએ તેમને સમર્થન આપવાની ખાતરી આપી હતી અને તેમને જણાવ્યું હતું કે જો મંદિરો ખોલવાની માગણી સાથેનું આંદોલન કરવામાં આવે, તો તેઓ એનું સમર્થન કરશે.
ત્રીજી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર કોરોના વાઇરસ પ્રસરવાના ભયને પગલે ધાર્મિક સ્થળો રી-ઓપન કરવા અંગે સતર્ક વલણ અપનાવી રહી છે. જોકે, અન્નાના આ વલણ બાદ ગઈ કાલે રાજ્ય સરકાર તરફથી મિનિસ્ટર અદિતિ તટકરે તેમને મળવા માટે પહોંચી ગયાં હતાં. તેમની વચ્ચે અડધો કલાક ચર્ચા થઈ હતી, પણ અન્નાએ આંદોલન થશે તો એને સપોર્ટ નહીં આપવાનું કોઈ વચન મિનિસ્ટરને નહોતું આપ્યું.