કબૂતરને ચણ નાખનારાની ખિલાફ કેસ થતાં બબાલ
લોખંડવાલામાં તોડી પાડેલા કબૂતરખાનાનો કાટમાળ
કબૂતરોને ચણ નાખવાની બાબતમાં આંબોલી પોલીસે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું કહી તાજેતરમાં ફિલ્મ-ડિરેક્ટર ભરત શર્મા, જેઠાલાલ છાડવા અને રતન છાડવા મળી ત્રણ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો, જેની સામે મુંબઈના પ્રાણીપ્રેમીઓ રોષે ભરાયા હતા. આ પ્રાણીપ્રેમીઓએ આંબોલી પોલીસને કેસ પાછો ખેંચી લેવાની માગણી કરી છે અને જો તેઓ એમ નહીં કરે તો લોખંડવાલા કૉમ્પ્લેક્સ પાસે આવેલા કબૂતરખાના પાસે વિરોધ-પ્રદર્શન કરશે એવી ધમકી આપી છે.
આમ જનતાને બર્ડ ફ્લુને કારણે કબૂતરોને ચણ ન નાખવાનું કહેતાં બૅનર્સ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે બીએમસીએ બર્ડ ફ્લુની ભીતિને લીધે શહેરભરમાં કબૂતરોને ચણ ન નાખવાનું કહેતાં બૅનર લગાવ્યાં છે. આ વાત સામે પ્રાણીપ્રેમીઓની દલીલ છે કે પક્ષીઓને ચણ નાખવું એ કોઈ ગુનો નથી, પણ એ તેમનો સંવિધાનિક અધિકાર છે. આ ઉપરાંત તેમણે લોખંડવાલા કૉમ્પ્લેક્સમાંના તોડી પાડેલા કબૂતરખાનાને ફરીથી તૈયાર કરવાની અરજી પણ કરી છે. આ માટે તેમણે બીએમસી, પોલીસ અને ઍનિમલ વેલ્ફેર બોર્ડને પત્ર લખીને પોતાની માગણી જાહેર કરી છે અને સાથે-સાથે જો એ માગણી પૂરી નહીં થાય તો વિરોધ-પ્રદર્શન કરવાની ચેતવણી પણ આપી છે.
ડિસ્ટ્રિક્ટ ઍનિમલ વેલ્ફેરના ઑફિસર મિતેશ જૈન ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહે છે કે ‘પક્ષીઓને ચણ નાખવું કોઈ કાનૂની અપરાધ નથી અને આંબોલી પોલીસે એ બાબતે ત્રણ વ્યક્તિ સામે વગર કોઈ સબૂતે ગુનો દાખલ કર્યો છે. એ નિર્દોષ વ્યક્તિઓ, જે વાસ્તવમાં પક્ષીઓની સારસંભાળ રાખી રહી હતી તેમની સામેની ફરિયાદ રદ નહીં કરે તો અમે વિરોધ-પ્રદર્શન કરીશું. લોખંડવાલા કૉમ્પ્લેક્સ પાસેનાં બૅનર હટાવવા પણ અમે બીએમસીને વિનંતી કરી છે. સંવિધાનના નિયમ મુજબ દરેક વ્યક્તિને પર્યાવરણની જાળવણી કરવાનો અધિકાર છે. અમે તેમને ગયા વર્ષે તોડી પાડેલા કબૂતરખાનાને ફરીથી તૈયાર કરવાની અરજી પણ કરી છે.’

