અંધેરીની ગુજરાતી યુવતીની હિંમતથી તેની સામે અશ્લીલ ચેનચાળા કરતો યુવક પકડાયો : આ યુવક રસ્તા પરથી પસાર થતી છોકરીઓ અને યુવતીઓ સામે અશ્લીલ હરકતો કરતો હતો, પરંતુ કોઈએ ફરિયાદ કરી ન હોવાથી તેની હિંમત વધી ગઈ હતી : યુવતીએ હિંમત બતાવીને તેની સામે ફરિયાદ નોંધાવી
અંધેરી પોલીસને કેસની તપાસ કરતી વખતે સીસીટીવી કૅમેરાના ફુટેજમાં આરોપી જોવા મળ્યો હતો
રસ્તા પરથી પસાર થતી કોઈ વ્યક્તિ અશ્લીલ હરકતો કે ફ્લાઇંગ કિસ કરે તો યુવતીઓ મોટા ભાગે એની અવગણના કરતી હોય છે. અંધેરીમાં આંબાવાડી વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની ગુજરાતી યુવતી સાથે પણ આવો બનાવ બન્યો હતો, પરંતુ તેણે એની અવગણના ન કરતાં સામનો કર્યો હતો. યુવતીએ પરિવારજનોને પોતાની સાથે બનેલો બનાવ કહ્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવીને તે બદમાશને પકડાવ્યો હતો. જોકે તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે આ બદમાશે પહેલાં પણ અનેક છોકરીઓ અને યુવતીઓ સાથે આવું કર્યું હતું. પોલીસે વિનયભંગનો કેસ નોંધીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોતાની સાથે બનેલા બનાવ વિશે માહિતી આપતાં ૨૩ વર્ષની અંધેરી-ઈસ્ટમાં રહેતી યુવતીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું ઘરની પાસે આવેલા રસ્તા પર ચાલીને સામાન લેવા જઈ રહી હતી. અમારો આખો પરિસર ખૂબ સારો અને વ્યવસ્થિત છે. હું મીરા બિલ્ડિંગ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે રસ્તા પર એક બાજુએ ઊભેલી એક વ્યક્તિએ પહેલાં મને જોઈને આંખ મારી હતી અને પછી ફ્લાઇંગ કિસ કરી હતી. એ પછી પણ તે માણસ અશ્લીલ હરકતો કરી રહ્યો હતો. પહેલાં મેં એ જોઈને નજરઅંદાજ કર્યું હતું, પરંતુ આગળ ગયા પછી પાછળ ફરીને જોયું તો તે ફરી એવું જ કરી રહ્યો હતો. મેં બૂમ પાડી તો તે ત્યાંથી જતો રહ્યો હતો. રસ્તામાં મારા પપ્પા મળ્યા એટલે મેં તેમને આ વિશે જાણ કરી હતી. એથી પપ્પા, કાકા અને અન્ય લોકો તેને શોધવા એ જગ્યાએ ગયા હતા.’
અમે બધાએ તેને એ જગ્યાએ શોધ્યો અને એ વખતે તે મારા કાકાના હાથમાં આવ્યો હતો, પરંતુ તે ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો એમ જણાવીને યુવતીએ કહ્યું હતું કે ‘અમે તેને શોધી રહ્યા હતા ત્યારે અમને જાણ થઈ કે તેણે ૧૩ વર્ષની એક છોકરી સાથે પણ આવું કર્યું હતું. એટલે હિંમત કરીને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે જઈને તે ફરાર વ્યક્તિની શોધ કરવા ત્યાંના અનેક સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતા. એના આધારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. જો મેં આ બનાવ સામે ફરિયાદ કરી ન હોત તો હું કદાચ હિંમત ખોઈ બેસત અથવા તો રાતના સૂઈ શકી ન હોત.’
ADVERTISEMENT
અંધેરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિનોદ પાટીલે આ વિશે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. આરોપી અજ્ઞાત હોવાથી ઘટનાસ્થળના અનેક સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યા બાદ અને અન્ય માહિતીના આધારે અમે તેની ધરપકડ કરી હતી.’
આ કેસને સંભાળનાર અંધેરી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર અમિત યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અને અમને મળેલી માહિતીના આધારે જાગૃતિનગરમાં રહેતા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરીનું કામ કરતા દિનેશ બિશ્નોઈની અમે ધરપકડ કરી હતી. તેનો પહેલાંનો કોઈ ક્રિમિનલ રેકૉર્ડ નથી.’