પેરન્ટ્સના મૃત્યુ પછી પોતે મોટી કરેલી બહેનનાં લગ્ન પહેલાં જ બોલાચાલીમાં થયેલા હુમલાને લીધે હૉસ્પિટલમાં એડ્મિટ ભાઈએ આઇસીયુમાંથી વિડિયો-કૉલ દ્વારા લગ્નમાં હાજરી આપી
અંધેરીના યુવાન જિજ્ઞેશ સોલંકીએ હૉસ્પિટલમાંથી વિડિયો-કૉલ પર બહેનની લગ્નવિધિ જોઈ હતી
અંધેરી-વેસ્ટમાં આવેલી જુહુ ગલીમાં સી. ડી. બરફીવાલા રોડ ખાતેના ઘરની સૌથી નાની બહેન દીપિકા સોલંકીનો લગ્નપ્રસંગની હલ્દીનો કાર્યક્રમ હતો. લગ્ન હોવાથી ગામનાં અને મુંબઈનાં અનેક સગાંસંબંધીઓ આવ્યાં હતાં. રાતે અઢી વાગ્યા સુધી બેસીને સગાંસંબંધીઓ લગ્નનાં ગીતો ગાઈ રહ્યાં હતાં એ દરમ્યાન નજીકના પરિસરમાં રહેતા એક યુવાન અને દુલ્હનના ભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં એ લોકોએ ભાઈના ગળા અને પેટમાં ચાકુના ઘા માર્યા હતા. ગંભીર ઈજા પામેલા ભાઈને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેનું પાંચ કલાક ઑપરેશન ચાલ્યું હતું. અંતે માતા-પિતાની ભૂમિકા ભજવી રહેલા ભાઈએ બહેનનાં લગ્ન અટવાય નહીં એટલે હૉસ્પિટલમાંથી વિડિયો-કૉલ કરીને લગ્નમાં હાજરી આપી હતી. આ સંદર્ભે ડી. એન. નગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
અંધેરી રહેતો ૩૩ વર્ષનો જિજ્ઞેશ સોલંકી બીએમસીનો સફાઈ-કર્મચારી છે. માતા-પિતાના મૃત્યુ બાદ છેલ્લાં અનેક વર્ષોથી જિજ્ઞેશ જ ઘર ચલાવીને બહેનોનું ધ્યાન રાખે છે. જિજ્ઞેશનાં લગ્ન ૧૦ દિવસ પહેલાં થયાં હતાં. માતા-પિતા વગરની દીકરીનાં લગ્ન ભાઈએ ખૂબ જહેમત ઉપાડીને ધામધૂમથી કરવાનાં સપનાં જોયાં હતાં. બીએમસીમાંથી લોન લઈને ભાઈએ લગ્નનો મંડપ બંધાવ્યો હતો, પરંતુ લગ્નના હલ્દીના દિવસે મોડી રાતે અજાણ્યા યુવકો દારૂના નશામાં ઝઘડો કરવા આવ્યા હતા. લગ્નમાં આવેલા મહેમાનોને તેઓ ધારદાર હથિયાર વડે ડરાવવા લાગ્યા હતા. એ આખું દૃશ્ય જોઈ રહેલા દુલ્હનના ભાઈથી સહન થયું નહીં અને તે સ્થાનિક ગુંડાઓને કહેવા લાગ્યો, ‘ભાઈ હું તારા હાથ જોડું છું, તું જતો રહે. મારી બહેનના પ્રસંગમાં બાધા ન નાખ, પરંતુ નશામાં ધૂત બન્ને ગુંડાએ ભાઈના ગળામાં દાગીના જોતાં તેની નિયત ખરાબ થઈ અને હાથચાલાકી કરી દાગીના પર હાથ નાખ્યો ત્યાં ધક્કામુક્કી થઈ હતી, જેમાં સમીર શેખ ઉર્ફે જમ્મો વસ્ત્રા અને નાસીર નામના યુવકે જિજ્ઞેશ પર ચાકુના બે-ત્રણ ઘા માર્યા હતા.
ADVERTISEMENT
મારા ભાઈએ માંડ-માંડ નાની બહેનનાં લગ્નની તૈયારી કરી અને તે જ લગ્નમાં સામેલ ન થઈ શક્યો એમ કહેતાં પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરનાર જિજ્ઞેશની બીજી બહેન આરતી સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘બહેનનાં લગ્નનાં સપનાં જોયાં અને તેનાં લગ્ન તેણે આઇસીયુમાં રહીને જોયાં હતાં. તેની હાલત ગંભીર હોવા છતાં તેણે લગ્ન જોવાની જીદ પકડી અને આખી લગ્નવિધિ તેણે વિડિયો-કૉલ પર જોઈ હતી.’
લોન લઈને લગ્ન કરાવ્યાં અને માતા-પિતા નથી એનો એહસાસ પણ થવા ન દીધો. ડૉક્ટરે કહ્યું કે પાંચ મિનિટ મોડા પડ્યા હોત તો જિજ્ઞેશનો જીવ ગયો હોત એમ જણાવતાં આરતી ભાવુક થઈને કહે છે કે ‘ગળામાં ઘા કરી યુવકો દાગીના છીનવવાના હતા, પણ એ પહેલાં તેઓ ભાગી ગયા હતા. પાણીનો નળ ચાલુ હોય એ રીતે જિજ્ઞેશના ગળામાંથી લોહી વહેતું હતું. પરિવારજનો તરત જિજ્ઞેશને ક્રિટીકૅર હૉસ્પિટલ લઈ ગયા અને ૬-૭ ડૉક્ટરની ટીમ જિજ્ઞેશની સારવારમાં આવી અને તેમણે ઑપરેશન પાર પાડ્યું હતું. આ બનાવને લીધે બહેન તો લગ્ન કરવા તૈયાર નહોતી, પરંતુ ભાઈની ઇચ્છાને માન આપી તેણે લગ્ન કર્યાં. એક બાજુ ઘરના અમુક લોકો હૉસ્પિટલમાં હતા તો બીજી બાજુ લગ્નવાળા ઘરમાં ચિંતા છવાઈ ગઈ હતી. એક બાજુ જિજ્ઞેશનું ઑપરેશન ચાલતું હતું અને બીજી બાજુ બહેનનાં લગ્નની જાન આવી હતી. ઑપરેશન પછી સાંજે જિજ્ઞેશ ભાનમાં આવતાં તેણે બહેન માટે ચિંતા વ્યક્ત કરી ત્યારે આઇસીયુમાંથી બહેનનાં લગ્ન વિડિયો-કૉલ કરીને દેખાડવાની જીદ કરી અને એ જોઈને ભાઈએ તેનું હૈયું ઠાર્યું હતું.’
પોલીસ શું કહે છે?
ડી. એન. નગરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર મિલિંદ કુરાડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ ઘટના બાદ પોલીસે કેસ નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે અને બીજા યુવકને શોધી રહ્યા છીએ. પકડાયેલા આરોપીની ક્રિમિનલ હિસ્ટરી છે અને કોર્ટમાં લઈ જતાં ૧૮ ડિસેમ્બર સુધી તેને પોલીસ-કસ્ટડીનો આદેશ અપાયો છે. લગ્નનો પ્રસંગ ચાલતો હોવાથી બધાં ગીતો ગાતાં હતાં ત્યારે આરોપી ત્યાં જઈને અવાજ કેમ કરો છો કહીને ઝઘડો કરવા માંડ્યો હતો. એ પછી ઝઘડામાં તેણે ચાકુથી હુમલો કર્યો હતો.’