આ વાતને લીધે મારું મગજ ચકરાવે ચડી ગયું છે એવી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરનારા વડોદરાના ગુજરાતી યુવાનની મુંબઈ પોલીસે કરી ધરપકડઃ અરેસ્ટ થયેલા યંગસ્ટરના પપ્પાનું કહેવું છે કે આ એક પ્રકારની ગેરસમજ છે
મુંબઈ પોલીસ વિરલ અશરાને તેના વડોદરાના આ નિવાસસ્થાનથી મુંબઈ લઈને આવી હતી
મુકેશ અંબાણીના પુત્ર અનંતનાં લગ્ન વખતે સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટે મુંબઈ પોલીસની ઊંઘ ઉડાડી દીધી હતી અને એની તપાસ કર્યા બાદ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી પચીસ વર્ષના ગુજરાતી યુવાન વિરલ અશરાની ધરપકડ કરી હતી.
વાત એવી છે કે શનિવારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું કે ‘મારું મગજ એ વાતે ચકરાવે ચડ્યું છે કે અંબાણીનાં લગ્નમાં કાલે બૉમ્બ ફૂટશે તો અડધી દુનિયામાં ઊથલપાથલ થઈ જશે.’
ADVERTISEMENT
આ પોસ્ટને સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ ટ્રોલ કરી હતી. એક યુઝરે આ પોસ્ટને મુંબઈ પોલીસને ટૅગ કર્યા બાદ તેમના ધ્યાનમાં આવ્યું હતું અને તેમણે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસને તપાસ દરમ્યાન આ પોસ્ટ વડોદરાથી વિરલ અશરા નામની વ્યક્તિએ કરી હોવાની ખબર પડી હતી. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ વડોદરા ગઈ હતી અને તેણે વિરલની રિક્ષામાંથી ઊતરીને ઘરે જતી વખતે ધરપકડ કરી હતી. આજે હવે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે.
વડોદરામાં વાઘોડિયા વિસ્તારમાં આવેલા સુવર્ણ લક્ષ્મી અપાર્ટમેન્ટમાં રહેતા વિરલની ધરપકડ બાદ તેના પપ્પા કલ્પેશ અશરા મુંબઈ આવ્યા છે. તેમણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારો દીકરો ભણેલો-ગણેલો છે. આ એક પ્રકારની ગેરસમજ છે જે બહુ જલદી દૂર થશે. વિરલના અકાઉન્ટનો કોઈએ દુરુપયોગ પણ કર્યો હોઈ શકે. અત્યારે આ કેસ બાબતે વધુ કંઈ કહી શકીએ એમ નથી.’