આફ્રિકન ચિત્તાના થીમની ફાઇવસ્ટાર રેસ્ટોરાંમાંથી દેખાશે ઝીબ્રા, જિરાફ અને લેમૂર જેવાં પ્રાણીઓ
રાણીબાગ
મુંબઈના લોકપ્રિય રાણીબાગમાં હવે રેસ્ટોરાંમાં જમતી વખતે તમારી આસપાસ ઝીબ્રા અને જિરાફ ફરતાં હોય એવો અનુભવ લઈ શકાશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ રાણીબાગના ડેવલપમેન્ટ માટે ૪૯૮ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે.
રાણીબાગમાં એક્ઝૉટિક ઝોનને અપગ્રેડ કરવામાં આવશે. એક્ઝૉટિક ઝોનમાં ૧૮ દુર્લભ પ્રજાતિઓનાં પ્રાણીઓ જોવા મળશે. એમાં સફેદ સિંહ, રિંગ-ટેલ્ડ લેમૂર, ચિત્તા અને ઝીબ્રાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
એક્ઝૉટિક ઝોનમાં ઍક્રિલિક પૅનલ્સ સાથે વ્યુઇંગ એરિયા અને પ્રાણીઓને પ્રાકૃતિક વાતાવરણ આપે એવો એરિયા હશે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકામાં રહેતાં પ્રાણીઓને એ મુજબની થીમવાળી જગ્યામાં રાખવામાં આવશે. આફ્રિકન ચિત્તાના થીમની ફાઇવસ્ટાર રેસ્ટોરાં પણ આ વિસ્તારમાં હશે, જેમાં એક કલાકમાં ૫૦૦ મહેમાનો જમી શકશે તેમ જ વ્યુઇંગ ગૅલરીમાંથી જુદાં-જુદાં પ્રાણીઓની ઝલક પણ મેળવી શકશે.
ઝૂની અંદર હોવા છતાં એના માટે અલગ ટિકિટ લેવાની રહેશે. અહીં વિદેશી, પ્રાદેશિક અને દુર્લભ પક્ષીઓની ૨૦૬થી વધુ પ્રજાતિઓ પણ લાવવામાં આવશે.


