આ કેસમાં હાલમાં અમે વધુ તપાસ હાથ ધરી છે, પણ કોઈની ધરપકડ કરી નથી
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટમાં એલબીએસ રોડ પર આવેલા આર-સિટી મૉલમાં બ્રૅન્ડેડ ઘડિયાળની દુકાનમાં કામ કરતા યાસિમ કુરેશીએ ૬.૮૪ લાખ રૂપિયાની ૫૭ ઘડિયાળની ચોરી કરી એ બદલ પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનમાં તેની સામે શુક્રવારે ફરિયાદ નોંધાઈ હતી. દુકાનમાં રાખેલા સ્ટૉકની ગણતરી કરતાં ૫૭ લક્ઝરી ઘડિયાળ ઓછી થયેલી જણાતાં દુકાનમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસતાં એમાં યાસિમ દુકાનમાંથી ઘડિયાળ સેરવતો જોવા મળ્યો હતો.
યાસિમે મે મહિનામાં દુકાનમાંથી ઘડિયાળ સેરવી લીધી હતી એમ જણાવતાં પાર્કસાઇટના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુકાનમાં રાખેલા માલની અમુક સમયે સિનિયર અધિકારીઓ ગણતરી કરતા હોય છે જેમાં આ વખતે દુકાનમાંથી ૫૭ લક્ઝરી ઘડિયાળ ગાયબ હતી અને એની કિંમત આશરે ૬.૮૪ લાખ રૂપિયા હોવાનુ જણાયું હતું. ત્યાર આંતરિક પૂછપરછ કરતાં કોણે ઘડિયાળ ચોરી એની માહિતી મળી નહોતી. અંતે દુકાનમાં અને દરવાજા પર લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં યાસિમ ઘડિયાળ બહાર લઈને જતો દેખાયો હતો. એ પછી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં હાલમાં અમે વધુ તપાસ હાથ ધરી છે, પણ કોઈની ધરપકડ કરી નથી.’