બૉમ્બ હોવાની ધમકી મળતાં પ્લેનને મુંબઈમાં લેન્ડ કરીને તપાસ કરવામાં આવી હતી જેમાં કંઈ વાંધાજનક નહોતું મળ્યું.
વિસ્તારા ઍરલાઇન
ફ્રાન્સની રાજધાની પૅરિસથી મુંબઈ આવી રહેલી વિસ્તારા ઍરલાઇનની ફ્લાઇટમાં બૉમ્બની ધમકી મળતાં મુંબઈ ઍરપોર્ટ પર ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી અને પછી આ ફ્લાઇટને લૅન્ડ કરાવવામાં આવી હતી. જોકે ફ્લાઇટમાંથી કંઈ મળ્યું નહોતું. સવારે ૧૦.૧૯ વાગ્યે ફ્લાઇટને મુંબઈ ઍરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. વિસ્તારા ઍરલાઇને જણાવ્યું હતું કે પૅરિસના ચાર્લ્સ ડી ગૉલ ઍરપોર્ટથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટ UK024ની ઍર સિકનેસ બૅગમાં હાથે લખેલી એક નોટ મળી હતી જેમાં વિમાનમાં બૉમ્બ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં આ ધમકી મળ્યા બાદ સવારે ૧૦.૦૮ વાગ્યે મુંબઈ ઍરપોર્ટ પર ઇમર્જન્સી જાહેર કરીને ફ્લાઇટ લૅન્ડ કરાવવામાં આવી હતી. ફ્લાઇટમાં ૨૯૪ યાત્રીઓ અને ૧૨ ક્રૂ મેમ્બર સહિત ૩૦૬ લોકો હતા. પહેલાં તમામ પ્રવાસીઓને ઉતારવામાં આવ્યા હતા અને પછી સમગ્ર વિમાનની તપાસ કરવામાં આવી હતી, પણ બૉમ્બ મળ્યો નહોતો. તમામ પ્રવાસીઓ સલામત છે. એક દિવસ પહેલાં જ ઇન્ડિગોની ફ્લાઇટમાં પણ બૉમ્બ હોવાની ધમકી મળતાં પ્લેનને મુંબઈમાં લેન્ડ કરીને તપાસ કરવામાં આવી હતી જેમાં કંઈ વાંધાજનક નહોતું મળ્યું.