આ ઘટનામાં જીવ ગુમાવનારા ઉત્તર પ્રદેશના બસ-ડ્રાઇવર અને ક્લીનરના મૃતદેહ ગોરખપુર લઈ જવાયા હતા.
નેપાલથી નાશિક ઍરફોર્સના પ્લેનમાં લાવવામાં આવેલા યાત્રાળુઓના મૃતદેહોને તેમના ગામ લઈ જવા ૨૭ ઍમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી. ભારેખમ વાતાવરણ વચ્ચે એ મૃતદેહો ઍમ્બ્યુલન્સમાં ગોઠવી તેમના ગામ રવાના કારાયા હતા.
મહારાષ્ટ્રના જળગાવ જિલ્લાના ૧૦૪ યાત્રાળુઓ શુક્રવારે નેપાલના કાઠમાંડુમાં પશુપતિનાથનાં દર્શને જઈ રહ્યા હતા ત્યારે તેમની એક બસ નદીમાં પડી ગઈ હતી, જેમાં પચીસ યાત્રાળુઓ અને બસના ડ્રાઇવર અને ક્લીનર મળીને કુલ ૨૭ જણનાં મોત થયાં હતાં અને ૧૬ જણ ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં કેન્દ્ર સરકારના યુથ અફેર્સ ઍન્ડ સ્પોર્ટ્સનાં રાજ્ય કક્ષાનાં પ્રધાન અને સંસદસભ્ય રક્ષા ખડસે અને ભુસાવળના વિધાનસભ્ય સંજય સાવકરે નેપાલ પહોંચ્યાં હતાં. તેઓ ગઈ કાલે સાંજે ઍૅરફોર્સના વિમાનમાં નેપાલથી પચીસ મૃતદેહ અને ૧૦ ઘાયલોને લઈને નાશિક આવી પહોંચ્યાં હતાં. પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફન્ડમાંથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે, જ્યારે ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઘટનામાં જીવ ગુમાવનારા ઉત્તર પ્રદેશના બસ-ડ્રાઇવર અને ક્લીનરના મૃતદેહ ગોરખપુર લઈ જવાયા હતા.