૩૧ માર્ચથી કાયમી ધોરણે જોડાનારા કોચને કારણે વર્ષે વધારાના ૬૫ હજારથી વધુ મુસાફરો લાભ મેળવી શકશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓ અને અમદાવાદીઓ માટે રેલવે વિભાગે ગુડ ન્યુઝ આપ્યા છે. મુંબઈ–અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં વધારાનો એક ઍર-કન્ડિશનર (AC) કોચ જોડવામાં આવશે અને એનો અમલ ૩૧ માર્ચથી થશે.
પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા વધારવા માટે તેમ જ વધતી જતી મુસાફરીની માગણીને પહોંચી વળવા માટે ૩૧ માર્ચથી ટ્રેન નંબર ૧૨૦૦૯–૧૨૦૧૦ મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં વધારાનો એક ઍર-કન્ડિશનર કોચ કાયમી ધારણે જોડવાનો નિર્ણય લીધો છે. અત્યારે આ ટ્રેનમાં ૧૩ AC ચૅરકાર કોચ છે. ભારતની મુખ્ય ટ્રેનોમાં શતાબ્દી એક્સપ્રેસ એક છે. આ ટ્રેન આધુનિક સુવિધાની સાથોસાથ ઝડપી, આરામદાયક અને કુશળ મુસાફરીનો અનુભવ કરાવે છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ કનેક્ટિવિટી માટે જાણીતી આ ટ્રેનમાં હવે વધારાનો કોચ ઉપલબ્ધ થતાં યાત્રીઓને લઈ જવાની ક્ષમતામાં વધારો થશે અને એનાથી વર્ષે અંદાજે ૬૫,૦૦૦થી વધુ યાત્રીઓ લઈ જવાની ક્ષમતામાં વધારો થશે.

