અત્યાર સુધી નિષ્ક્રિય રહેલી પોલીસ હવે શું ઍક્શન લે છે એના પર છે પેરન્ટ્સની નજર
પ્રતિકાત્મક તસવીર
મુંબઈ ઃ બૉમ્બે હાઈ કોર્ટમાં ઍન્ટિસિપેટરી બેઇલ ઍપ્લિકેશન (એબીએ) કરનાર કાંદિવલી-વેસ્ટના એમ. જી. રોડ પર આવેલી પ્લે-સ્કૂલની મુખ્ય ટીચર અને એની ભાગીદાર જિનલ છેડાના ઍડ્વોકેટે કોર્ટની સુનાવણી દરમ્યાન ગઈ કાલે કોર્ટની ફટકાર બાદ તેની ઍપ્લિકેશન અરજી પાછી ખેંચી લીધી હતી. હવે આ કેસમાં પોલીસ ક્યારે બન્ને ટીચરની ધરપકડ કરશે એના પર પીડિત બાળકોના પેરન્ટ્સ નજર રાખીને બેઠા છે. જોકે આ કેસમાં જેની સામે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે એ આ પ્લે-ગ્રુપની અસિસ્ટન્ટ ટીચર ભક્તિ શાહે કાનૂની પગલાં વિશે મૌન ધારણ કર્યું હોય એવું લાગે છે.
કાંદિવલીના આ પ્લે-ગ્રુપમાં ટીચરોએ બાળકોની કરેલી મારઝૂડ અને બાળકો સાથે કરેલા ગેરવર્તનના કેસમાં સેશન્સ કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી. કોર્ટે બધા પક્ષની દલીલ સાંભળ્યા બાદ આ મામલે આદેશ ૧૫ એપ્રિલ પર રિઝર્વ્ડ રાખ્યો હતો, પરંતુ એ પછીના કોર્ટના આદેશમાં સેશન્સ કોર્ટમાં ટીચર જિનલ છેડા અને ભક્તિ શાહની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. એ પછી જિનલ છેડા હાઈ કોર્ટમાં ગઈ હતી.
આ કેસના તપાસ અધિકારી કાંદિવલીના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દીપક પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોર્ટની ફટકાર બાદ અરજદારે તેની ઍપ્લિકેશન અરજી પાછી ખેંચી લીધી છે. જોકે કોર્ટના આદેશની કૉપીમાં શું આદેશ છે એના પર અભ્યાસ કરવા આજે કૉપી મળી જશે એ પછી યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.’
પ્લે-ગ્રુપની ટીચર જિનલ છેડાનાં ઍડ્વોકેટ સુશ્રિતા ડાગાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે અમારી અરજી પાછી ખેંચી લીધી છે. અત્યારે અમે રાહ જોઈશું અને પછી નિર્ણય લઈશું.’
પેરન્ટ્સ શું કહે છે?
પ્લે-ગ્રુપની પીડિત પેરન્ટ અંકિતા છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘પેરન્ટ્સે એફઆઇઆર નોંધાવ્યાને ઘણો સમય થઈ ગયો છે છતાં પોલીસ તરફથી યોગ્ય ઍક્શન લેવાઈ નથી. દિંડોશીની સેશન્સ કોર્ટમાં પણ તેમની અરજી રિજેક્ટ થઈ અને એ પછી ગઈ કાલે હાઈ કોર્ટે પણ તેમની તરફેણમાં આદેશ આપ્યો નહોતો. એથી અમે પોલીસની ઍક્શનની રાહ જોઈ રહ્યા છીએ કે પોલીસ તેમની ધરપકડ કરે. હવે પોલીસ પાસે પણ કોઈ એવું કારણ નથી કે તેઓ ધરપકડ ન કરી શકે. આ ઉપરાંત જિનલ હાઈ કોર્ટમાં ગઈ હતી, પરંતુ ભક્તિ ટીચર તો હાઈ કોર્ટમાં ગઈ નહોતી તો પોલીસે તેની ધરપકડ કેમ નથી કરી? આવા ઘણાબધા સવાલ પેરન્ટ્સ સામે ઊભા થઈ રહ્યા છે અને અમે ફક્ત ન્યાય મેળવવા લડત ચલાવી રહ્યા છીએ.’