દાદર, લાલબાગ અને અંધેરીમાં રહેતા યુવકોની મર્સિડીઝ કારે આગળ જઈ રહેલા વાહનને ટક્કર મારી : એકની હાલત ગંભીર
અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયેલી મર્સિડીઝ કાર
મુંબઈ : નવા વર્ષની વહેલી સવારે ઈગતપુરી પાસે મુંબઈ તરફ આવી રહેલી મર્સિડીઝ કારનો જબરદસ્ત અકસ્માત થયો હતો, જેમાં મુંબઈમાં રહેતા ૨૨થી ૨૪ વર્ષની વયના એક ગુજરાતી સહિત ત્રણ યુવકનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એકને ગંભીર ઈજા થવાથી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે. ઈગતપુરીમાં એક ફાર્મહાઉસમાં પાર્ટી કરીને યુવકો પાછા ફરી રહ્યા હતા ત્યારે આ
ઘટના બની હોવાનું પોલીસે જણાવ્યું હતું. મરનાર યુવકો લાલબાગ, દાદર અને અંધેરીના રહેવાસી હતા.ઈગતપુરી પોલીસે જણાવ્યા મુજબ ‘મુંબઈ-નાશિક હાઇવેના ઈગતપુરી બાયપાસ પાસેના બોરટેંભે ખાતે ગઈ કાલે સવારે ૪.૪૫ વાગ્યે મુંબઈ તરફ આવી રહેલી મર્સિડીઝ કાર નાશિકથી શાકભાજી લઈને મુંબઈ આવી રહેલા આઇશરની પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. કાર વધુપડતી સ્પીડમાં હતી એટલે એ અડધે સુધી આઇશરના પાછળના ભાગમાં ઘૂસી જતાં એનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં એ સમયે ચાર જણ હતા, એમાંથી ત્રણનાં મૃત્યુ થયાં છે, જ્યારે ચોથાને ગંભીર ઈજા થવાથી તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
મરનારાઓમાં દાદરમાં ભવાની શંકર રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા ૨૪ વર્ષના ધ્વજ જુગરાજ જૈન, લાલબાગમાં આવેલા એક ટાવરમાં રહેતા ૨૩ વર્ષના ઋષભ લલિત સોલંકી અને અંધેરીમાં કોકિલાબેન હૉસ્પિટલ પાસે આવેલી સોસાયટીમાં રહેતા ૨૩ વર્ષના શિખર શિશુ યાદવનો સમાવેશ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ઈગતપુરી પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ વસંત પાઠવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાયપાસ પાસેના બોરટેંભે ખાતે આજે સવારે ૪.૪૫ વાગ્યે નાશિકથી મુંબઈ તરફ જઈ રહેલા શાકભાજી ભરેલા આઇશરની પાછળના ભાગ સાથે એક મર્સિડીઝ અથડાઈ હતી. કારના ડ્રાઇવરે ડાબી બાજુથી આઇશરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હશે, પણ એ કાર પર નિયંત્રણ ન રાખી શકતાં કાર આઇશરના પાછળના ભાગમાં અડધી ઘૂસી ગઈ હતી. જેને લીધે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં એ સમયે ચાર યુવકો હતા, જેમાંથી ધ્વજ જૈન, ઋષભ સોલંકી અને શિખર યાદવ નામના યુવકોનાં મૃત્યુ થયાં હતાં. ચોથા યુવાનને પણ ગંભીર ઈજા થવાથી તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે ચારેય યુવક ઇગતપુરીમાં કોઈક ફાર્મમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે આયોજિત પાર્ટીમાંથી નીકળીને મુંબઈ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. વધુપડતી સ્પીડને લીધે કાર આટલા જોરથી આઇશર ટ્રક સાથે ટકરાઈ હોવાની શક્યતા છે. મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કરવા માટે મોકલી આપવામાં આવ્યા છે અને યુવકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.’
થાણેમાં તાતા સુમો-ટેમ્પોના અકસ્માતમાં પાંચ ઘાયલ
નવા વર્ષની પહેલી સવારે ૭ વાગ્યે થાણેના પાચપખાડી વિસ્તારમાં તાતા સુમો અને એક ટ્રકનો અકસ્માત થયો હતો, જેમાં પાંચ લોકોને ગંભીર ઈજા થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ થાણેના પાચપાખાડી વિસ્તારમાં મુંબઈ નાશિક હાઇવે પર થાણે તરફ આવી રહેલી તાતા સુમો ગાડીનાં પાછળનાં બન્ને ટાયરમાં પંક્ચર થતાં ડ્રાઇવરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ઈંટ ભરેલા ટેમ્પો સાથે અથડામણ થઈ હતી. સુમોના આગળના ભાગને નુકસાન થયું હતું. સુમો ચલાવી રહેલા ૫૧ વર્ષના ફૈયાઝ શેખ, ૨૧ વર્ષના વિકાસ કુમાર, ૩૩ વર્ષના શિવશંકર આદિત્ય, ૨૪ વર્ષના
સંતોષ કુમાર અને ૨૫ વર્ષના પ્રદીપ પ્રસાદને ઈજા થવાથી તેમને થાણેની સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. સંતોષ કુમાર અને વિકાસ કુમારની હાલત ગંભીર હોવાથી તેમને મુંબઈની એક હૉસ્પિટલમાં આગળની સારવાર કરવા માટે દાખલ કરવામાં આવ્યા છે.

