મીરા-ભાઈંદરમાં રામભક્તો માટે રામમંદિરની ૮૦ ફુટ ઊંચી હૂબહૂ પ્રતિકૃતિ બનાવવામાં આવી
રામ મંદિર
મુંબઈ : અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એને કારણે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બધા માટે અયોધ્યા જવું શક્ય નથી એટલે રામભક્તો માટે મીરા-ભાઈંદરમાં જ રામમંદિરની ૮૦ ફુટ ઊંચી હૂબહૂ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જે લોકો માટે આકર્ષણ બની રહેવાનું છે.
ભાઈંદર-ઈસ્ટમાં બાલાજી ગ્રાઉન્ડમાં મીરા-ભાઈંદરના બીજેપી વિધાનસભા ચૂંટણીના પ્રમુખ ઍડ્. રવિ વ્યાસ અને તેમની ટીમે ભવ્ય આયોજન કર્યું છે. અહીં ૮૦ ફુટ ઊંચાઈ ધરાવતું મંદિર બનાવવામાં આવ્યું છે જે અયોધ્યાધામની સંપૂર્ણ પ્રતિકૃતિ છે. આ મંદિરમાં રામ દરબારને પણ શણગારવામાં આવ્યો છે. અહીં ૨૨થી ૨૮ જાન્યુઆરી સુધી ભક્તો દર્શન કરી શકશે.
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા સમયે પૂજાઅર્ચના અને મહાઆરતીથી એની શરૂઆત થશે અને લોકો અયોધ્યામાં થતા તમામ કાર્યક્રમોનું લાઇવ પ્રસારણ મોટી સ્ક્રીન પર જોઈ શકશે. સાત દિવસ સુધી દરરોજ સવારે અને સાંજે મહાઆરતી અને ભજન-કીર્તન થશે અને એટલું જ નહીં, રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. મુખ્ય ઑર્ગેનાઇઝર ઍડ્. રવિ વ્યાસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૫૦૦ વર્ષના લાંબા સંઘર્ષ અને રાહ જોયા બાદ આ ઐતિહાસિક ક્ષણ આવી છે અને દરેક રામભક્ત એનો સાક્ષી બનવા માગે છે. આ સમયે બધાને જવા મળે અને બધા માટે વ્યવસ્થા કરવી શક્ય નથી. તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ લોકોને ઘરોમાં દિવાળી ઊજવવાનું આહવાન કર્યું છે. એથી લોકો અયોધ્યાનાં દર્શન કરી શકે એટલા માટે અહીં આ ભવ્ય પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને એનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઉત્સવ દરમિયાન તમામ રાજકીય પક્ષોના મુખ્ય નેતાઓ તથા બૉલીવુડ અને ટીવીજગતના કલાકારો પણ હાજરી આપશે.’