દાદાની પાર્ટીના વિધાનસભ્ય અને તેમના વિશ્વાસુએ કર્યો ધડાકો : અમોલ મિટકરીનું કહેવું છે કે કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતો ન હોવાથી અજિત પવાર જ બનશે કિંગ
પુણેમાં અજિત પવારના કાર્યકરોએ તેમને ભાવિ મુખ્ય પ્રધાન તરીકે સંબોધીને અત્યારથી શુભેચ્છાનાં પોસ્ટર્સ લગાવી દીધાં છે.
રાજ્યમાં કોને બહુમતી મળે છે એ તો કાલે મતગણતરી બાદ જ ખબર પડશે અને ત્યાર બાદ કયા પક્ષના મુખ્ય પ્રધાન હશે એ નક્કી થશે, પણ એ પહેલાં જ ગઈ કાલે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રવક્ત્તા અને અજિત પવારના વિશ્વાસુ અમોલ મિટકરીએ ધડાકો કર્યો હતો કે ૨૫ નવેમ્બરે અજિત પવાર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.
અમોલ મિટકરીએ કહ્યું હતું કે ‘રાજ્યની પરિસ્થિતિ જોતાં એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મહાયુતિને ૧૭૦ બેઠક અને મહા વિકાસ આઘાડીને ૧૧૦ બેઠક મળવાની કોઈ શક્યતા નથી. આ એકદમ કટોકટીની લડાઈવાળું ઇલેક્શન હતું. જે પણ પાર્ટી બહુમતીની નજીક હશે એને અમારી જરૂર પડશે જ. આવા સંજોગોમાં અજિત પવાર રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનશે. અમારી પાર્ટીને લાડકી બહિણ યોજના, ખેડૂતોને કરવામાં આવેલી લોન-માફીનો ફાયદો થશે. અમારી અપેક્ષા ૩૫થી ૪૦ બેઠકોની છે.’
ADVERTISEMENT
પુણેમાં તો અજિત પવારના કાર્યકરોએ તેમને ભાવિ મુખ્ય પ્રધાન તરીકે સંબોધીને અત્યારથી શુભેચ્છાનાં પોસ્ટર્સ લગાવી દીધાં છે.