બીજેપીનો દીવો મહારાષ્ટ્રની જેલમાં બંધ થયેલો જોવો છે : શરદ પવાર તો અમિત શાહની ટીકા એટલે સૂર્યને દીવો દેખાડવા સમાન : બાવનકુળે
શરદ પવાર, અમિત શાહ અને ચંદ્રશેખર બાવનકુળે
૨૧ જુલાઈએ પુણેમાં આયોજિત ભારતીય જનતા પાર્ટી (BJP)ની કાર્યકારિણીના અધિવેશનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શરદ પવાર પર જોરદાર હુમલો કરીને તેમને ભારતના રાજકારણના ભ્રષ્ટાચારના સરદાર કહ્યા હતા. શરદ પવારે અમિત શાહને કોર્ટે તડીપાર કરેલી વ્યક્તિ ગૃહપ્રધાન હોવાનો જવાબ બાદમાં આપ્યો હતો. જોકે આ બાબતે ગઈ કાલે ફરી શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું હતું. BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ અમિત શાહની ટીકા કરવી એ સૂર્ય સામે દીવો ધરવા સમાન હોવાનું કહ્યું હતું. શરદ પવારે ગઈ કાલે કહ્યું હતું કે BJPના આ દીવાને મહારાષ્ટ્રની જેલમાં બંધ થયેલો જોયો છે. BJPના વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલે કહ્યું હતું કે ‘શરદ પવાર અમિત શાહ પર હતાશાને લીધે ટીકા કરી રહ્યા છે. તેઓ વરિષ્ઠ નેતા છે. તેમણે આવી ટીકા કરવી યોગ્ય નથી. એક સમયે શરદ પવાર બૉમ્બધડાકાના આરોપીને વિમાનમાં લાવ્યા હતા. તો શું આવું જ રાજકારણ કરવાનું? કેન્દ્રમાં મોદી સરકારના સમયમાં જમ્મુ-કાશ્મીરની કલમ ૩૭૦ હટાવવામાં આવી. આવું અગાઉ ક્યારેય નહોતું થયું.’
ગઈ કાલે ઉદ્ધવ ઠાકરનો બર્થ-ડે હતો એટલે રાધાકૃષ્ણ વિખે પાટીલે તેમને અભિનંદન આપ્યાં હતાં. તેમના શુભેચ્છકોએ ભાવિ મુખ્ય પ્રધાનનાં બૅનરો લગાવ્યાં છે. આ વિશે રાધાકૃષ્ણ વિખે પાટીલે કહ્યું હતું કે રાજ્યમાં ઘણા મુખ્ય પ્રધાન થવાની લાઇનમાં ઊભા છે. કૉન્ગ્રેસના જુદા, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જૂથના જુદા એમ અનેક મુખ્ય પ્રધાનપદના દાવેદાર છે. જોકે રાજ્યની જનતા કોણ મુખ્ય પ્રધાન બનશે એ નક્કી કરશે. લોકસભાની સ્થિતિ જુદી હતી, વિધાનસભામાં મહાયુતિની જ સરકાર આવશે.’