રૂપિયા બૅન્કના છે કે રાજકીય પક્ષના એ જાણવા માટે વૅનને પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવી
પોલીસે વૅન તાબામાં લીધી હતી
વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે ત્યારે રોકડ રકમનો ઉપયોગ રાજકારણીઓ મતદારોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે ન કરે એ માટે રૂપિયાની હેરફેર કરનારાઓ પર નજર રાખવામાં આવી રહી છે. નાલાસોપારામાં ગઈ કાલે ચૂંટણીપંચની ફ્લાઇંગ સ્ક્વૉડમાં સામેલ પોલીસે શંકાના આધારે એક ATM સેન્ટરમાં રૂપિયા જમા કરાવવા આવેલી એક વૅનને રોકીને તપાસ કરી હતી. આ રૂપિયા ક્યાંથી લાવવામાં આવ્યા છે અને કઈ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે એની વિગત વૅનમાં હાજર રહેલા લોકો આપી નહોતા શક્યા. આથી પોલીસે વૅન તાબામાં લીધી હતી અને એની અંદર રાખેલી સાડાત્રણ કરોડ રૂપિયાની રોકડ રકમ ભરેલી બૅગ જપ્ત કરી હતી. આવી જ રીતે વિરારના માંડવી પોલીસ સ્ટેશનની હદમાં પણ એક વૅનમાંથી ૨.૮ કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આ રૂપિયા બૅન્કના છે કે ચૂંટણીપ્રચાર માટે વાપરવા માટેના છે એ જાણવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે.