વેપારીઓમાં ભારે નારાજગી : ઉપલબ્ધતા અને ભાવને નિયંત્રણમાં રાખવા કેન્દ્ર સરકારે ઘટાડેલી સ્ટૉકમર્યાદા સીઝનના સમયમાં મુંબઈ જેવાં શહેરોમાં માટે હિતાવહ નથી એવું વેપારીઓને લાગે છે
ઘઉં
કેન્દ્ર સરકારે તાત્કાલિક અમલમાં આવે એ રીતે ગઈ કાલથી ઘઉંની સ્ટૉકમર્યાદામાં ઘટાડો લાગુ કર્યો હતો. સરકારના આ પગલાથી નવી મુંબઈની વાશીમાં આવેલી એપીએમસી માર્કેટની દાણાબજારના અનાજના વેપારીઓમાં નારાજગી પ્રવર્તી છે. દાણાબજારના વેપારીઓએ સરકાર દ્વારા અચાનક લાદવામાં આવેલી સ્ટૉકલિમિટને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. વેપારીઓ કહે છે કે હાલમાં ઘઉંના માલની કોઈ અછત નથી. નવા માલની શરૂઆત થઈ ગઈ છે છતાં સરકારે સ્ટૉકલિમિટ લગાડી છે એને કારણે સમગ્ર દેશના અનાજના વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. હાલમાં સીઝનના સમયમાં મુંબઈ જેવાં શહેરોમાં ઘઉંની આ સ્ટૉકલિમિટ વેપારીઓ માટે હિતાવહ નથી.