બીજેપીના વરિષ્ઠ નેતા રાવસાહેબ દાનવેએ એનસીપીના નેતાની ક્ષમતાનાં વખાણ કર્યાં પણ રાજ્યનું સર્વોચ્ચ પદ મેળવવામાં સમય લાગશે એવું કહ્યું
અજીત પવાર
મુંબઈ ઃ વિરોધ પક્ષના નેતા અજિત પવારે ફરી એક વખત મુખ્ય પ્રધાન બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આગામી વિધાનસભાની ચૂંટણી ૨૦૨૪માં યોજાવાની છે ત્યાં સુધી રાહ જોવાની શું જરૂર છે? એવો સવાલ અજિત પવારે એક કાર્યક્રમમાં કર્યો હતો. આ વિશે બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે અજિત પવાર મુખ્ય પ્રધાન બની શકે છે. જો કે એ માટે તેમણે ૧૦થી ૨૦ વર્ષ રાહ જોવી પડશે. બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પણ કહ્યું હતું કે રાજ્યમાં આગામી મુખ્ય પ્રધાન પણ બીજેપી-શિવસેનાના જ હશે.
કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા રાવસાહેબ દાનવેએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મહાવિકાસ આઘાડીમાં અજિત પવાર મુખ્ય પ્રધાનપદના દાવેદાર છે. ભૂતકાળમાં કૉન્ગ્રેસ કરતાં એનસીપીને વધુ બેઠક મળી હતી ત્યારે તેઓ મુખ્ય પ્રધાન નહોતા બની શક્યા. વિરોધ પક્ષોને વધુ બેઠક મળશે તો અજિત પવારને મુખ્ય પ્રધાન બનવાની તક મળશે. જો બહુમતિ મળશે તો તેમણે ૧૦થી ૨૦ વર્ષ સુધી રાજ્યના સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરવા માટે રાહ જોવી પડી શકે છે.’
બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ આ વિશે કહ્યું હતું કે ‘અજિત પવાર ભલે દાવો કરતા હોય કે તેઓ આજે પણ મુખ્ય પ્રધાનપદ માટે દાવો કરી શકે છે. જોકે હું સ્પષ્ટતાથી કહું છું કે ૨૦૨૪માં પણ બીજેપી-શિવસેનાના જ મુખ્ય પ્રધાન હશે. આથી અજિત પવારે મુખ્ય પ્રધાન બનવાનું સપનું ન જોવું જોઈએ.’
વડા પ્રધાનનાં વખાણ કર્યાં
અજિત પવારે કહ્યું હતું કે બીજેપી પાસે અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોશી અને લાલ કૃષ્ણ અડવાણી જેવા મોટા નેતાઓ હતા. આમ છતાં તેઓ જે નહોતા કરી શક્યા એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરીને બતાવ્યું છે. તેમણે બીજેપીને પહેલી વખત સંપૂર્ણ બહુમતીની સરકાર આપી છે. ૧૯૮૪ બાદ પહેલી વખતે ૨૦૧૪માં કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતીની સરકાર બની છે. કૉન્ગ્રેસની સરકારમાં ડૉ. મનમોહન સિંહે બીજા પક્ષોનો સહયોગ લેવો પડ્યો હતો, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પોતાનો કરિશ્મા ઊભો કર્યો છે, જે નકારી ન શકાય. જોકે નરેન્દ્ર મોદી બાદ કોણ એ સવાલના જવાબમાં તેમની આસપાસ કોઈ નજરે પડતું નથી.’
જિતેન્દ્ર આવ્હાડ સામે ફરિયાદ
એનસીપીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે શુક્રવારે ઘાટકોપરમાં આયોજિત એનસીપીની શિબિરમાં રામનવમી અને હનુમાન જયંતી દંગલો કરવા માટે જ ઊજવવામાં આવતી હોય એવું લાગી રહ્યું છે એમ કહ્યું હતું. તેમના આ નિવેદનનો બીજેપીએ વિરોધ કર્યો હતો અને જિતેન્દ્ર આવ્હાડ સામે અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એનસીપીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે શિબિરમાં કહ્યું હતું કે ‘ઔરંગાબાદમાં રમખાણ થયાં. હવે રામનવમી અને હનુમાન જયંતીની ઉજવણી રમખાણ માટેની જ બની ગઈ હોવાનું લાગી રહ્યું છે.’