બીજેપીના વિધાનસભ્યો તાળી નથી પાડતા એવા અજિત પવારના વિધાન પર સીએમનો જવાબ
અજિતદાદા, અમારી વચ્ચે ફૂટ પડાવવાનો પ્રયાસ કામ નહીં આવે
મુંબઈ : વિરોધ પક્ષના નેતા અજિત પવારે વિધાનસભામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ઉલ્લેખ કરીને ગઈ કાલે કહ્યું હતું કે એકનાથ શિંદે જ્યારે સભાગૃહમાં બોલે છે ત્યારે બીજેપીના વિધાનસભ્યો તાળીઓ નથી પાડતા. એના જવાબમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે તમે અમારામાં ફૂટ પાડવાનો ગમે એટલો પ્રયાસ કરશો તો પણ કામ નહીં લાગે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભામાં કહ્યું હતું કે ‘અજિતદાદા, તમે અમારામાં ફૂટ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો કેવી રીતે મીટિંગ થશે? તમે કેટલા પ્રયાસ કર્યા તો પણ હું તમારા મોઢા સામે જોતો હતો. તમને લાગ્યું નહીં કે વિદર્ભમાં આટલી મોટી જાહેરાત થશે, આટલા ખેડૂતોને આપણે રૂપિયા આપીએ. હું તમારા મોં સામે જોતો હતો એટલે તમે બીજી તરફ જોવા લાગ્યા હતા. આથી તમે સિલેક્ટિવ વાતો જ સાંભળો છો. મારું તમારા પર બરાબર ધ્યાન હતું. દરેક વખતે શું તાળીઓ વગાડવી જરૂરી છે? જ્યારે જાહેરાત થાય કે નિર્ણય લેવાય ત્યારે જ બધા તાળીઓ પાડે છે. હું આ તરફ બેસું છું, નાયબ મુખ્ય પ્રધાનના હાથ તરફ ધ્યાન હતું. તેઓ તાળીઓ વગાડી રહ્યા હતા.’
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને શરીર બાબતે જવાબ આપ્યો
મુંબઈમાં મહાપુરુષોના અપમાન સંબંધી મહાવિકાસ આઘાડીના નેતાઓએ મોરચો કાઢ્યો હતો ત્યારે ઉદ્ધવ ઠાકરેએ મોરચો દેવેન્દ્ર ફડણવીસના શરીર જેટલો મોટો હોવાનો દાવો કરીને તેમની મશ્કરી કરી હતી. નાગપુરમાં ચાલી રહેલા રાજ્યના શિયાળુ સત્રમાં ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતાં કહ્યું હતું કે કેટલાક નેતાઓ મારા મોટા શરીરની મશ્કરી કરે છે. ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું હતું કે અમે સામાન્ય લોકોનું કામ કરી રહ્યા છીએ, કોઈ મારા શરીર કે મારી પત્ની વિશે કંઈ બોલે છે એનાથી કંઈ ફરક નથી પડતો.
લવાસા પ્રકરણમાં પવાર પરિવાર ફરી મુશ્કેલીમાં મુકાશે?
લવાસા સિટી પ્રકરણમાં શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુળેને સાણસામાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઍડ. નાનાસાહેબ જાધવે બૉમ્બે હાઈ કોર્ટમાં લવાસા સિટી પ્રકરણની તપાસ કરવા સંબંધી અરજી દાખલ કરી છે. અરજીમાં શરદ પવાર, અજિત પવાર, સુપ્રિયા સુળે, અજિત ગુલાબચંદ સહિત જે અધિકારીઓએ પરવાનગી આપી છે તેમના પર સીબીઆઇ દ્વારા ગુનો નોંધવામાં આવે અને તપાસ કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે. આ અરજી બાબતે અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘લવાસા સિટી પ્રોજેક્ટમાં બધાં કામ પારદર્શક પદ્ધતિથી કરવામાં આવ્યા છે. કેટલાક લોકો માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટા આરોપ કરે છે.’
એકનાથ શિંદે ટૂંક સમયમાં શિવસેના ભવન તાબામાં લેશે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ટૂંક સમયમાં જ દાદરમાં આવેલા શિવસેનાના મુખ્યાલય શિવસેના ભવનનો તાબો લેશે એવો દાવો વિધાનસભ્ય રવિ રાણાએ ગઈ કાલે કર્યો હતો. રવિ રાણાએ તો એટલે સુધી કહ્યું હતું કે બીજું કોઈ નહીં, ખુદ ઉદ્ધવ ઠાકરે શિવસેના ભવનની ચાવી એકનાથ શિંદેના હાથમાં સોંપશે. રવિ રાણાના આ દાવાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. વિધાનસભ્ય રવિ રાણાએ વધુમાં કહ્યું હતું કે ‘શિવસેના ભવન પક્ષના નામે છે. પક્ષમાં બહુમતી જેની પાસે હશે તેને તાબો મળશે. અત્યારે એકનાથ શિંદે પાસે ૮૦થી ૯૦ ટકા પક્ષ છે. તેમણે આ પુરવાર કર્યું છે.’
મુંબઈ બીએમસીમાં તમામ પક્ષોની ઑફિસો સીલ કરાઈ
એકનાથ શિંદે જૂથે બુધવારે મુંબઈ બીએમસી મુખ્યાલયમાં આવેલી શિવસેનાની ઑફિસ કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો એને પગલે બીએમસીએ ગઈ કાલે આ હેરિટેજ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી તમામ રાજકીય પક્ષની ઑફિસો સીલ કરી હતી. બીએમસીમાં અત્યારે ઍડ્મિનિસ્ટ્રેટરનો કારભાર હોવા છતાં બુધવારે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા બીએમસીની ઑફિસ પર કબજો મેળવવા માટે રકઝક થઈ હતી. અત્યારે બીએમસીમાં કોઈ પક્ષની સત્તા નથી એટલે બીએમસીના કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ઇકબાલ સિંહ ચહલે બધી રાજકીય ઑફિસ સીલ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ દરમ્યાન ઉદ્ધવ ઠાકરે જૂથના ભૂતપૂર્વ નગરસેવકો અને કાર્યકરોએ ગઈ કાલે કમિશનરની ઑફિસનો ઘેરાવ કરવાની સાથે જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.