૪૬,૦૦૦ કરોડની જોગવાઈ મંજૂરી મેળવ્યા બાદ જ કરવામાં આવી છે
અજીત પવાર
મહારાષ્ટ્રમાં રહેતી ૨૧થી ૬૫ વર્ષની ઉંમરની મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવાની મુખ્યમંત્રી લાડકી બહિણ યોજના વિશે વિત્ત અને નિયોજન વિભાગે સવાલ કર્યા હોવાનો આરોપ વિરોધીઓ કરી રહ્યા છે. આ વિશે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનની સાથે નાણાપ્રધાન અજિત પવારે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે ‘લાડકી બહિણ યોજના માટે વર્ષ ૨૦૨૪-’૨૫ માટે જરૂરી ૩૫,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈની વિત્ત અને નિયોજન સહિત તમામ સંબંધિત વિભાગ અને રાજ્યના પ્રધાનમંડળની માન્યતા બાદ જ જાહેરાત કરવામાં આવી છે અને દર વર્ષે ૪૬,૦૦૦ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આથી વિત્ત કે બીજા કોઈ વિભાગમાં આ રૂપિયા ક્યાંથી આવશે એનો સવાલ જ ઊભો નથી થતો. વિરોધીઓ અને મીડિયામાં આ યોજના વિશે સમાચાર પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવ્યા છે એ પાયા વિનાના અને રાજકીય હેતુથી પ્રેરિત છે. મીડિયાએ આવા સમાચાર મહેરબાની કરીને બંધ કરવા જોઈએ. રાજ્યના કોઈ લોકો આવા સમાચાર પર વિશ્વાસ નહીં કરે. મહારાષ્ટ્રની વધુ ને વધુ મહિલાઓને આ યોજનામાં સહભાગી કરવા માટે આપણે બધાએ પ્રયત્ન કરવા જોઈએ.’