નવી સરકારની ફૉર્મ્યુલા વિશે અજિત પવારે કહ્યું...
અજીત પવાર
મહારાષ્ટ્રની નવી સરકારની શપથવિધિ બે-ત્રણ દિવસમાં થવાની શક્યતા છે ત્યારે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘નવી સરકારનો નિર્ણય આજકાલમાં લેવાઈ જશે. આગામી સરકારમાં પણ એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાન હશે.’
અજિત પવારે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘રાજ્યની જનતાએ પ્રચંડ બહુમત આપ્યો છે એનાથી અમારી જવાબદારી વધી છે. આવતી કાલે દિલ્હીમાં મહાયુતિના નેતાઓની બેઠક થશે જેમાં સામેલ થવા માટે હું, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે દિલ્હી જઈશું. આ બેઠકમાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનો ઉપરાંત પ્રધાનમંડળ અને પાલક પ્રધાન સહિતના પદ માટે વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. આગામી સરકારમાં પણ એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાન હશે. નવી સરકારની શપથવિધિ બે-ત્રણ દિવસમાં થઈ જશે. એ પછી નાગપુરના શિયાળુ સત્ર માટેની તૈયારી કરવી પડશે. કામનું દબાણ રહેશે, પણ અમને આવી રીતે કામ કરવાનો અનુભવ છે એટલે કોઈ મુશ્કેલી નહીં આવે. મહાયુતિની સરકાર બની હતી ત્યારની અને અત્યારની સ્થિતિ જુદી છે. વિધાનસભ્યોની સંખ્યાના આધારે મુખ્ય પ્રધાનનો નિર્ણય લેવાતો હોય છે. પાર્ટીના કાર્યકરો ઇચ્છે છે કે તેમના જ મુખ્ય પ્રધાન બને, પણ સંખ્યાના આધારે જ આ બાબત નક્કી થાય છે.’