અજિત પવારે એક મરાઠી ન્યુઝ-ચૅનલના કાર્યક્રમમાં કહ્યું...
શરદ પવાર અને અજિત પવાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બારામતી બેઠક પર પવાર સામે પવાર પરિવારની લડત થવાની છે ત્યારે શરદ પવાર અને અજિત પવાર વચ્ચે અત્યારથી જ એકબીજાને પછાડવાના બરાબરના પ્રયાસ શરૂ થઈ ગયા છે. મંગળવારે બારામતીમાં યુગેન્દ્ર પવારના પ્રચાર માટે આયોજિત કરવામાં આવેલી સભામાં શરદ પવારે અજિત પવાર પર આકરા પ્રહાર કર્યા હતા અને રૂમાલ હાથમાં લઈને આંખ લૂછી હતી. આ વિશે ગઈ કાલે અજિત પવારે એક મરાઠી ન્યુઝ-ચૅનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘શરદ પવાર જેવા ભારતના મોટા નેતાએ મારી જાહેરમાં નકલ કરી એ અનેક લોકોને ગમ્યું નથી. હું મારી સભામાં મારી મમ્મીનું નામ બોલ્યા બાદ થોડો ભાવુક થઈ ગયો હતો એટલે મારી આંખમાં પાણી આવ્યાં હતાં. જોકે આંસુ લૂછવા મેં રૂમાલ નહોતો કાઢ્યો. પવારસાહેબે રૂમાલ કાઢ્યો અને આંખો લૂછી હતી. હું તેમને દેવ માનું છું, મેં દિવસ-રાત એક કરીને સાહેબના પુત્રની જેમ કામ કર્યું. હવે સાહેબે પુત્ર જેવાની નકલ કરી એનું મને દુઃખ થયું છે. યુગેન્દ્ર કે બીજું કોઈ આવું કરે તો ચાલે. આટલા સમયથી લાગતું હતું કે રાજ ઠાકરે જ નકલ કરે છે, પણ કાલે સાહેબે નકલ કરી.’