આશા પવારે પંઢરપુરમાં વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી
આશા પવારે પંઢરપુરમાં વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કર્યા
નવા વર્ષની શરૂઆત મોટી સંખ્યામાં લોકો દેવદર્શન કરીને કરતા હોય છે ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં મમ્મી આશા પવારે પણ પંઢરપુર જઈ વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી એટલું જ નહીં, ત્યાં તેમણે બધાને સુખી રાખવાની ભગવાન સમક્ષ પ્રાર્થના કરી હતી.
આશાતાઈએ પવાર પરિવાર ફરી એક થઈ જાય એવી ઇચ્છા પ્રભુ સમક્ષ વ્યક્ત કરી હતી. પત્રકારોને તેમણે કહ્યું હતું કે મેં પાંડુરંગને બધા વાદવિવાદ પૂરા કરાવી દેવાની વિનંતી કરી હતી.
ત્યાર બાદ પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે શું શરદ પવાર અને અજિત પવારે ફરી ભેગા થઈ જવું જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર તેમણે હામાં આપ્યો હતો. આના અનુસંધાનમાં પત્રકારોએ જ્યારે તેમને પૂછ્યું કે પાંડુરંગ તમારું સાંભળશે? તો તેમણે કહ્યું કે હા, પાંડુરંગ મારું સાંભળશે.
ADVERTISEMENT
આશા પવારની વાત પર પ્રતિક્રિયા આપતાં અજિત પવારની પાર્ટીના પ્રવક્તા અમોલ મિટકરીએ કહ્યું હતું કે ‘આ તેમના મનની ભાવના છે. તેઓ પવાર પરિવારમાં સૌથી મોટી વ્યક્તિઓમાંના એક છે. આખો પરિવાર એક થઈ જાય એ કાકીની ઇચ્છા છે અને આ ઇચ્છા બધાની હોવી જોઈએ, પણ જિતેન્દ્ર આવ્હાડ જેવા લોકોની ઇચ્છા નથી કે પરિવાર પાછો ભેગો થાય.’
શરદ પવારની પાર્ટીના પ્રવક્તા મહેશ તપાસેએ કહ્યું હતું કે ‘કોને પોતાના ઘરના ભાગલા પસંદ હોય? કુટુંબમાં કોઈ પ્રૉબ્લેમ છે એવી વાત નથી. બન્ને નેતાની રાજકીય ભૂમિકા જુદી હોઈ શકે, પણ જો કુટુંબ ભેગું થતું હોય તો એનાથી વધુ ખુશીની બીજી વાત શું હોઈ શકે.’
આશાતાઈના ભેટના પૈસા ભેટપેટીમાં નહોતા જતા
પંઢરપુરના મંદિરમાં દર્શન કરતી વખતે આશાતાઈ ભગવાનને ભેટ ધરવા માટે ૫૦૦ રૂપિયાનું બંડલ પોતાની સાથે લાવ્યાં હતાં, પણ એ આખું બંડલ ભેટપેટીમાં જતું ન હોવાથી તેમણે ઘણી કોશિશ કરવી પડી હતી. છેવટે ગમે એમ કરીને તેમણે એ પૈસા ભેટપેટીમાં મૂક્યા હતા. ગઈ કાલે આ ઘટનાનો વિડિયો સારોએવો વાઇરલ થયો હતો.
અજિત પવાર નવું વર્ષ મનાવવા વિદેશ ગયા હોવાથી દેખાતા નથી
બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યામાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના પ્રધાન અને અજિત પવારના એકદમ ખાસ ધનંજય મુંડે અને તેમના અત્યંત નજીકના વાલ્મિક કરાડનું નામ આવતું હોવાથી પત્રકારોના પ્રશ્નોથી બચવા માટે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર છેલ્લા થોડા દિવસથી જાહેર કાર્યક્રમો કે મંત્રાલયમાં દેખાઈ નથી રહ્યા એવું કહેવાતું હતું, પણ હકીકત એ છે કે અજિત પવાર પરિવાર સાથે નવું વર્ષ મનાવવા વિદેશ ગયા છે અને આ જ કારણસર તેઓ કોઈ કાર્યક્રમમાં કે મંત્રાલયમાં દેખાતા નથી.