તેમણે કહ્યું કે, મારી બદનામી કરીને ગેરસમજ ઊભી કરવાનો આ પ્રયાસ છે
અજીત પવાર
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બની એ પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અજિત પવારે દસ વખત વેશ બદલીને મુલાકાત કરી હોવાનો દાવો સંસદસભ્ય સુપ્રિયા સુળે અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે કર્યો છે. નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘કેટલાક નેતાઓનો આરોપ છે કે હું મહાયુતિની સરકાર પહેલાં વેશ બદલીને દિલ્હી ગયો હતો. આ વાત સાવ ખોટી છે. મારી બદનામી કરીને ગેરસમજ ઊભી કરવાનો આ પ્રયાસ છે. ૩૫ વર્ષથી સક્રિય રાજકારણમાં છું. સંસદસભ્યની સાથે વિધાનસભ્ય તરીકે કામ કર્યું છે. જવાબદારીનું મને ભાન છે. નામ બદલીને છૂપી રીતે મળવું એ મારા સ્વભાવમાં નથી. આજે બધી બાજુ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા છે. મને બહુરૂપિયો કહ્યો છે. આવું કહેનારાઓને શરમ આવવી જોઈએ. મારે નામ કે વેશ બદલીને કોઈને મળવાની જરૂર નથી. સામી છાતીએ ખુલ્લેઆમ રાજનીતિ કરી છે. કૅમેરામાં હું ક્યાંય દેખાયો છું કે અજિત પવારે જુદો યુનિફૉર્મ પહેર્યો છે? મને કોઈ ફ્લાઇટમાં જોયો છે? પુરાવા હોય તો રજૂ કરો, રાજકારણ છોડી દઈશ.’