છેલ્લા થોડા સમયથી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન આ રંગનું જૅકેટ જ પહેરતા હોવાથી પત્રકારે પૂછેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે કપડાં હું તમારા નહીં, મારા રૂપિયાથી લઈને પહેરું છું
પિન્ક જૅકેટ સાથે નવા લુકમાં અજિત પવાર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર છેલ્લા કેટલાક સમયથી પિન્ક જૅકેટ પહેરી રહ્યા છે એટલે આ જૅકેટ સાથેના તેમના નવા લુકની આજકાલ જોરદાર ચર્ચા છે. લોકસભાની ચૂંટણીમાં સફળતા ન મળતાં હવે વિધાનસભાની ચૂંટણી પહેલાં ઇમેજ બનાવવા માટે અજિત પવારે એક એજન્સી રોકીને એ કહે એવી રીતે કાર્યક્રમ ગોઠવવાની સાથે કપડાં પહેરવાનું શરૂ કર્યું હોવાનું કહેવાય છે. એજન્સીએ અજિત પવારને દરેક જગ્યાએ પિન્ક કલરનો ઉપયોગ કરવાનું કહ્યા બાદ તેઓ પક્ષની ખાસ ઓળખ ઊભી કરવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે. પિન્ક જૅકેટની સાથે અજિત પવાર આ કલરનું મફલર પણ સાથે રાખવા લાગ્યા છે એટલું જ નહીં, વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીનો પ્રારંભ તેમણે પક્ષના તમામ વિધાનસભ્યો સાથે સિદ્ધિવિનાયક મંદિરનાં દર્શન કરીને કર્યો હતો. તેમણે ડઝન જેટલાં પિન્ક જૅકેટ સીવડાવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.
વિરોધીઓ અજિત પવારના પિન્ક જૅકેટની ટીકા કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે એક પત્રકારે આ વિશે પૂછ્યું ત્યારે અજિત પવારે કહ્યું હતું કે ‘તને શું વાંધો છે? મારે શું પહેરવું જોઈએ એ નક્કી કરવાનો મને અધિકાર નથી? કપડાં હું તમારા નહીં, મારા રૂપિયાથી લઈને પહેરું છું. જેમ કૉમન મૅન પહેરે છે એવી જ રીતે હું જૅકેટ પહેરું છું.’