આરોપીની સાતેક વાર ધરપકડ પણ થઈ છે, પરંતુ જામીન પર છૂટી જતો હતો અને ફરી ચોરી કરવાનું શરૂ કરી દેતો હતો
આરોપી એજાઝ ખાન.
મુંબઈના વિવિધ વિસ્તારોનાં બંધ ઘરોમાં ચોરી કરી સેન્ચુરીનો રેકૉર્ડ કરનાર ૩૮ વર્ષના એજાઝ ખાનની સાંતાક્રુઝ પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. જાન્યુઆરીની શરૂઆતમાં સાંતાક્રુઝ-વેસ્ટમાં હસમુખ નગરની એક દુકાનનુ તાળું તોડીને એજાઝે ૭૦,૦૦૦ રૂપિયાની માલમતા ચોરી હતી, પણ નજીકના વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસતાં આરોપીની ઓળખ થઈ હતી. ત્યાર બાદ ગુપ્ત માહિતીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ કરતાં આરોપી મોજમજા માટે ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી બંધ ઘરોની માહિતી મેળવીને ચોરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે એમ જણાવતાં સાંતાક્રુઝના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વૈભવ શિંગારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જાન્યુઆરીમાં અમારા વિસ્તારમાં ઘણી દુકાનનાં તાળાં તૂટ્યાં હતાં અને માલમતા લૂંટાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. એ પછી અમે વિગતવાર માહિતી મેળવીને ઘટનાસ્થળનાં CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં જેમાં એજાઝ ખાન દુકાનની આસપાસ આવતો દેખાયો હતો. ત્યાર બાદ અમારી ટીમે એજાઝ વિશે વધુ માહિતી ભેગી કરી હતી જેમાં ખબરીઓ પાસેથી અમને માહિતી મળી હતી કે સાંતાક્રુઝના તિલક રોડ વિસ્તારમાં એજાઝ આવવાનો છે એટલે અમે ત્યાં છટકું ગોઠવીને તેને ઝડપી લીધો હતો. આરોપી પર આ પહેલાં ચોરીના ૧૦૦થી વધુ ગુના નોંધાયા હોવાનું જણાયું છે. આ તમામ કેસ મુંબઈનાં વિવિધ પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા છે. આ પહેલાં તેની સાતેક વાર ધરપકડ પણ થઈ છે, પરંતુ જામીન પર છૂટી જતો હતો અને ફરી ચોરી કરવાનું શરૂ કરી દેતો હતો.’