Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઐશ્વર્યાની નવરાત્રિની જાહેરાતમાં જ બોલાઈ ગરબાની જોરદાર રમઝટ

ઐશ્વર્યાની નવરાત્રિની જાહેરાતમાં જ બોલાઈ ગરબાની જોરદાર રમઝટ

12 August, 2023 09:05 AM IST | Mumbai
Urvi Shah Mestry

મુંબઈમાં પહેલવહેલી વાર નવરાત્રિમાં ધૂમ મચાવશે દાંડિયા-પ્રિન્સેસ ઐશ્વર્યા મજમુદાર : બોરીવલીમાં યોજાનારી રંગતાલી-૨૦૨૩ નવરાત્રિની ગઈ કાલે જાહેરાત વખતે જ રાસરસિયાઓએ પ્રી-નવરાત્રિ મનાવી લીધી

ગઈ કાલે કાંદિવલીના રઘુલીલા મૉલમાં રાસરસિયાઓને ગરબે ઘુમાવી રહેલી ઐશ્વર્યા મજમુદાર.  અનુરાગ અહિરે

ગઈ કાલે કાંદિવલીના રઘુલીલા મૉલમાં રાસરસિયાઓને ગરબે ઘુમાવી રહેલી ઐશ્વર્યા મજમુદાર. અનુરાગ અહિરે



મુંબઈ : ગુજરાતીઓનું ગૌરવ દાંડિયા-પ્રિન્સેસ ઐશ્વર્યા મજમુદાર આ વર્ષે મુંબઈમાં પહેલવહેલી વાર નવરાત્રિમાં ધૂમ મચાવવા આવી રહી છે. અત્યાર સુધી નવરાત્રિમાં દેશ-વિદેશ અને ગુજરાતમાં ખેલૈયાઓને ગરબે ઘુમાવનાર ઐશ્વર્યા બોરીવલીના સૌથી મોટા ગ્રાઉન્ડમાં રમઝટ બોલાવવાની છે.


બોરીવલીના રાજ પ્રકાશ સુર્વે, મિતુલ શાહ અને પંકજ કોટેચા દ્વારા આયોજિત રંગતાલી-૨૦૨૩માં ઐશ્વર્યા મજમુદાર નવરાત્રિની ધૂમ મચાવવાની છે. ૨૯ વર્ષની ઐશ્વર્યાએ ૨૦૦૭-’૦૮માં યોજાયેલા મ્યુઝિકલ રિયલિટી શો સ્ટાર વૉઇસ ઑફ ઇન્ડિયા - છોટે ઉસ્તાદમાં પંદર વર્ષની ઉંમરે જીત અને લોકપ્રિયતા મેળવી હતી. તેણે સાત વર્ષની ઉંમરે સા-રે-ગા-મા-પામાં પણ ભાગ લીધો હતો. આ સિવાય તે ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં પણ અનેક ગીતો ગાઈ ચૂકી છે. તેણે અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં અનેક સોલો કૉન્સર્ટ કરી છે. આ સિવાય કેટલાક શોમાં ઍન્કરિંગ પણ કર્યું છે. 
ગઈ કાલે કાંદિવલી (વેસ્ટ)ના રઘુલીલા મૉલમાં આવેલા શેઠિયા બૅન્ક્વેટ હૉલમાં પ્રેસ-કૉન્ફરન્સ યોજાઈ હતી, જેમાં બોરીવલી (વેસ્ટ)ના અરુણકુમાર વૈદ્ય ગ્રાઉન્ડમાં ૧૫થી ૨૪ ઑક્ટોબર સુધી રંગતાલી-૨૦૨૩ નવરાત્રિની જાહેરાત કરવામાં આવી હતી. આ 
પ્રસંગે ઐશ્વર્યા મજમુદારે ગરબા ગાઈને હાજર લોકોને નવરાત્રિમાં કેવી જબરદસ્ત ધમાલ થવાની છે એનો અણસાર 
આપ્યો હતો. 



કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરાઈ હતી. ઐશ્વર્યાએ નવરાત્રિ પહેલાં નવરાત્રિની રંગત જમાવીને ગરબાની ધૂમ મચાવી હતી. ટ્રેડિશનલ કપડાં પહેરીને આવેલા લોકો પણ મન મૂકીને ગરબા રમ્યા હતા.


બોરીવલીમાં પહેલી વખત નવરાત્રિ કરવા જઈ રહી છું એટલે હું ખૂબ જ ઉત્સાહિત છું એમ જણાવીને ઐશ્વર્યા મજમુદારે મિડ-ડેને કહ્યું હતું કે ‘અમે આ વર્ષે મુંબઈગરાઓ માટે કંઈક નવું અલગ લઈને આવીશું જેમાં યુનિક પર્ફોર્મન્સ પણ હશે. મને આટલા મોટા પાયે પર્ફોર્મ કરવાનો મોકો મળ્યો છે એટલે હું બહુ એક્સાઇટેડ છું. મુંબઈગરાઓને ધ્યાનમાં રાખીને મેં પણ જોરદાર તૈયારી કરી છે. મને વિશ્વાસ છે કે એક વાર અમારી નવરાત્રિમાં આવનારા રાસરસિયાઓ બીજે જવાનું નામ નહીં લે. મને ‘હેલ્લારો’ ફિલ્મનું મેં ગાયેલું ગીત ‘જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ...’ સૌથી વધુ ગમે છે, કારણ કે એ સાંભળીને કોઈના પણ પગ થિરકવા લાગે છે અને એની ગૅરન્ટી હું તમને આપું છું. બોરીવલીમાં યોજાનારી રંગતાળી-૨૦૨૩ નવરાત્રિમાં હું મુંબઈગરાઓને પધારવાનું નિમંત્રણ આપું છું. અહીં આપણે સાથે મળીને રાસ-ગરબાની ધૂમ મચાવીશું અને ખૂબ એન્જૉય કરીશું.’

બોરીવલીમાં યોજનારી રંગતાળી-૨૦૨૩ના ઑર્ગેનાઇઝર પંકજ કોટેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલીમાં યોજનારી રંગતાળી ઇવેન્ટ બોરીવલી કે મુંબઈમાં જ નહીં પણ પૂરા ઇન્ડિયામાં ધૂમ મચાવશે, કારણ કે અમારી આ ગ્રૅન્ડ ઇવેન્ટ છે. અમે પચીસ વર્ષથી વધુ સમયથી નવરાત્રિ કરી રહ્યા છીએ અને અમારી દરેક નવરાત્રિ હિટ રહી છે. જોકે એનું શ્રેય કલાકારો અને ખેલૈયાઓની સાથે સ્પૉન્સર સહિત પૂરી ટીમને જાય છે. અમારી પાસે રમવા આવતા ખૈલૈયાઓની ડિમાન્ડ હતી કે ઐશ્વર્યા મજમુદારને લઈ આવો અને આ વર્ષે માતાજીની કૃપાથી પબ્લિક ડિમાન્ડ પર ઐશ્વર્યા અમારી સાથે છે. નવરાત્રિના પાસના રેટ સહિતની બાકીની વિગતો આવનારા સમયમાં અમે જાહેર કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2023 09:05 AM IST | Mumbai | Urvi Shah Mestry

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK