સુધરાઈના કમિશનર આઇ. એસ. ચહલે કહ્યું કે અમે બુલેટ ટ્રેનનું કામ કરી રહેલી એજન્સીને નિયમોનું પાલન કરવા સતત કહી રહ્યા છીએ, પણ તેઓ નથી કરી રહ્યા. જો ગાઇડલાઇન્સનું પાલન કરવામાં નહીં આવે તો અમે તેમને પણ નોટિસ ફટકારીશું
પ્રતીકાત્મક તસવીર
મહાનગરમાં ઍર પૉલ્યુશન વધી રહ્યું છે એટલે બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકાર અને મુંબઈ બીએમસીને આ બાબતે ઘટતું કરવા કહ્યું હતું. જો એમ કરવામાં નહીં આવે તો આકરાં પગલાં લેવાનો સંકેત કોર્ટે આપ્યો છે ત્યારે બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ગઈ કાલે પૉલ્યુશનને નિયંત્રણમાં રાખવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ત્યાર બાદ પણ સ્થિતિમાં સુધારો નહીં થાય તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના બીકેસીમાં બાંધવામાં આવી રહેલા સ્ટેશન તેમ જ મેટ્રોના પ્રોજેક્ટના કામ પર પણ તવાઈ લાવવાની શક્યતા વ્યક્ત કરી છે.
મુંબઈમાં હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે ત્યારે મુંબઈ બીએમસી દ્વારા એના પર નિયંત્રણ રાખવા માટે મુંબઈના એન્ટ્રી પૉઇન્ટ પર વાહનોને ધોવા માટે જેટ સ્પ્રેથી પાણીનો છંટકાવ કરવો અને પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને નોટિસ મોકલવા સહિતના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ઍર ક્વૉલિટી ખૂબ ખરાબ થઈ રહી છે એટલે અહીં બુલેટ ટ્રેનનું સ્ટેશન બાંધવાનું કામ કરવામાં આવી રહ્યું છે એને બંધ કરવાની નોટિસ મોકલવાની વિચારણા પણ થઈ રહી છે.
ADVERTISEMENT
બીએમસીના કમિશનર કમ ઍડ્મિનિસ્ટ્રેટર ઇકબાલ સિંહ ચહલે કહ્યું હતું કે ‘ઍર પૉલ્યુશનને નિયંત્રણમાં રાખવા માટે અત્યારે અમે શહેરના ૬૫૦ કિલોમીટર રસ્તામાં પાણીનો છંટકાવ કરી રહ્યા છીએ. મુંબઈમાં કુલ રોડની લંબાઈ ૨,૦૫૦ કિલોમીટરની છે એટલે દર ત્રીજા દિવસે રસ્તાઓને પાણીથી ધોવામાં આવી રહ્યા છે. આમ ૧૦૦૦ કિલોમીટર રસ્તા દરરોજ ધોવામાં આવી રહ્યા છે. આ કામ માટે ૧૫૦ ટૅન્કર કામે લગાવાયાં છે. જોકે અમે મહિનામાં એક વખત કૃત્રિમ વરસાદ પાડવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. દિલ્હીમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે એના પર અમે નજર રાખી રહ્યા છીએ. એ સફળ થશે તો અમે મુંબઈમાં એનું અનુકરણ કરીશું.’
બીએમસી દ્વારા બાંધકામની સાઇટ પર ઍર પૉલ્યુશનના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને નોટિસ મોકલવામાં આવી રહી છે. એ વિશે કમિશનરે કહ્યું હતું કે ‘ગાઇડલાઇન મુજબ બાંધકામ કરનારાઓને કેવી મશીનરી વાપરવી જરૂરી છે એ વિશે નોટિસ આપીને ૧૫થી ૩૦ દિવસમાં એના પર અમલ કરવાની નોટિસ મોકલવાની શરૂઆત કરી છે. ડિસેમ્બર મહિનામાં અમે નોટિસ ટ્રૅક કરવા અને એના પર અમલ થાય છે કે નહીં એ જાણવા માટે ઍપ લૉન્ચ કરી હતી.’
બુલેટ ટ્રેન અને મેટ્રોનું કામ બંધ કરવા માટેની વિચારણા પણ થઈ શકે છે એ વિશે કમિશનર ચહલે કહ્યું હતું કે ‘બીકેસીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલી રહેલા કામમાં પૉલ્યુશનના નિયમોનું પાલન કરવામાં આવે એ માટે સંબંધિત કંપનીઓને સૂચના આપવામાં આવી રહી છે, પણ હજી સુધી એના પર ધ્યાન નથી અપાઈ રહ્યું. આથી અમે આગામી દિવસોમાં સંબંધિત લોકોને આ સંબંધી નોટિસ મોકલીશું. જો તેઓ ઍર પૉલ્યુશનને કાબૂમાં રાખવા માટેની ગાઇડલાઇનનું પાલન નહીં કરે તો કામ બંધ કરવાનું પણ કહી શકીશું. આ સિવાય મેટ્રોની બે સાઇટમાં વધુ પ્રમાણમાં પૉલ્યુશન થતું હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ સંબંધિતોને નોટિસ મોકલવામાં આવી છે.’
ચેમ્બુર જંક્શન પર બુધવારે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૪૦૦ હતો. આ વિશે કમિશનર ચહલે કહ્યું હતું કે ‘ચેમ્બુર જંક્શન ટ્રાફિકવાળો વિસ્તાર છે એટલે અહીં વધુ પૉલ્યુશન રહે છે. અહીંનો ઇન્ડેક્સ આખા મુંબઈનો ઇન્ડેક્સ ન ગણી શકાય. આથી આપણે કોઈ એક જગ્યાના ઇન્ડેક્સને બહુ ધ્યાનમાં ન લેવો જોઈએ.’