બીએમસીએ જર્જરિત હાલતમાં હોય એવી ૨૧૬ ઇમારતોને આપી ખાલી કરવાની નોટિસ
ફાઇલ તસવીર
હજી તો કમોસમી વરસાદનાં કેટલાંક ઝાપટાં પડ્યાં છે ત્યાં જ ભિવંડીમાં એક દસ વર્ષ જૂની ઇમારત તૂટી પડી છે અને એમાં ૮ જણ મૃત્યુ પામ્યા છે, એટલે ફરી એવી દુર્ઘટના ન બને એ માટે બીમસીએ વર્ષોજૂની ૨૧૬ જોખમી ઇમારતોમાં રહેતા રહેવાસીઓને આ વર્ષે સી-1 કૅટેગરીની નોટિસ મોકલાવી છે.
જોકે એ ૨૧૬માંથી સૌથી વધુ જોખમી ૨૯ મકાનો એ બીએમસીના ‘કે’ વેસ્ટ વૉર્ડમાં એટલે કે વિલે પાર્લે, અંધેરી અને જુહુમાં આવેલાં છે, જ્યારે ૨૨ ઇમારતો સાથે બીજા નંબરે ‘એચ’ વેસ્ટ વૉર્ડ જે બાંદરા, ખાર, સાંતાક્રુઝ-વેસ્ટને આવરે છે, એ છે. ત્રીજા નંબરે અંધેરી, જોગેશ્વરી-ઈસ્ટ જે સુધરાઈના ‘કે’ ઈસ્ટ વૉર્ડ હેઠળ આવરી લેવાયા છે, એમાં ૨૧ ઇમારતો સી-1 કૅટેગરીની છે.
ADVERTISEMENT
જ્યારે આ સામે સાયન અને માટુંગાને આવરી લેતા ‘ એફ’ વૉર્ડ અને ચેમ્બુર-ગોવંડીને આવરી લેતા ‘એમ’ ઈસ્ટ વૉર્ડમાં એક પણ ઇમારતનો સી-1 કૅટેગરીમાં સમાવેશ નથી કરાયો. એ ઉપરાંત દહિસર ‘આર’ નૉર્થમાં માત્ર એક અને મરીન લાઇન્સ ‘સી’ વૉર્ડમાં બે અને ફોર્ટ, કોલાબા અને ચર્ચગેટને આવરી લેતા ‘એ’ વૉર્ડ અને ડોંગરી વિસ્તારના ‘બી’ વૉર્ડમાં ૩-૩ ઇમારતોનો સી-1 કૅટેગરીમાં સમાવેશ કરાયો છે.
એ કુલ ૨૧૬ ઇમારતો જેમને સી-1 કૅટેગરીની નોટિસ અપાઈ છે એમાંથી ૧૧૦ ઇમારતોના આ સંદર્ભે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે, જ્યારે ૯ ઇમારતોના કેસ બીએમસીની ટેક્નિકલ ઍડ્વાઇઝરી કમિટી પાસે પેન્ડિંગ છે. આમ બાકીની ૯૭ ઇમારતોને જ હાલ વહેલી તકે ખાલી કરવા માટે જણાવાયું છે.
આ વિશે માહિતી આપતાં બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘જે ઇમારતોમાં ૪૦ ટકા કરતાં વધુ રિપેરિંગનું કામ હોય એવી ઇમારતોનો સમાવેશ સી-1 કૅટેગરી હેઠળ કરાય છે. બીએમસી એવું માને છે કે એના રિપેરનો ખર્ચ એ એના ડિમોલશન અને નવાં કન્સ્ટ્રક્શન કરતાં વધી જશે. એથી રહેવાસીઓને એ ખાલી કરી દેવાની અપીલ કરવામાં આવી છે.’
ગયા વર્ષે કુલ ૪૮૯ મકાનોને અનફિટ જાહેર કરી સી-1 કૅટેગરીની નોટિસ મોકલાવવામાં આવી હતી.
જોકે એમાંથી ૨૫૦ મકાનોને તોડી પાડવામાં આવ્યાં છે, જ્યારે એવાં મકાનો જેના બાંધકામને ૩૦ વર્ષ કરતાં વધુ વર્ષ વીતી ગયાં હોય અને નબળાં પડી ગયાં હોય, પણ જો રિપેર કરવામાં આવે તો હજી કેટલાંક વર્ષો એ અડીખમ રહી શકે એમ હોય એમને સી-3 કૅટેગરીની નોટિસ મોકલવામાં આવે છે. એ સિવાય એવાં મકાનો જેમને તાત્કાલિક રિપેરિંગની જરૂર જણાય એમને સી-2 કૅટેગરીની નોટિસ બીએમસી તરફથી આપવામાં આવે છે.
ઘણી વાર સી-1 કૅટેગરીની નોટિસ આપ્યા બાદ પણ રહેવાસીઓ કેટલાંક કારણોસર એ મકાન ખાલી નથી કરતા ત્યારે બીએમસી કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે પોલીસ પ્રોટેક્શન લઈને એ મકાનો ખાલી કરાવતી હોય છે.