વૅલેન્ટાઇન્સ, મૅરેજ અને વચેટિયાઓ
ખાર-વેસ્ટમાં મૅરેજ રજિસ્ટ્રેશન ઑફિસના વેઇટિંગ-રૂમમાં એજન્ટ્સના ફોન નંબર ચોંટાડવામાં આવ્યા છે
કોવિડ-19નો ભય ઓછો થઈ રહ્યો છે ત્યારે જ વૅલેન્ટાઇન્સ ડેએ રવિવારે લગ્ન કરવા માગતાં પ્રેમી પંખીડાંઓને છેતરામણી ઑફર કરી રહ્યા છે મૅરેજ રજિસ્ટ્રેશનની ઑફિસમાંના એજન્ટ્સ
વૅલેન્ટાઇન્સ ડે નજીક આવી રહ્યો છે અને કોવિડ-19નો ભય પણ ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે, એવામાં અનેક યુગલો પ્રેમના પ્રતીક મનાતા આ દિવસે લગ્નના બંધનમાં બંધાવાની યોજના ધરાવે છે. પ્રેમી પંખીડાંઓ લગ્ન કરવા માટે રજિસ્ટ્રેશન ઑફિસનાં ચક્કર કાપી રહ્યાં છે એવા સમયે દલાલો આ ધસારાનો ફાયદો ઉઠાવીને વૅલેન્ટાઇન્સ ડેના દિવસે રવિવાર હોવા છતાં ૩૫,૦૦૦ રૂપિયાની ફી પર મૅરેજ રજિસ્ટ્રાર દ્વારા ઘરની મુલાકાત ગોઠવવાની ઑફર કરી રહ્યા છે અને એ પણ એવા સમયે જ્યારે કોવિડ-19ને કારણે અધિકારીઓ દ્વારા ઘરની મુલાકાત પર પ્રતિબંધ મુકાયો છે.
ADVERTISEMENT
‘મિડ-ડે’ના અન્ડરકવર રિપોર્ટર્સ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જણાયું હતું કે ખાર-વેસ્ટમાં ખાર ટેલિફોન એક્સચેન્જના બિલ્ડિંગમાં અનેક એજન્ટો મૅરેજ રજિસ્ટ્રેશનનું કામ કરી રહ્યા છે. વૅલેન્ટાઇન્સ ડેના દિવસે રવિવાર હોવાથી યુગલો આ દિવસે મૅરેજ રજિસ્ટ્રેશન સંબંધે તપાસ કરવા જતાં તેમને નિરાશા મળે છે. જોકે બિલ્ડિંગમાં લૅપટૉપ લઈને ફરતા એજન્ટો એક્સ્ટ્રા ચાર્જ લઈને રજિસ્ટ્રારને ઘરે લઈ આવવાની ઑફર કરે છે. એકાદ-બે દિવસ પછી લગ્ન કરવા ઇચ્છતા લોકો બુકિંગ ફુલ હોવાનું જાણીને એજન્ટો આવા લોકોનો સંપર્ક કરી તેમની પાસેથી પૈસા પડાવે છે.
મૅરેજ રજિસ્ટ્રારની ઑફિસમાં લગ્ન કરવાનો ખર્ચ ૩૫૦૦થી ૬૦૦૦ રૂપિયા જેટલો થાય છે, જ્યારે એજન્ટો રજિસ્ટ્રારને પિક-અપ ઍન્ડ ડ્રૉપ સુવિધા સાથે ૩૫,૦૦૦ રૂપિયામાં રવિવારે વૅલેન્ટાઇન્સ ડેના દિવસે ઘરે લાવવાની ઑફર કરે છે. સરકાર
મૅરેજ-રજિસ્ટ્રેશન માટે માત્ર ૧૫૦ રૂપિયા ફી ચાર્જ કરે છે અને રજિસ્ટ્રારને ઘરે બોલાવવાની ફી ૩૦૦ રૂપિયા છે. જોકે કોવિડના પ્રોટોકોલને કારણે આ સુવિધા હાલમાં રદ કરવામાં આવી છે.

