મંદિરના સંચાલક અને પૂજારી સાથે સાઠગાંઠ કરીને એજન્ટ ભક્તોને લૂંટતો હોવાની ફરિયાદ મળતાં પોલીસે ધરપકડ કરી
પંઢરપુર મંદિર
નાતાલનું વેકેશન અને નવા વર્ષના આગમનની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો બહારગામ જવાની સાથે મંદિરોની મુલાકાત પણ કરે છે. એને કારણે આ સમયગાળામાં મંદિરોમાં ચિક્કાર ભીડ જોવા મળે છે. ક્યારેક તો પાંચ-સાત કલાક સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ ભગવાનનાં દર્શન થાય છે. આવી જ રીતે પંઢરપુરમાં આવેલા શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મંદિરમાં છેલ્લા કેટલાક દિવસથી ચિક્કાર ગિરદી થઈ રહી છે જેનો ફાયદો એજન્ટો ઉઠાવી રહ્યા હોવાનું જણાયું છે.
શનિવારે રજા હોવાથી પંઢરપુરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચતાં ભગવાનનાં દર્શન કરવા માટે આઠ કલાક જેટલો લાંબો સમય લાગ્યો હતો. લગભગ આખો દિવસ લાઇનમાં ઊભા રહ્યા બાદ થાકી ગયેલા મુંબઈના સાત યુવકનો સંપર્ક ચિંતામણિ ઉત્પાદ નામની એક વ્યક્તિએ કર્યો હતો. તેણે ૨૦ મિનિટમાં શ્રી વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કરાવવાનો દાવો કરીને ૧૧,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. યુવકોએ એજન્ટની વાતમાં આવી જઈને તેને ૧૧,૦૦૦ રૂપિયા આપ્યા હતા. આ રૂપિયામાંથી એજન્ટે યુવકોને મંદિરની ૫૦૦૦ રૂપિયાની રસીદ આપી હતી અને બાકીના રૂપિયા પોતે રાખી લીધા હતા. બાકીના રૂપિયાની રસીદ ન આપતાં યુવકોએ મંદિરના સંચાલકોનો સંપર્ક કરીને ચિંતામણિ ઉત્પાદે પોતાની પાસેથી ૧૧,૦૦૦ રૂપિયા લીધા છે અને રસીદ ૫૦૦૦ રૂપિયાની જ આપી રહ્યો છે એ બાબતની ફરિયાદ કરી હતી. મંદિરના સંચાલકોએ પોલીસને જાણ કરતાં પોલીસે એજન્ટ ચિંતામણિ ઉત્પાદની ભક્તોને દર્શન કરાવવાના નામે છેતરવાના આરોપસર ધરપકડ કરી હતી. વેકેશનના સમયે ભક્તોની વધુ ભીડ હોય ત્યારે પંઢરપુરમાં એક વ્યક્તિ પાસેથી દર્શન કરાવવા માટે ત્રણથી ચાર હજાર રૂપિયા એજન્ટો પડાવતા હોવાનું કહેવાય છે. જોકે મોટા ભાગના ભક્તો ફરિયાદ નથી નોંધાવતા એટલે મંદિરોના એજન્ટોનો આ ગોરખધંધો ચાલ્યા કરે છે.