Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે ટૂ-વ્હીલર ચોરાયાં, એક પુણેમાં અને એક ડોમ્બિવલીમાં: બન્નેના માલિકોએ જુઓ શું કહ્યું?

બે ટૂ-વ્હીલર ચોરાયાં, એક પુણેમાં અને એક ડોમ્બિવલીમાં: બન્નેના માલિકોએ જુઓ શું કહ્યું?

Published : 16 October, 2024 07:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘મારું ઍક્ટિવા ચોરનારા ચોરને નમ્ર વિનંતી છે કે મારી મમ્મીએ બહુ મહેનતથી ખરીદ્યું છે અને એ તેની છેલ્લી યાદગીરી છે`

અભય ચૌગુલે, અભિષેક ભંડા‍રે

અભય ચૌગુલે, અભિષેક ભંડા‍રે


ચોરને અપીલ : એ ઍક્ટિવા મારી સદ‍્ગત મમ્મીની છેલ્લી નિશાની છે, પાછું આપી દે


કોઈ વસ્તુ સાથે કોઈ સ્વજનની લાગણી જોડાયેલી હોય ત્યારે એ વસ્તુનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે અને એ સ્વજન જો માતા કે પિતા હોય તો એ વસ્તુ અમૂલ્ય બની જાય છે. પુણેના અભય ચૌગુલે સાથે બનેલી ઘટના આ વાતનો પુરાવો છે. તેની માતાએ બચત કરીને તેને કાળા રંગનું ઍક્ટિવા અપાવ્યું હતું. પિતાનું કોરોનામાં નિધન થઈ ગયું હતું અને માતાનું પણ મહિના પહેલાં કૅન્સરને કારણે મૃત્યુ થયું હતું. મમ્મીએ લઈ આપેલા ઍક્ટિવા સાથે અભયભાઈની વિશેષ લાગણી જોડાયેલી હતી અને એ ઍક્ટિવા દશેરાના દિવસે પુણેના કોથરુડમાંથી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસેથી ચોરાઈ ગયું હતું. તેણે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી છે, પરંતુ એ ફક્ત ઍક્ટિવા નહીં, પણ મમ્મીએ અપાવેલું ઍક્ટિવા હોવાથી તેણે પાછું મળી જાય એ માટે સોશ્યલ મીડિયાની મદદ લીધી છે. ઍક્ટિવા ચોરાયું હતું એ સ્થળે ઊભા રહીને તેણે બોર્ડ પકડીને ફોટો પડાવ્યા છે અને એ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યા છે. એકમાં લખ્યું છે કે દશેરાના દિવસે અહીંથી મારું કાળું ઍક્ટિવા ચોરાઈ ગયું હતું અને એ મારી મમ્મીની છેલ્લી યાદગીરી છે. એ શોધવામાં મદદ કરો. તેણે ચોરને પણ સંદેશો આપ્યો છે કે ‘મારું ઍક્ટિવા ચોરનારા ચોરને નમ્ર વિનંતી છે કે મારી મમ્મીએ બહુ મહેનતથી ખરીદ્યું છે અને એ તેની છેલ્લી યાદગીરી છે, કૃપા કરીને પાછું આપી દો. હું તમને નવી ગાડી અપાવીશ.’



ચોરાયેલું સ્કૂટર શોધવામાં પોલીસ સહકાર ન આપતી હોવાથી ફરિયાદીએ ચોરને જ કરી દીધી અનોખી અપીલ


મારી પાસેથી ઓરિજિનલ ડૉક્યુમેન્ટ્સ પણ લઈ જાઓ

ડોમ્બિવલી-વેસ્ટના શાસ્ત્રીનગરમાં રહેતા ૪૨ વર્ષના અભિષેક ભંડા‍રેનું સ્કૂટર ઘર નીચેથી ૧૩ સપ્ટેમ્બરે રાતે ચોરાઈ ગયું હતું. ત્યાર બાદ વિષ્ણુનગર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી, પણ એક મહિના સુધી પોલીસ સ્કૂટર શોધવામાં નિષ્ફળ જતાં અભિષેકે ચોરને અનોખી અપીલ કરી છે. તેણે સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટ અત્યારે જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે. અભિષેક ભંડારેએ ચોરને સ્કૂટરના ઓરિજિનલ ડૉક્યુમેન્ટ્સ લઈ જવાનું કહ્યું છે. મારા સ્કૂટર માટે મેં પોલીસ-સ્ટેશનના ૨૦ કરતાં વધુ ધક્કા ખાધા હતા અને મેં અમારા વિસ્તારમાં લાગેલા ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ભેગાં કરી પોલીસને આપ્યાં હતાં એમ જણાવતાં અભિષેક ભંડારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૩ સપ્ટેમ્બરે રાતે સ્કૂટર ચોરાયા બાદ મેં બે-ત્રણ દિવસ અમારા વિસ્તાર ઉપરાંત સંપૂર્ણ સ્ટેશન-વિસ્તારમાં તપાસ કરી હતી, પણ સ્કૂટર ન મળતાં હું વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો હતો, પણ પોલીસે મારી બે દિવસ પછી ફરિયાદ નોંધી હતી અને એ પછી પણ તપાસ માટે તેમની કોઈ તૈયારી દેખાતી નહોતી. મેં તેમને CCTV કૅમેરાનાં ફુટેજથી લઈને તમામ માહિતી આપી હતી એ પછી પણ તેમણે કશું કર્યું નહોતું. એટલું જ નહીં, મેં એક શંકાસ્પદ આરોપીની માહિતી આપી હતી, પણ પોલીસે તેની પણ ધરપકડ કે પૂછપરછ નથી કરી. આ બધાથી મને લાગે છે કે હવે મારું સ્કૂટર મને પાછું મળશે જ નહીં, એટલે મેં ચોરને આહ્‍વાન કર્યું છે કે મારા સ્કૂટરના ઓરિજિનલ દસ્તાવેજ અને સ્કૂટરની ચાવી મારી પાસેથી લઈ જાઓ.’


અમારી ટીમ શરૂઆતથી જ આ કેસમાં વિગતવાર તપાસ કરી રહી છે એમ જણાવતાં વિષ્ણુનગરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીને શોધવા માટે અમારી ટીમે CCTV ફુટેજ હસ્તગત કર્યાં છે. ફરિયાદીએ અમને શંકાસ્પદ આરોપીની વિગત આપી છે, પણ અમે એની વધુ વિગત મેળવી રહ્યા છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2024 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK