સવારની શાંતિ પછી સાંજે પ્રવાસીઓની ભીડ
ગઈ કાલે થાણે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરી રહેલી મહિલાઓ. (તસવીર: પી.ટી.આઈ.)
મુંબઈગરાઓ ઘણા મહિનાથી જેની રાહ જોઈ રહ્યા હતા એ મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેનના દરવાજા સામાન્ય લોકો માટે ગઈ કાલથી ખૂલી ગયા હતા. એ દરમ્યાન સાંતાક્રુઝ, વિલે પાર્લે અને અંધેરીની ટિકિટ-વિન્ડો પર કે સ્ટેશન પર પ્રવાસીઓની સામાન્ય ભીડ દેખાઈ હતી.
સવારની પહેલી લોકલથી લઈને સાત વાગ્યાની લોકલમાં સાંતાક્રુઝ, વિલે પાર્લે અને અંધેરી સ્ટેશન પર પ્રવાસીઓની બહુ અવરજવર નહોતી. પીક-અવર્સમાં સ્ટેશન પર કે પ્લૅટફૉર્મ પર ભીડ નહોતી અને બધું નૉર્મલ હતું. જોકે સાંજના સમયે પ્રવાસીઓની ભીડ થઈ હતી.
ADVERTISEMENT
ટ્રેન પંદર મિનિટ લેટ હોવાથી પહેલા દિવસે ઑફિસે હું પંદર મિનિટ મોડી પહોંચી હતી એમ જણાવીને એક મહિલા પ્રવાસી કલ્પના રનોતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે પોણાસાત વાગ્યે હું અંધેરી સ્ટેશને પહોંચી ગઈ હતી. મારે બોરીવલીની સાત વાગ્યાની ટ્રેન પકડવાની હતી, પરંતુ ટ્રેન સાતને બદલે સવાસાત વાગ્યે આવી હતી. પ્લૅટફૉર્મ પર પ્રવાસીઓની સંખ્યા બહુ ઓછી હતી. સેકન્ડ ક્લાસના ડબ્બામાં માત્ર ૧૦ જેટલી મહિલાઓ હતી.’
સાંતાક્રુઝ સ્ટેશન પર સવારના પહોરમાં પ્લૅટફૉર્મ પર પ્રવાસીઓની સંખ્યા ઓછી હતી એમ જણાવીને સાંતાક્રુઝ સ્ટેશનના સ્ટેશન-માસ્તરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બપોરે બાર વાગ્યા પછી પણ પ્લૅટફૉર્મ પર સામાન્ય અવરજવર દેખાઈ હતી. ચાર વાગ્યા પછી પ્રવાસીઓાની થોડી ચહલપહલ વધી હતી. પોલીસ-બંદોબસ્ત બરાબર હોવાથી સવારે સાતથી બાર વાગ્યા વચ્ચે તેમ જ સાંજે ચારથી રાત્રે નવ વાગ્યાની વચ્ચે આવનારા પ્રવાસીઓનાં આઇડી-કાર્ડ ચેક કરવામાં આવ્યાં હતાં.’

