ટમેટાંના ભાવમાં ઘટાડો થવાથી રાહતની લાગણી અનુભવી રહેલી ગૃહિણીઓનું ટેન્શન વધે એવા સમાચાર છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ ટમેટાંના ભાવમાં ઘટાડો થવાથી રાહતની લાગણી અનુભવી રહેલી ગૃહિણીઓનું ટેન્શન વધે એવા સમાચાર છે. શ્રાવણ મહિનો શરૂ થવાની સાથે ટૂંક સમયમાં જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવાર આવી રહ્યા છે ત્યારે બજારમાં ખાદ્ય પદાર્થની માગણી વધે છે. આવી સ્થિતિમાં દાળના ભાવમાં વધારો થયો છે. નવી મુંબઈમાં આવેલી એપીએમસીમાં તુવેરદાળના હોલસેલ ભાવ ૧૧૫થી ૧૪૦ રૂપિયા પ્રતિ કિલો અને રીટેલ માર્કેટમાં ૧૪૦થી ૧૬૦ રૂપિયા પહોંચી ગયા છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં તુવેરદાળનો આ સૌથી ઊંચો ભાવ છે. આગામી બે મહિનામાં તુવેરનો ભાવ ૨૦૦ રૂપિયા કિલો સુધી જવાની શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે.
આ વર્ષની શરૂઆતથી જ કમોસમી વરસાદ ચાલુ થયો હતો. ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદને લીધે મોટા પ્રમાણમાં કઠોળના પાકને નુકસાન થયું હતું. આથી તુવેરદાળ સહિતના પાકનો ઉતારો ખૂબ ઓછો આવ્યો હોવાનું કહેવાય છે. દરેક પરિવારમાં તુવેરદાળનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધી તુવેરદાળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી કેન્દ્ર સરકારે ભાવ નિયંત્રણમાં રાખવા માટે દાળ ઇમ્પોર્ટ કરી હતી.
ADVERTISEMENT
જોકે સરકારનાં આ પગલાં લેવાયા બાદ પણ તુવેરદાળના ભાવ નિયંત્રણમાં નથી આવી રહ્યા. ફેબ્રુઆરી મહિનામાં તુવેરદાળનો હોલસેલ ભાવ ૯૦ રૂપિયા કિલો હતો, જે જૂન અને જુલાઈમાં વધીને ૧૨૦ રૂપિયા થયો હતો. આથી રીટેલ બજારમાં દાળ ૧૨૦થી ૧૩૦ રૂપિયે કિલોએ વેચાઈ હતી.
જૂન અને જુલાઈ બાદ ઑગસ્ટ મહિનામાં પણ હોલસેલ માર્કેટમાં તુવેરદાળનો ભાવ ૧૧૫થી ૧૪૦ રૂપિયા થઈ ગયો છે. આથી રીટેલ બજારમાં અત્યારે તુવેરદાળ ૧૪૦થી ૧૬૦ રૂપિયે વેચાઈ રહી છે. આવી જ સ્થિતિ રહી તો આગામી બે મહિનામાં ભાવ ૨૦૦ રૂપિયાની ઉપર પહોંચવાની શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે. તુવેરદાળની સાથે મઠ, મગ અને ચણાદાળમાં પણ વધારો થયો છે.
નવી મુંબઈમાં આવેલી એપીએમસી માર્કેટના અધ્યક્ષ નીલેશ વીરાએ માહિતી આપી હતી કે ‘આ વર્ષે થયેલા કમોસમી વરસાદને લીધે કઠોળ અને દાળના પાકને ખૂબ નુકસાન થયું છે. આથી ધાર્યાં કરતાં ખૂબ ઓછું ઉત્પાદન થવાથી કઠોળ અને દાળના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તુવેરદાળની સાથે મગ, મઠ, ચણા, વટાણા, વાલ અને રાજમાના ભાવમાં પણ વધારો થયો છે. તુવેરદાળના ભાવમાં સૌથી વધારે વધારો નોંધાયો છે. આગામી સમયમાં પણ આ ભાવવધારો કાયમ રહેવાની શક્યતા છે.’

