VIP કલ્ચરનો વિડિયો પોસ્ટ કરીને જાણીતા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ હર્ષ ગોએન્કાએ પણ આ ભેદભાવભરી નીતિ સામે પ્રશ્ન ઉઠાવ્યો
જુઓ કઈ રીતે એક તરફ ભક્તોને હડસેલવામાં આવી રહ્યા છે અને બીજી તરફ VIP લોકો આરામથી ફોટો પડાવી રહ્યા છે
કલાકોના કલાકો લાઇનમાં ઊભા રહીને શ્રદ્ધાથી મુંબઈના નંબર વન બાપ્પાનાં દર્શન કરવા જતા ભક્તો હજી તો માનતાના રાજાને ચરણસ્પર્શ કરે એ પહેલાં જ તેમને સિક્યૉરિટી હડસેલી દે છે, જ્યારે કોઈ પણ લાઇનમાં ઊભા રહ્યા વગર સીધા બાપ્પાનાં ચરણોમાં પહોંચી જતા VIPઓને ખરા અર્થમાં આપવામાં આવે છે VIP ટ્રીટમેન્ટ : VIP કલ્ચરનો વિડિયો પોસ્ટ કરીને જાણીતા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ હર્ષ ગોએન્કાએ પણ આ ભેદભાવભરી નીતિ સામે પ્રશ્ન ઉઠાવ્યો : આ સિવાય ત્યાંની સિક્યૉરિટી મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરતી હોવાનો આરોપ પણ થઈ રહ્યો છે
આખા દેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો લાલબાગચા રાજાનાં દર્શન કરવા આવતા હોય છે અને એમાં પણ તેમના ચરણસ્પર્શ કરવા માટેની લાઇનમાં કલાકોના કલાકો ઊભા રહેતા હોય છે. એવું કહેવાય છે કે આ ગણરાયા લોકોની માનતા પૂરી કરે છે અને એટલે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માનતા માનવા કે પૂરી થઈ હોય તો વિઘ્નહર્તાનાં દર્શન કરવા આવતા હોય છે.
જોકે છેલ્લાં થોડાં વર્ષથી અહીં આવતા ગણેશભક્તો દ્વારા લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ભેદભાવ કરી રહ્યું હોવાનો આરોપ થઈ રહ્યો છે અને આ વર્ષે પણ સોશ્યલ મીડિયામાં આ મુદ્દો બરાબરનો ચગ્યો છે.
ADVERTISEMENT
એક દિવસ સુધી લાઇનમાં ઊભા રહીને રાજાનાં દર્શન કરવા પહોંચતા આમ આદમીને ત્યાંની સિક્યૉરિટી ચરણસ્પર્શ પણ કરવા નથી દેતી અને તેમને ધક્કો મારે છે તેમ જ તેમની સાથે ગેરવર્તન કરે છે, જ્યારે કોઈ પણ પ્રકારની લાઇનમાં ઊભા રહેવાની તપસ્યા કર્યા વગર સીધા લાલબાગચા રાજાનાં ચરણોમાં પહોંચી જતા VVIP (વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન) અને VIP (વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન)ને શાંતિથી કોઈ પણ પ્રકારની રોકટોક વગર દર્શન કરવા દેવામાં આવે છે. સોશ્યલ મીડિયામાં આ બે દૃશ્યોનો વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે જેમાં કષ્ટ કરીને બાપ્પાનાં દર્શન કરવા પહોંચેલા ભક્તને કઈ રીતે સિક્યૉરિટી હડસેલે છે અને બીજી બાજુ VIPને ખરા અર્થમાં કેવી VIP ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ દર્શાવ્યું છે. નવાઈની વાત એ છે કે આ જ VIPઓને લીધે હેરાનગતિ સહન કરીને લાઇનમાં ઊભા રહેતા ભક્તોએ વધારે સમય સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, કારણ કે અમુક VIP દર્શન કરતા હોય છે ત્યારે બીજા ભક્તોની લાઇન બંધ કરી દેવામાં આવે છે. વાત અહીં પૂરી નથી થતી. શ્રદ્ધામાં તરબોળ ભક્તોને લાલબાગચા રાજાના સિક્યૉરિટી ગાર્ડ્સ જરા પણ વિચાર્યા વગર ધક્કે ચડાવતા હોય છે અને અમુક વખત તો મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર પણ કરતા હોવાનો આરોપ છે. ભૂતકાળમાં આ બાબતના વિડિયો પણ વાઇરલ થયા છે.
લાલબાગચા રાજાના VIP કલ્ચર વિશે આરપીજી ગ્રુપના ચૅરમૅન હર્ષ ગોએન્કાએ સોશ્યલ મીડિયા પર VIPમાં દર્શન કરવા માટે લોકો કેવી પડાપડી કરે છે એનો એક વિડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે ‘ લોકો લાલબાગચા રાજાનાં VIP દર્શન કેમ પસંદ કરે છે? એનું કારણ એ છેહ કે સામાન્ય ભક્તોએ મોટા ભાગે લાંબી લાઇન અને ગિરદીમાં ભીંસાવું પડે છે અને એ જ ભેદભાવભરી નીતિને ઉજાગર કરે છે. જ્યાં આસ્થાની વાત હોય ત્યાં બધા એકસમાન ન હોવા જોઈએ?’
કાર્તિક નાડર નામના એક યુઝરે સોશ્યલ મીડિયામાં એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં એક બાજુ કલાકો લાઇનમાં ઊભા રહીને દર્શન કરવા આવેલા ભક્તોને કઈ રીતે હડસેલવામાં આવે છે એ બતાવ્યું છે અને બીજી બાજુ VIPઓ મંડળના પદાધિકારીઓ સાથે આરામથી દર્શન કરીને ફોટો પણ પડાવે છે. આ વિડિયો સાથે તેણે મૂકેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘જો લાલબાગચા રાજાના પંડાલને ભવિષ્યમાં VIP માટે જ હોવાનું જાહેર કરવામાં આવે તો નવાઈ ન લાગવી જોઈએ. આ એક વિડિયો પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે હવે સમય આવી ગયો છે કે મુંબઈ પોલીસ અહીંનું ક્રાઉડ મૅનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લે, નહીં તો ધીમે-ધીમે આમ આદમી વિમુખ થઈ જશે.’
કાર્તિકે શૅર કરેલો વિડિયો આ વખતનો છે કે નહીં એની પુષ્ટિ નથી થઈ શકી, પણ આવું ભૂતકાળમાં અનેક વાર બન્યું છે અને અત્યારે પણ બની રહ્યું હોવાનું ત્યાં દર્શન કરીને આવેલા ભક્તોનું કહેવું છે.
લાલબાગચા રાજામાં ટીવી-ઍક્ટ્રેસને સિક્યૉરિટીએ ધક્કે ચડાવી
તાજેતરમાં લાલબાગચા રાજાનાં દર્શન કરવા ગયેલી પૉપ્યુલર સિરિયલ ‘પંડ્યા સ્ટોર’ અને ‘કુમકુમ ભાગ્ય’ની ઍક્ટ્રેસ સિમરન બુધરૂપે તેને થયેલો ભયંકર અનુભવ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. સિમરન તેની મમ્મી સાથે દર્શન કરવા ગઈ હતી. જ્યારે તેનો નંબર આવ્યો ત્યારે તેની પાછળ લાઇનમાં ઊભી રહેલી તેની મમ્મીએ પોતાના મોબાઇલમાં વિડિયો લેવાનો શરૂ કર્યો કે તરત જ ત્યાં ઊભેલા સિક્યૉરિટી ગાર્ડે તેની મમ્મીનો મોબાઇલ ઝૂંટવી લીધો હતો. સિમરનની મમ્મીએ પોતાનો મોબાઇલ પાછો મેળવવાની કોશિશ કરી તો સિક્યૉરિટી ગાર્ડે તેને ધક્કો માર્યો હતો. આ અનુભવ વિશે સિમરને લખ્યું હતું કે ‘મેં જ્યારે જોયું કે સિક્યૉરિટીએ મમ્મીને ધક્કો માર્યો છે એવી તરત જ મેં મધ્યસ્થી કરવાની કોશિશ કરી તો ત્યાં ઊભી રહેલી મહિલા બાઉન્સરે મને પણ ધક્કે ચડાવી હતી. તેમના આ વર્તનનું મેં મારા મોબાઇલમાં રેકૉર્ડિંગ શરૂ કર્યું તો તેમણે મારો મોબાઇલ પણ ઝૂંટવી લેવાની કોશિશ કરી હતી. ત્યાર બાદ તેમને જ્યારે ખબર પડી કે હું ઍક્ટ્રેસ છું ત્યારે સિક્યૉરિટી ગાર્ડ્સ ત્યાંથી જતા રહ્યા હતા. લાલબાગચા રાજાનાં દર્શનનો મારો આ અનુભવ બહુ જ નિરાશાજનક હતો.