સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી એકનાથ શિંદે જ સાચા સત્તા-સૈનિક સાબિત થયા છે અને ભલે શિવસેના કોની એ હવે કોર્ટ નવેસરથી નક્કી કરે, પણ અત્યારે તો શિંદેની જ સેના સાચી એવી છાપ લોકોના મનમાં ઊભી થઈ છે
ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે અને શરદ પવાર
‘હું નહીં, તું નકલી’ એવી વાર્તા ભારતીય રાજકારણમાં વારંવાર થતી રહી છે અને દરેક સમયે છેલ્લો આશરો અદાલત રહી. છેક કૉન્ગ્રેસથી એની શરૂઆત થઈ તે હવે શિવસેના સુધી આવીને અટકી છે. એકાદ વર્ષથી શિવસેના સાચી કોણ એ સવાલ સત્તારોહણના વમળમાં છેવટનો જવાબ મેળવવા કોશિશ કરી અને નક્કી થઈ ગયું કે એકનાથ શિંદેની સરકાર બરકરાર રહેશે. જોકે આ ‘અમે સોળ’ ધારાસભ્યોએ લાયક કે ગેરલાયક એ સવાલ અધ્ધર લટકેલો રહ્યો છે.
પણ મહારાષ્ટ્રના ‘અઘાડી : રાજકારણ’નું ચક્કર અજબ છે. દેશના (કેટલાકના માટે દુનિયાના!) મોટા રાજકીય ખેલાડી શરદ રાવ પવારે હાથ પાછા ખેંચી લેવા પડ્યા એના મૂળમાં ઉદ્ધવ ઠાકરે સરકાર નાકામ નીવડી એનો આઘાત હતો. ભત્રીજાને તેના સ્થાને બેસાડી ન શકવામાં પવાર લાચાર હતા. જે આઘાડી સરકારના શરદ પવાર મોટાભા હતા એનું ઉદ્ધવે તો વિના સલાહ રાજીનામું આપી દીધું. આમ પવાર માટે સરકારમાં કશું નીપજયું નહીં અને રાષ્ટ્રીય પાર્ટીમાં જ ભાગલા પડે એવી પરિસ્થિતિને ટાળવા શરદ રાવે રાજીનામું આગળ ધરી દીધું, પણ બે દિવસ પછી ‘કાર્યકર્તાની લાગણીને માન આપીને’ પાછું ખેંચી લીધું. ત્યારે શરદરાવને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો કોઈ અણસાર આવી ગયો હશે?
બડબોલા સંજય રાઉતના જણાવ્યા પ્રમાણે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર સાથે કેન્દ્રના કાયદાપ્રધાનની બેઠક થઈ હતી ને ત્યાં જ કશુક રંધાયું હતું. સો વાતની એક વાત એ થઈ કે એકનાથ એકલા સાચા સત્તાસૈનિક સાબિત થયા અને તેમની સરકાર ટકી ગઈ છે. આનાથી લોકોના ચિત્તમાં અસલી સેના તો શિંદેની કહેવાય એવું ઠસી ગયું. ઉદ્ધવ અને શરદ પવાર માટે લગભગ અચ્યુતમ્ કેશવમ્ સાબિત થઈ ગયું. બાળાસાહેબના વારસદાર પ્રમાણિત ન થયા એ આડકતરી રીતે અદાલતના ચુકાદામાં જ કહેવાયું છે. ગૃહમાં અવિશ્વાસ કે વિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરાવ્યા સિવાય જ તેણે પોતાની સરકારનું રાજીનામું આપી દીધું. હવે એનું પુન:સ્થાપન થાય કઈ રીતે? જોકે અદાલતે રાજ્યપાલના પગલાને અનુચિત ઠેરવ્યું છે એટલે આ ‘અમે સોળ’નો ચુકાદો ન્યાયમૂર્તિઓની નવી મોટી બેન્ચ કરશે, ત્યાં સુધી બધું ઇધર ભી-ઉધર ભી રહેશે. એટલે શિવસેના માટે બંને છાવણી ‘શિવો અહમ્’નો ખેલ પાડી શકે છે.
એક વાત સાચી કે ‘સામના’માં કૈંક એવું લખાયું છે કે શરદ રાવ જેવા મોટા નેતા પણ રાજકીય ઉત્તરાધિકારી નક્કી ન કરી શક્યા. બીજી તરફ એવો અહેવાલ આવ્યો કે રાઉત શિવસેના છોડીને શરદ રાવની એનસીપીમાં જોડાઈ શકે છે. પણ આ અહેવાલો ચુકાદા પહેલાંના છે. ચુકાદા પછી રાજ્યનું રાજકારણ વધુ વિચિત્ર બનશે એવું લાગે છે. શરદ રાવે તો મે મહિનાના કાળઝાળ ઉનાળામાં જ શરદોત્સવને સંકેલી લીધો છે, પણ એનો અર્થ એ નથી કે તેઓ શાંત રહેશે. ખરેખર તો પરિસ્થિતિ જ એવી બની છે કે બાળાસાહેબને સ્વર્ગમાં પણ દંડો ઉઠાવવાનું મન થતું હશે!
અચ્યુતમ્...થી શિવો અહમ્ અને શરદોત્સવ સમાપ્તિ સુધીની કહાણી પૂરી થઈ નથી. ‘મહારાષ્ટ્ર દિવસ’ના દસ-અગિયાર દિવસ પૂરા થયા પછીની રાજકીય અફરાતફરી હજી વધુ જોવા મળશે.
શિંદે સરકાર વાચલી, રાજ્યપાલ આણિ સ્પીકરચી આબરૂ ગેલી
ADVERTISEMENT
સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો એનાથી એક, એકનાથ શિંદેની સરકાર અત્યારે બચી ગઈ છે, પણ બે, બંધારણીય હોદ્દા પર બેઠેલા નેતાઓની આબરૂનું ધોવાણ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બેન્ચે એક સ્વરમાં કહ્યું કે બન્ને મહાનુભાવો - રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને સ્પીકર રાહુલ નાર્વેકર - તેમની બંધારણીય ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા. એ વખતે પણ સૌકોઈએ ટીકા કરી હતી કે આ રીતે રાજ્યપાલ અને સ્પીકર પક્ષપાતી વલણ લઈ શકે નહીં, પરંતુ ટીકાઓની ટાંકણી વાગે એટલી પાતળી ત્વચા આજના નેતાઓમાં હોતી નથી. કેન્દ્રમાં સત્તાધારી અને મહારાષ્ટ્રમાં સત્તાઇચ્છુક બીજેપીને ફાવતું આવે એ રીતે રાજ્યપાલ કોશ્યારીએ નિર્ણયો લીધા હતા.
જોકે ઉદ્વવ ઠાકરેએ જોરદાર નાટકીય ઘટનાક્રમ પછી આખરે રાજીનામું આપી દીધું હતું. એ વખતે પણ શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને રાજ્યપાલના નિર્ણય સામે સ્ટેની માગણી કરી હતી. એ વખતે સ્ટે ન મળ્યો, કેમ કે સુનાવણી વિના રાજ્યપાલનો નિર્ણય યોગ્ય છે કે કેમ એ અદાલત નક્કી કરી શકે એમ નહોતી. આખરે બન્ને પક્ષોની રજૂઆતો સાંભળ્યા પછી હવે અદાલતે સ્વીકાર્યું કે રાજ્યપાલે ખોટી રીતે નિર્ણય લીધો હતો. ઠાકરે પાસે બહુમતી નથી, એવું ધારી લેવા માટે પૂરતા પુરાવા રાજ્યપાલ પાસે એ વખતે નહોતા, એવું તારણ ન્યાયાધીશોએ કાઢ્યું છે.
પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં અરબી સમુદ્રનાં અસંખ્ય મોજાં મુંબઈ-મહારાષ્ટ્રની ધરતીને અફળાઈ ચૂક્યાં છે અને નવી સરકાર બેસીને કામે લાગી ગયેલી છે. ઠાકરેએ રાજીનામું આપી દીધું ત્યાર બાદ નવી સરકારની રચના માટે રાજ્યપાલે શિંદેને આમંત્રણ આપ્યું એ ધોરણ પ્રમાણેનું પગલું હતું, એમ સુપ્રીમે કહ્યું. એથી નવી સરકારની રચનાની પ્રક્રિયા કે એ વિશેના નિર્ણયો વિશે ફેરફાર કરવાનો હવે કોઈ અર્થ નથી. અર્થાત્ હાલની શિંદે સરકારને હટાવી દેવાનું કોઈ કારણ રહેતું નથી. એવી કોઈ જોગવાઈ કે વ્યવસ્થા નથી કે રાજ્યપાલ અને સ્પીકરના ખોટા નિર્ણયોથી બનેલી સરકારને હટાવીને, રાજીનામું આપી દેનારા નેતાની સરકારને ફરીથી સ્થાપિત કરવામાં આવે.
વ્યવહારુ રીતે પણ જુઓ તો શિંદેની સરકારને હટાવીને ફરીથી ઉદ્ધવ ઠાકરેને હવે મુખ્ય પ્રધાનની ખુરસીએ બેસાડવામાં આવે તો તેમની પાસે બહુમતી હોવી જોઈએ. તેમને છોડીને ગયેલા ધારાસભ્યોમાંથી એટલી સંખ્યામાં ધારાસભ્યો પરત લાવવા પડે કે જેથી શિંદે જૂથને ગેરલાયક ઠરાવી શકાય. એ જો અને તોની ગણતરીનો કોઈ અર્થ નથી અને સ્પીકર પાસે ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાનો મામલો પડેલો છે, એનો નિર્ણય સ્પીકરે કરવાનો છે.
ઉદ્ધવ ઠાકરેએ ચુકાદા બાદ કહ્યું કે તેમની મોરલ વિક્ટરી થઈ છે, કેમ કે નૈતિકતાના આધાર પર પોતે રાજીનામું આપી દીધું છે. સત્તાની બાબતમાં નૈતિકતાની તાકાત રહી નથી, તાકાત સંખ્યામાં હોય છે. એ વખતે પણ ધારો કે ઠાકરેએ રાજીનામું ન આપ્યું હોત અને ગૃહમાં બહુમતી સાબિત કરવાની કોશિશ કરી હોત તો સાબિત થઈ ન હોત. શિંદે સાથે પૂરતી સંખ્યામાં ધારાસભ્યો જતા રહ્યા હતા અને બીજેપીનો ટેકો હતો એટલે સમગ્ર પ્રોસેસ કેવી રીતે થઈ હોત - પ્રથમ મહા આઘાડીના સ્પીકરને હટાવી દેવાયા હોત, પ્રથમ વિશ્વાસનો મત લેવાયો હોત કે બાદમાં ઠાકરે સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો હોત એ જ જોવાનું રહ્યું હોત. કેન્દ્રમાં બેઠેલી બીજેપીની સરકારે સમગ્ર તાકાત લગાડીને ઠાકરે સરકારને તોડી નાખવાનું નક્કી કર્યું હતું ત્યારે તેને બચાવવી મુશ્કેલ જ હતી.
પરંતુ આ ચુકાદાથી ફરી એક વાર રાજ્યપાલ અને સ્પીકરની ભૂમિકા સામેના ગંભીર સવાલો ઊભા થયા છે. વારંવાર એવું જોવા મળ્યું છે કે રાજ્યપાલ કે સ્પીકર ભાગ્યે જ તટસ્થ ભૂમિકા ભજવે છે. સત્તાધારી પક્ષના પ્રતિનિધિ તરીકે જ વર્તન થતું જોવા મળતું રહ્યું છે. આ વાસ્તવિકતાને સમજવાની જરૂર છે, કેમ કે સત્તામાં હોય એમાંથી જ એક સભ્યને પસંદ કરીને સ્પીકર બનાવવામાં આવે છે. સ્પીકર બને એટલે નૈતિકતા ખાતર આપણે આગ્રહ રાખીએ કે તેઓ પક્ષના સભ્યપદેથી રાજીનામું આપે અને સ્વતંત્ર બની જાય તો એવું થતું નથી. પક્ષ તરફની વફાદારી અકબંધ રહે છે. રાજ્યપાલ તરીકે કેવા નેતાઓને મૂકવામાં આવે છે એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. રજવાડી ઠાઠમાઠ માણી શકાય એવા હોદ્દા પર જે મોવડીએ બેસાડ્યો હોય તેમનું કહ્યું જ કરવાનું હોય છે. અમુક અપવાદ સિવાય ભાગ્યે જ કોઈએ આ બન્ને પદની ગરીમા જળવાય એવી રીતે કાર્યવાહી કરી છે.
સુપ્રીમ કોર્ટે પણ આ બન્ને બંધારણીય હોદ્દા પરથી લેવાયેલા નિર્ણયો વિશે ચુકાદા આપવાના આવે ત્યારે બંધારણીય જોગવાઈઓને જ મુખ્યત્વે ધ્યાને લીધી છે. એના કારણે ન્યાયાધીશો પણ એક હદથી આગળ વધીને નિર્ણયો કરી શકતા નથી. જેમ કે આ કિસ્સામાં એવો હુકમ ન આપ્યો કે ઉદ્ધવ ઠાકરેની સરકારને ફરીથી બેસાડો અને આ વિવાદ થયો એ વખતેની સ્થિતિને - અગાઉની સ્થિતિને પુનઃ સ્થાપિત (status quo ante) કરો. એવો હુકમ કરી શકાય એમ નથી, એમ પાંચ જજોની બેન્ચે જણાવ્યું. ઠાકરે જૂથે આ જ માગણી કરી હતી અને ૨૦૧૬માં અરુણાચલ પ્રદેશની સરકારને પુનઃ સ્થાપિત કરવામાં આવી એ રીતે ફરીથી પુનઃ સ્થાપિત કરવા માટેની માગણી કરી હતી.
૨૦૧૬માં અરુણાચલ પ્રદેશમાં સ્પીકરે કેટલાક ધારાસભ્યોને ગેરલાયક ઠરાવી દીધા હતા. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, કેમ કે સ્પીકરને જ પદ પરથી હટાવી દેવા માટેની નોટિસ ગૃહને આપી દેવાઈ હતી. સ્પીકર પર જ અવિશ્વાસ વ્યક્ત થયો હોય ત્યારે તેઓ મહત્ત્વના નિર્ણયો કરી શકે ખરા - એ કાનૂની અને બંધારણીય સવાલ ઊભો થયો હતો. સ્પીકર પર વિશ્વાસ નથી એ માટેની દરખાસ્ત દાખલ થઈ હતી, પરંતુ એના પર ગૃહમાં નિર્ણય કરવાનો બાકી હતો. ગૃહ મળે અને નિર્ણય થાય એ પહેલાં જ સ્પીકરે પોતાની રીતે નિર્ણય કરીને ધારાસભ્યોને ગેરલાયક ઠરાવ્યા. આ સ્થિતિમાં સ્પીકર કોઈ નિર્ણય લઈ શકે? આ સવાલ પર ચર્ચા બાદ સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે સ્પીકર સામે જ અરજી થઈ હોય ત્યારે તેમની સત્તા મર્યાદિત થઈ જાય છે. પ્રથમ તેમની સામેની અવિશ્વાસની દરખાસ્તનો નિર્ણય થવો જોઈએ અને બાદમાં સ્પીકર પોતાના કાર્યક્ષેત્ર વિશે નિર્ણયો કરી શકે. અરુણાચલ પ્રદેશના એ વખતના સ્પીકર આ રીતે નિર્ણયો ન કરી શકે, એમ જણાવીને નબામ તુકીની સરકારને ફરીથી સત્તામાં બેસાડવા માટે જણાવાયું હતું.
મહારાષ્ટ્રના કિસ્સામાં એ શક્ય ન બન્યું, કેમ કે કાનૂની અને ગૃહના ફ્લોર પરની લડાઈને ઉદ્ધવ ઠાકરેએ એ વખતે આગળ વધારી નહોતી. રાજ્યપાલના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી, પણ એ વખતે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો નહોતો. હવે આજે પાંચ ન્યાયમૂર્તિઓએ કહ્યું કે રાજ્યપાલ કોશ્યારીએ અયોગ્ય રીતે નિર્ણય લીધો હતો, પરંતુ એ વખતે તેમના નિર્ણય સામે સ્ટે અપાયો નહોતો. ૨૦૨૨ની ૨૯ જૂને શિવસેનાની અરજી અનુસાર સુપ્રીમ કોર્ટે ગવર્નર વિરુદ્ધ સ્ટે આપ્યો નહીં એટલે ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું હતું. તેમને લાગ્યું હતું કે પોતાની પાસે હવે બહુ વિકલ્પ નથી. ગૃહ મળે ત્યારે પોતાના જ પક્ષના પૂરતા સભ્યો પોતાની સાથે નહીં હોય એમ લાગ્યું એટલે ઠાકરેએ રાજીનામું આપી દીધું હતું.
આજે ઉદ્ધવ ઠાકરે નૈતિક જીતની વાત કરી શકશે, પરંતુ તેમની બીજી એક માગણી પણ અત્યારે માન્ય રહી નથી. શિંદે અને તેમની સાથે ૧૫ ધારાસભ્યોએ બળવો કર્યો છે, વ્હિપનો અનાદર કર્યો છે એથી તેમને ગેરલાયક ઠરાવવાની માગણી પણ ઠાકરે જૂથની છે. આ માગણી વિશે કોઈ નિર્ણય થયો નથી. એના માટે વધારે મોટી સાત ન્યાયાધીશોની બેન્ચ સુનાવણી કરીને ચુકાદો આપશે. એ સમયગાળા દરમ્યાન શિંદે સહિતના ૧૬ ધારાસભ્યોનું શું કરવું - તેમને લાયક ગણવા કે ગેરલાયક ઠરાવવા એનો નિર્ણય હાલના સ્પીકરે જ કરવાનો છે. સ્વાભાવિક છે કે હાલના સ્પીકર સત્તાધારી પક્ષના છે એટલે એ બાબતમાં શિંદે-બીજેપી સરકારને કોઈ ચિંતા નથી.
સ્પેસ ઓછી હોય તો ઉપર લેખ પૂરો કરી શકાય. જરૂર હોય તો આગળના પેરા ઉમેરી શકાય
ધારાસભ્યોનું રાજીનામું સ્વીકારવું કે ન સ્વીકારવું, તેમને ગેરલાયક ઠરાવવા કે ન ઠરાવવા, પક્ષના વ્હિપનો અનાદર કોઈ સભ્યે કર્યો છે કે નથી કર્યો - આ બાબતમાં સ્પીકરને નિર્ણય કરવાનો અધિકાર છે. એ અધિકાર એવી રીતનો છે કે આજ સુધી ગરબડો થતી રહી છે. નિર્ણય ક્યારે કરવો, કેવી પ્રક્રિયા દ્વારા કરવો એ અસ્પષ્ટ છે. એટલે ક્યારેક અડધી રાતે ધારાસભ્યનું રાજીનામું સ્વીકારી લેવામાં આવે, ક્યારેય મહિનાઓ સુધી રાજીનામું સ્વીકારવામાં ન આવે. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ પાસે પણ કોઈ ઉપાય રહેતો નથી. સ્પીકરને કામ કરતાં અદાલત રોકી શકે નહીં, ફક્ત નિર્ણય વિશે બાદમાં ફરિયાદ થાય તો સુનાવણી કરીને, બંધારણીય જોગવાઈ અનુસાર કોઈ નિર્ણય લઈ શકે.
આખી વાતનો સાર એ છે કે મહારાષ્ટ્ર સરકારની બાબતમાં અને સાથે જ આજે દિલ્હી સરકાર પોતાની રીતે કાર્ય કરવા મોકળાશ ધરાવે છે કે કેમ એ બાબતમાં સર્વોચ્ચ અદાલતના નિર્ણયો આવ્યા છે એ એક પ્રકારે નૈતિકતાને ફરી સ્થાપિત કરે છે. દિલ્હી ભલે પૂર્ણ કક્ષાનું રાજ્ય ન હોય, પણ ત્યાં બેઠેલી રાજ્ય સરકારને જનતાએ ચૂંટીને મોકલી છે. પ્રજાના પ્રતિનિધિઓને પોતાની રીતે કામ કરવાનો અધિકાર છે. એના પર એક સરકારી અમલદાર, કેન્દ્ર સરકારે નિયુક્ત કરેલા એક પ્રતિનિધિ એલજી રોડા નાખે એ ન ચાલે. આ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ.
પરંતુ મૂળ મામલો તો રહી જ ગયો. ઠાકરેની સરકાર સામે નિર્ણય કરવામાં રાજ્યપાલે ખોટું કર્યું હતું, પણ એનું જે પરિણામ આવવાનું હતું એ આવી ગયું. કોશ્યારી બદનામ થઈ ગયા, પણ હવે તો તેઓ રાજ્યપાલ પણ નથી. તેમના નામે બીજા પણ વિવાદો થયા એટલે બીજેપી મોવડીઓએ તેમને હટાવી દીધા હતા. તેમણે અયોગ્ય રીતે કરેલો નિર્ણય યથાવત્ રહ્યો છે, ત્યારે ઠાકરે માત્ર નૈતિક વિજયની જ વાત કરી શકે. નાગરિકો તરીકે પણ આપણે નૈતિકતા તરફ સુપ્રીમનું ધ્યાન છે એટલો સંતોષ લઈ શકીએ, પરંતુ એના આધારે નિર્ણય બદલાયો નથી.
કેટલાક બંધારણીય નિષ્ણાતો કહી રહ્યા છે કે ગવર્નરે બહુમતી સાબિત કરવા માટે હુકમ કર્યો એ પછી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું હતું. એથી એ નિર્ણયની અસર તેમનાં પગલાં પર હતી. એ નિર્ણય ખોટો હોય તો પછી એના આધારે લેવાયેલું પગલું પણ ખોટું ગણીને રાજીનામું રદ થવું જોઈએ, એવું થયું નથી. થયું હોત તો પણ ફરક ન પડ્યો હોત, કેમ કે નવેસરથી ઠાકરેની સરકાર બને એવી શક્યતા હાલ નથી. એ માટે ત્રણેય પક્ષોની બનેલી મહા આઘાડી અખંડ રહે અને એક બનીને ચૂંટણી લડે એ જરૂરી છે. શિંદેનો પણ ઉપયોગ પૂરો થયો છે ત્યારે તેમને પણ કોરાણે મૂકવાની તૈયારીની વાત સાચી હોય અને એનસીપીને તોડવાની હજીય કોશિશો થશે એવી શક્યતા હોય તો એ બાબતો જ મુખ્ય બનવાની છે. એના આધારે જ આગામી ચૂંટણી લડાશે અને એના આધારે જ આગામી નવી સરકાર બનશે.