હવામાન વિભાગની આગાહી મુજબ ગઈ કાલે મુંબઈમાં ભારે ગરમી અનુભવાઈ : બે દિવસ ગરમી બાદ ફરી વરસાદની શક્યતા
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
મુંબઈ : હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગઈ કાલથી મુંબઈમાં હીટવેવની શરૂઆત થઈ હતી. શહેરમાં ગઈ કાલે દિવસ દરમ્યાન સાંતાક્રુઝમાં ૩૮.૫ અને કોલાબામાં ૩૭.૪ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાતાં મુંબઈગરાઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. આજે અને આવતી કાલે પણ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. જોકે બે દિવસ પછી ફરી રાજ્યના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે એટલે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ગરમીમાં રાહત મળી શકે છે. હવામાનમાં સતત થઈ રહેલા ફેરફારને કારણે તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થવાના મામલા સામે આવી રહ્યા છે.
હવામાન વિભાગે મુંબઈ સહિત આસપાસ અને રાજ્યમાં સખત ગરમી પડવાની આગાહી કરી હતી એ મુજબ ગઈ કાલે સખત ગરમી અનુભવાઈ હતી. બપોરના સમયે સાંતાક્રુઝમાં ૩૮.૫ અને કોલાબામાં ૩૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા પાંચ ડિગ્રી વધુ હતું. આજે અને આવતી કાલે પણ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
હીટવેવ બાદ હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ૧૪ માર્ચથી મહારાષ્ટ્રના આંતરિયાળ વિસ્તારો સહિત દેશભરના અનેક ભાગમાં હળવો વરસાદ પડી શકે છે. મોટે ભાગે આ વરસાદ રાજ્યના પૂર્વના દરિયા કિનારાના પટ્ટામાં પડી શકે છે. આ સમય દરમ્યાન પશ્ચિમી અને કોંકણના ભાગમાં જોકે તાપમાન વધી શકે છે.
મુંબઈ અને આસપાસના વિસ્તારમાં આજે અને આવતી કાલે હીટવેવ રહ્યા બાદ આકાશ વાદળછાયું રહેશે એટલે ગરમીમાં થોડી રાહત અનુભવાશે.