પોઇસરમાં રહેતાં જૈન મહિલાએ ૧૩ વર્ષ પહેલાં લીધેલા દેહદાનના નિર્ણયને પરિવારે અમલમાં મૂક્યો
કમલેશ કાસતિયા
કાંદિવલીના પોઇસરમાં પવાર પબ્લિક સ્કૂલની સામે રાહુલ સોસાયટીમાં રહેતાં ૮૬ વર્ષનાં મારવાડી જૈન મહિલા કમલેશ કાસતિયાએ તેમના જમાઈને ૧૩ વર્ષ પહેલાં જ કહી રાખેલું કે મારા મૃત્યુ પછી મારા મૃતદેહનું હૉસ્પિટલમાં દાન કરજો. ગયા શુક્રવારે તેમનું અવસાન થતાં પરિવારે તેમનો મૃતદેહ નાયર હૉસ્પિટલને દાન કર્યો હતો તેમ જ બહુ ઓછા લોકો સ્કિન ડોનેટ કરતા હોય છે એટલે તેમની સ્કિન ઐરોલીની નૅશનલ બર્ન્સ હૉસ્પિટલને દાન કરી હતી.
કમલેશ કાસતિયાના જમાઈ કમલકુમાર સંચેતી જયપુરના છે અને ત્યાં તેઓ વર્ષોથી સોશ્યલ ઍક્ટિવિટી કરે છે. તેઓ નેત્રદાન અને દેહદાન જેવી પ્રવૃત્તિ સ્થાનિક લેવલે બહુ મોટા પ્રમાણમાં કરે છે. કમલકુમાર સંચેતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું આ સામાજિક પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલો છું. મારાં સાસુ કમલેશ મારા ઘરે આવ્યાં ત્યારે તેમને પણ એ પ્રવૃત્તિમાં રસ પડતાં તેમણે દેહદાન કરવાનો નિર્ણય લીધો હતો અને ૧૩ વર્ષ પહેલાં જ એનું ફૉર્મ ભરી આપ્યું હતું. જોકે તેઓ અહીં મુંબઈમાં રહે છે. ઉંમરને કારણે તેમને થોડી વીકનેસ હતી અને તેમનાં ફેફસાંમાં પાણી ભરાયું હતું એટલે તેમને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરાવી હતી. એ પછી તેઓ સાજા થઈ ગયાં હતાં અને ૯ સપ્ટેમ્બરે ડૉક્ટરે રજા આપતાં ઘરે પણ આવી ગયાં હતાં. ૧૩ સપ્ટેમ્બરે સવારે ફરી એક વાર તેમની તબિયત બગડી હતી અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અમે તેમના મૃતદેહને નાયર હૉસ્પિટલમાં ડોનેટ કર્યો હતો અને ખાસ તો સ્કિન ડોનેશન ઓછું થતું હોવાથી તેમની સ્કિન અમે ઐરોલી બર્ન્સ હૉસ્પિટલને ડોનેટ કરી હતી. તેમના પરિવારે પણ એ માટે પૂરતો સહકાર આપ્યો હતો.’