સ્પીકર નાના પટોલેના રાજીનામા બાદ કૉન્ગ્રેસની નજર ક્યા?
નાના પટોલે
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર નાના પટોલેએ ગઈ કાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમને મહારાષ્ટ્ર રાજ્યની કૉન્ગ્રેસ પાર્ટીના નવા પ્રેસિડન્ટ પદે પસંદ કરવામાં આવી શકે છે. ગઈ કાલે રાજ્યની રાજનીતિમાં જબરદસ્ત ચહલ-પહલ જોવા મળી હતી. નાના પટોલેએ રાજીનામુ આપ્યા બાદ એવી અફવાએ જોર પકડ્યુ હતુ કે હવે શિવસેના વિધાનસભા અધ્યક્ષનું પદ માગશે. જ્યારે કૉન્ગ્રેસ નાયબ મુખ્યપ્રધાનનું પદ માગશે બીજી બાજુ આ આખા મામલાને શરદ પવાર અને નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે વધુ મહત્ત્વ ન આપતા તેમની શુ રણનીતિ છે એ અત્યારે સ્પષ્ટ નથી થઈ રહ્યું.
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં તેમની રાહુલ ગાંધી સાથે મીટિંગ પણ થઈ હતી. નાના પટોલેએ પોતે આ વાતની પુષ્ટિ પણ કરી હતી અને સાથે-સાથે જણાવ્યું હતું કે રાજ્યના એકમનો કારભાર, જે હાલમાં બાળાસાહેબ થોરાત પાસે છે એ સ્વીકારવા તેમને હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ. ગયા મહિનામાં જ બાળાસાહેબ થોરાતે આ પદ છોડવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
પટોલે એક આક્રમક નેતા છે, જેમણે ખેડૂતો માટેના કૉન્ગ્રેસના નૅશનલ સેલનું નેતૃત્વ કર્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે તેઓ દિલ્હીની આસપાસના વિસ્તારમાં ખેડૂતોની મુલાકાત લેશે. ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણી લડી પટોલેએ નવા રાજકીય વાતાવરણમાં સ્પીકર્સ ઑફિસમાં પ્રવેશ મેળવ્યો હતો.
પટોલેના રાજીનામા બાદ એવા પણ સમાચાર મળી રહ્યા છે કે એને લીધે મહા વિકાસ આઘાડીના સ્ટ્રક્ચરને અસર પડશે, કારણ કે આ મુદ્દાનો ઉપયોગ કૉન્ગ્રેસ પોતાનો પક્ષ મજબૂત કરવા માટે કરી શકે છે. વળી, એવી પણ અટકળો ચાલી રહી છે કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની મોટી ખુરસી મેળવવા કૉન્ગ્રેસ સ્પીકરની ખુરસી છોડી શકે છે.
સામા પક્ષે એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે પટોલેનું રાજીનામું કૉન્ગ્રેસના આંતરિક દબાણનું પરિણામ છે અને પટોલેના રાજીનામા પહેલાં કૉન્ગ્રેસે આ બાબતે તેમની સાથે વાત કરી હતી. જોકે પટોલેએ શરદ પવારના સ્ટેટમેન્ટ પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહોતી આપી. કૉન્ગ્રેસના એક જૂથનું એમ પણ કહેવું છે કે માત્ર કૉન્ગ્રેસ જ નહીં, પણ અન્ય બે પાર્ટી પણ પટોલેની કાર્યપદ્ધતિથી ખુશ નહોતી.
કૉન્ગ્રેસ નાયબ મુખ્ય પ્રધાનનું પદ ઇચ્છે છે એ વાતમાં તથ્ય નથી: અજિત પવાર
કૉન્ગ્રેસ નાયબ મુખ્ય પ્રધાનનું પદ મેળવવા ઇચ્છે છે એવા અખબારી અહેવાલને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રદિયો આપતાં કહ્યું હતું કે આ સમાચારોમાં તથ્ય નથી. એમવીએ (મહા વિકાસ આઘાડી) સરકારમાં કોઈ પણ નિર્ણય ત્રણે સહયોગી પક્ષના વડાઓ વચ્ચેની ચર્ચા તથા સર્વાનુમત બાદ લેવામાં આવે છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર હાલમાં એમપીસીસીના પ્રમુખપદે જો નાના પટોલેની નિમણૂક કરાય તો કૉન્ગ્રેસે વિધાનસભાના સ્પીકરનું પદ સહયોગી પક્ષ શિવસેનાને સોંપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અખબારી અહેવાલમાં વધુમાં જણાવાયું હતું કે કૉન્ગ્રેસે નાયબ મુખ્ય પ્રધાનનું પદ તેમ જ અન્ય અગત્યના પોર્ટફોલિયોની માગણી કરી હતી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત શાસક પક્ષના અમે બધા જ પ્રધાનો એમવીએના નેતાઓએ સાથે મળીને લીધેલા નિર્ણયોને અમલમાં મૂકીએ છીએ.
કૉન્ગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાતે સંઘટનના પદ પરથી રાજીનામું આપીને માત્ર પ્રધાન તરીકે કાયમ રહેવાની ઇચ્છા વ્યક્ત કરતાં હવે રાજ્ય એકમના પક્ષપ્રમુખ તરીકે કોણ નિમાશે એવા પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્ય પ્રધાને એને પક્ષની આંતરિક બાબત ગણાવીને ઉત્તર આપવાનું ટાળ્યું હતું.

