માહિમના દરિયામાં ગેરકાયદે ઊભી કરવામાં આવેલી મજાર એક મહિનામાં તોડવાનું અલ્ટિમેટમ આપ્યાના ગણતરીના કલાકમાં કાર્યવાહી કરવામાં આવી
બીએમસી દ્વારા હાથ ધરાયેલું ડિમોલિશન
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ બુધવારે શિવાજી પાર્કમાં આયોજિત ગુઢી પાડવાની જાહેર સભામાં માહિમમાં મુસ્લિમો દ્વારા સમુદ્રમાં ગેરકાયદે મજાર બાંધવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને આ મજાર એક મહિનાની અંદર તોડવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ અલ્ટીમેટમના ગણતરીના સમયમાં જ કલેક્ટરના આદેશથી ગઈ કાલે સવારે આઠ વાગ્યે આ ગેરકાયદે મજારને બીએમસીએ તોડી નાખી હતી. સવાલ એ છે કે સમુદ્રમાં ગેરકાયદે બની રહેલી મજાર સામે આંખ આડા કાન કરનારા તંત્રના મોટા નેતાએ કાન આમળ્યા એટલે કાર્યવાહી કરાઈ. આવી ઍક્શન સામાન્ય લોકોની ફરિયાદમાં ક્યારે લેવાશે?
બુધવારે ગુઢી પાડવાએ શિવાજી પાર્કમાં આયોજિત એમએનએસની જાહેરસભામાં રાજ ઠાકરેએ માહિમના સમુદ્રમાં મુંબઈમાં ગેરકાયદે રીતે બીજું હાજીઅલી બે વર્ષથી બની રહ્યું હોવાનો એક વિડિયો બતાવ્યો હતો. ધર્માભિમાની મુસ્લિમોને આ ગેરકાયપે પ્રવૃત્તિ ગમશે? બીએમસી-મુંબઈ પોલીસના કમિશનરો, મુખ્ય પ્રધાન-નાયબ મુખ્ય પ્રધાનને રાજ ઠાકરેએ અલ્ટીમેટમ આપ્યું હતું કે એક મહિનાની અંદર જો આ ગેરકાયદે મજાર તોડવામાં નહીં આવે તો મનસૈનિકો કાયદો હાથમાં લેશે. પછી અત્યારે જેવી રીતે તંત્ર બે વર્ષથી ચાલી રહેલી આ પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરી રહ્યું છે એવું વલણ અમારા માટે પણ રાખજો. મજારની બાજુમાં સૌથી મોટું ગણપતિનું મંદિર બનાવીશું.
ADVERTISEMENT
રાજ ઠાકરેનું અલ્ટીમેટમ એક મહિનાનું હતું, પરંતુ કલેક્ટરે રાતોરાત આ મજાર તોડવાનો નિર્દેશ આપતા બીએમસીએ ગઈ કાલે સવારના આઠ વાગ્યે ગણતરીના કલાકમાં ગેરકાયદે મજાર તોડી નાખી હતી. કોઈ પણ ગેરકાયદે બાંધકામ તોડતા પહેલાં બીએમસી નોટિસ મોકલે છે. અહીં તો રાતોરાત આદેશ આપીને અમુક કલાકમાં જ મજાર તોડી નખાઈ. એનો અર્થ એ થાય છે કે બીએમસી સહિત આખું તંત્ર જાણતું હતું કે સમુદ્રની અંદર ગેરકાયદે મજાર બની રહી છે. એટલે તાત્કાલિક રીતે એને તોડી નાખી. માહિમના સમુદ્ર કિનારે ગઈ કાલે સવારના જ મોટા પોલીસ બંદોબસ્ત સાથે બીએમસીની તોડકામ ટુકડી પહોંચી હતી અને અડધા કલાકમાં જ મજાર અને આસપાસના ગેરકાયદે બાંધકામને તોડી નખાયા હતા.
માહિમના દરિયામાં બનાવવામાં આવેલી મજાર
તાત્કાલિક આદેશ અપાયો
રાજ ઠાકરેનું ભાષણ રાતના નવેક વાગ્યે પૂરું થયું હતું. આ સમયે બીએમસી કે કલેક્ટર ઑફિસમાં કોઈ હાજર ન હોય એ સ્વાભાવિક છે, પણ નવાઈની વાત એ છે કે ગેરકાયદે મજાર તોડવા માટેની ટીમ તૈયાર કરવા નાયબ કલેક્ટરે ૨૨ માર્ચનો ઑર્ડર જારી કરવામાં આવ્યો હતો. તંત્ર અમુક બાબતો સામે આંખ આડા કાન કરતું હોવાની ફટકાર રાજ ઠાકરેએ લગાવતા રાતોરાત તોડકામ માટેની ટીમ બનાવાઈ અને તોડકામ હાથ ધરાયું હતું, જે માત્ર અડધા કલાકમાં પૂરું પણ કરી દેવાયું હતું. આ બનાવ પરથી સમજી શકાય છે કે તંત્ર ધારે તો ગમે તેવી તાકતવર વ્યક્તિ કે સમાજ દ્વારા કરાતી ગેરકાયદે પ્રવૃત્તિ રોકી શકે છે. માહિમ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સમુદ્રમાં તોડી પાડવામાં આવેલી મજાર ૬૦૦ વર્ષ જૂની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હવે મુમ્બ્રાની મસ્જિદ-દરગાહને ૧૫ દિવસનું અલ્ટિમેટમ
રાજ ઠાકરેએ ગુઢી પાડવાની જાહેર સભામાં ઉલ્લેખ કર્યો હતો એ માહિમના દરિયાની મજાર અને સાંગલીની બંધાઈ રહેલી મસ્જિદ સામે કાર્યવાહી થયા બાદ હવે એમએનએસના રડાર પર મુમ્બ્રાની મસ્જિદ અને દરગાહ આવી છે. એમએનએસના નેતા અવિનાશ જાધવે આ મસ્જિદ અને દરગાહ તોડવા માટે ૧૫ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. થાણે એમએનએસે આરોપ કર્યો છે કે મુમ્બ્રામાં ડુંગર પર કેટલાક અજાણ્યા લોકો દ્વારા સાતથી આઠ મસ્જિદ અને દરગાહ બનાવવામાં આવી છે. અવિનાશ જાધવના કહેવા મુજબ આ ડુંગર પર મુમ્બ્રાદેવીનું મંદિર છે. પારસિક ડુંગર વન વિભાગમાં આવે છે. મંદિરનાં પગથિયાંથી મુમ્બ્રા બાયપાસ સુધી કેટલાક લોકોએ ગેરકાયદે દરગાહ બનાવી દીધી છે. આ દરગાહ અને મસ્જિદોને વન વિભાગ, જિલ્લા પ્રશાસન, વીજ કંપની, થાણે મહાનગરપાલિકા, પાણી વિભાગ દ્વારા તમામ સુવિધા આપવામાં આવી છે. સરકારી જમીન હડપવાના આ ગંભીર મામલામાં જો પ્રશાસન ૧૫ દિવસમાં કાર્યવાહી નહીં કરે તો એમએનએસ પોતાની રીતે કામ કરશે.