પુુલ બંધ કરાયા બાદ એસ. વી. રોડ પર ટ્રાફિક-જૅમ ન થાય એ માટે ફેરિયાઓને હટાવાયા : એટલું જ નહીં, ફેરિયા પાછા આવી ન જાય એ માટે બીએમસીએ પોતાની સ્પેશ્યલ ટીમને સ્પૉટ પર તહેનાત કરી દીધી છે
બીએમસીના કર્મચારીઓએ ગઈ કાલે અંધેરી-વેસ્ટમાં એસ. વી. રોડ પરના ફેરિયાઓને હટાવી દીધા હતા. (તસવીર : પ્રદીપ ધિવાર)
અંધેરી ઈસ્ટ–વેસ્ટને જોડતો ગોખલે બ્રિજ બંધ કરાયા બાદ અંધેરીના આંબોલી સબવે અને વિલે પાર્લેના બિસ્કિટ ફૅક્ટરીવાળા બ્રિજથી મોટા ભાગનો ટ્રાફિક ડાઇવર્ટ થઈ રહ્યો છે. એથી અંધેરી-વેસ્ટમાં એસી. વી. રોડ પર સખત લોડ વધી ગયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા ત્યાં વાહનો સરળતાથી મૂવ થતાં રહે એ માટે બીએમસીને વિનંતી કરાઈ છે કે ત્યાંથી ફેરિયાઓને હટાવી લેવામાં આવે. બીએમસી દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવાઈ છે અને હાલ તો ત્યાં ફેરિયાઓ ન બેસે એ માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બીએમસીના કે-વેસ્ટ વૉર્ડના વોર્ડ ઑફિસર પૃથ્વીરાજ ચૌહાણે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગોખલે બ્રિજ બંધ થવાથી એસ. વી. રોડ પર ટ્રાફિક વધ્યો છે એ વાત સાચી છે. અમે જે મુખ્ય ત્રણ સ્પૉટ છે એ ઇર્લા સિગ્નલ, અંધેરી સ્ટેશન સામેનું એસ. વી. રોડ પરનું સિગ્નલ અને જે. પી. રોડ–એસ. વી. રોડ જંક્શન પર બેસતા ફેરિયાઓને હટાવી દીધા છે. ફરીથી ફેરિયાઓ ત્યાં ન બેસે એ માટે અમે હાલ એ ત્રણ સ્પૉટ પર અમારી સ્પેશયલ ટીમ તહેનાત કરી છે અને એક મૂવિંગ વેહિકલ સાથેની ટીમ છે જે અવારનવાર પૅટ્રોલિંગ કરતી રહે છે. એમ છતાં જો લોકોને એ વિસ્તારોમાં ફેરિયાઓ દેખાય તો અમને તેમના ફોટો મોકલી શકે છે. અમે તરત જ કાર્યવાહી કરીશું. બે વર્ષ સુધીમાં એ બ્રિજ બનીને તૈયાર થશે એવું જાણવા મળ્યું છે એટલે જ્યાં સુધી એ બ્રિજ બનીને તૈયાર ન થાય ત્યાં સુધી અમારા દ્વારા આ ગોઠવણ ચાલુ રહેશે. એમાંના જે પણ લાઇસન્સવાળા અને સર્વેમાં પાત્ર ગણાયેલા ફેરિયાઓ છે તેમનું અન્ય સ્થળે સ્થળાંતર કરવાનું અમે વિચારી રહ્યા છીએ.’