શાંતિદૂત કબૂતરો કેમ ડેન્જરસ?
જયંતીભાઈ પૂજ
ઘાટકોપરના જૈનના મૃત્યુ પછી ફરી સવાલ કે શું કબૂતરની ચરક છે જીવલેણ? ડૉક્ટરોનું કહેવું છે કે શરૂઆતમાં જ સારવાર ન થાય તો દર્દીનો જીવ જઈ શકે છે. સિનિયર સિટિઝન જયંતીભાઈ પૂજનું ફેફસાંના ઇન્ફેક્શનને કારણે અવસાન થતાં કબૂતરો ફરી ચર્ચામાં
ઘાટકોપર (વેસ્ટ)ના કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજના અને લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલી ન્યુ ગીતાકુંજ સોસાયટીના રહેવાસી ૬૨ વર્ષના જયંતીભાઈ મણિલાલ પૂજનું કબૂતરની ચરકના સંપર્કમાં આવવાને કારણે ફેફસાંમાં ઇન્ફેક્શન થવાથી સોમવારે સવારે અવસાન થયું હતું. જયંતીભાઈ પૂજના અવસાનથી ફરીથી એક વાર કબૂતરો ચર્ચામાં આવી ગયાં છે.
ADVERTISEMENT
ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરના પેશન્ટ જયંતીભાઈ પૂજને ઑક્ટોબર મહિનામાં શરદી અને કફની તકલીફ શરૂ થઈ હતી એવી જાણકારી આપતાં તેમના પુત્ર રાકેશ પૂજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જોકે આ તકલીફ ડૉક્ટરોની દવા પછી પણ દૂર થઈ નહોતી. આથી અમે અમારા પારિવારિક મિત્ર અને ઘાટકોપરના જનરલ ફિઝિશ્યન ડૉ. અજિત વોરાનો સંપર્ક કર્યો હતો. તેમણે પપ્પાની તકલીફ જોઈને સૌથી પહેલો સવાલ એ કર્યો હતો કે તમે કબૂતરોની આસપાસ રહો છો? તમારી આસપાસ કબૂતરોની અવરજવર છે? પપ્પાએ હા પાડતાં જ ડૉ. અજિત વોરાએ ફેફસાંના ઇન્ફેક્શનની સારવાર શરૂ કરી હતી, પરંતુ પપ્પાના ફેફસાંના ઇન્ફેક્શન પર દવાની કોઈ જ અસર થતી નહોતી. દિવસે ને દિવસે તેમની તકલીફ વધતી જતી હતી. થોડા દિવસ પહેલાં તેમની તકલીફ એટલી હદે વધી ગઈ કે તેમને વૅન્ટિલેટર પર રાખવાની જરૂર ઊભી થઈ હતી. આથી અમે તેમને ઘાટકોપરની જ હિન્દુસભા હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા, જ્યાં તેમનું ચેક-અપ કરતાં તેઓ કોવિડ પૉઝિટિવ પણ આવ્યા હતા. આખરે સોમવારે સવારે તેમનું મૃત્યુ થયું હતું.’
જીવદયાપ્રેમીઓમાં કબૂતરોને ચણ નાખવાથી પુણ્ય મળે છે એવી એક ધાર્મિક માન્યતા છે જેને પરિણામે મુંબઈના અનેક જીવદયાપ્રેમીઓ તેમના ઘરની બહાર કબૂતર અને પક્ષીઓને ચણ ખવડાવવા માટે ચબૂતરો ઊભો કરે છે. એમાં ચણ અને પાણી નાખીને તેઓ પક્ષીઓને ખવડાવે છે. જોકે મેડિકલ એક્સપર્ટ્સની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે હિસ્ટોપ્લાઝમોસિસ નામનો એક ચેપ છે જે ઘણી વાર પક્ષીઓના ડ્રોપિંગમાં જોવા મળે છે. મોટા ભાગે કબૂતરની ચરકના સંપર્કમાં આવવાથી આ ચેપ ફેલાય છે. એને કારણે મનુષ્યને શ્વાસની તકલીફ થાય છે. ત્યાર બાદ ફેફસાંમાં ઇન્ફેક્શન થાય છે અને મનુષ્યનું મૃત્યુ પણ થઈ શકે છે.
તેના કાકાનું મૃત્યુ પણ આવાં જ કારણોસર થયું છે એમ જણાવતાં રાકેશ પૂજના કઝિન વિશાલ પૂજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જૈન છીએ. જીવદયાપ્રેમ અમારી નસેનસમાં વહે છે. અમારા પરિવારમાં દીક્ષા પણ થઈ છે. અમે કબૂતરોને ચણ નાખવાના કે જીવદયા કરવાના વિરોધી નથી. આમ છતાં અમે કાકાના મૃત્યુની વાસ્તવિકતા સમાજ સામે મૂકીને કબૂતરોની ચરકથી થતી બીમારીની જાણકારી આપીને સૌને આ બાબતમાં સાવધાની રાખવાનો અનુરોધ કરીએ છીએ.’
તબીબી નિષ્ણાતો ભલામણ કરે છે કે ઓછી રોગપ્રતિકારક શક્તિ અથવા શ્વસન સમસ્યાઓનો ઇતિહાસ ધરાવતા દરદીઓએ કબૂતરના સંવર્ધનના મેદાનથી દૂર રહેવું જોઈએ એમ જણાવતાં જયંતીભાઈ પૂજના જનરલ ફિઝિશ્યન ડૉ. અજિત વોરાએ વિશાલ પૂજ અને રાકેશ પૂજની વાતોને સમર્થન આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જયંતીભાઈ ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરના દરદી હતા. તેમના ઘરની આસપાસ કબૂતરોની ખૂબ જ અવરજવર હતી જેને કારણે તેઓ ફેફસાંના ઇન્ફેક્શનના દરદી બની ગયા હતા. નો ડાઉટ, હવે આ દર્દ મુંબઈમાં સામાન્ય થઈ ગયું છે.’
ચેસ્ટ ફિઝિશ્યન શું કહે છે?
ફક્ત કબૂતરો જ નહીં, કોઈ પણ પક્ષીની ચરકથી ફેફસાંનો રોગ થાય છે એમ જણાવતાં જાણીતા ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. પ્રહલાદ પ્રભુદેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ પણ શરદી કે કફની બીમારીમાં સૌથી પહેલાં ટીબીની અને ત્યાર પછી અસ્થમાની તપાસ કરવી જરૂરી છે. તો પણ નિદાન ન થાય તો સીટી સ્કૅન કરીને હાઇપરસેન્સિટિવ ન્યુમોનિટીઝ છે કે નહીં એની તપાસ કરવી જરૂરી છે. હાઇપરસેન્સિટિવ ન્યુમોનિટીઝ કબૂતરો અથવા તો અન્ય પક્ષીઓના સંપર્કમાં આવવાથી થાય છે. આ રોગ ચરકમાં ઉત્પન્ન થતી ફંગસને કારણે થાય છે. ભારતમાં આ રોગ સામાન્ય રોગ બની ગયો છે. ઘાટકોપરમાં આ રોગનો વધુ ફેલાવો હોવાના અનેક કેસ બહાર આવ્યા છે. પક્ષીપ્રેમીઓની બેદરકારીને લીધે આ રોગ સંભવિત બને છે. આ રોગની શરૂઆત હોય તેને બચાવી શકાય છે. નહીંતર એ જીવલેણ નીવડી શકે છે. આ રોગના દરદીને અમે પહેલાં આવા વાતાવરણથી દૂર જવાની સલાહ આપીએ છીએ.’
લીલાવતી હૉસ્પિટલના ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. સંજીવ મહેતાએ કબૂતરની ચરકથી ફેફસાંમાં થતા ઇન્ફેક્શન બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કબૂતરની ચરકથી ફેફસાં પર અસર થાય છે. એનાથી ફેફસાં ખરાબ થઈ શકે છે. અતિ સંવેદનશીલ ન્યુમોનિટીઝ ઇન્ટર્સ્ટિશલ ફેફસાંનો રોગ કબૂતરોની ચરકથી થતો હોવાનું મેડિકલ રિસર્ચમાં પણ જાણવા મળ્યું છે. અનેક લોકોનાં ફેફસાં તો સાવ જ ખરાબ થઈ જતાં હોય છે. આવા દરદીઓ અમારી પાસે આવતા હોય છે. આ દર્દ કોઈને પણ થઈ શકે છે. સામાન્ય દરદીઓ કરતાં આવા દરદીઓને કોઈના સંક્રમણમાં આવવાથી જલદી કોરોના લાગુ થઈ શકે છે, કારણ કે આ દરદીઓનાં ફેફસાં પહેલેથી ૬૦ ટકાથી વધુ ડૅમેજ થઈ ચૂક્યાં હોય છે.’

